૧૫૪ - મહિમા સમજવાની ભલામણ
થોડા દિવસ વીત્યા પછી ધર્મધુરંધર આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે અમદાવાદના સંતો વૃષપુર જતા હતા તેની સાથે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને કહેરાવ્યું જે, ‘અત્રે રામનવમીનો સમૈયો સારો થયો હતો અને કોઈ સંત-હરિભક્તને રોગ સંબંધી કાંઈ અડચણ આવી નહોતી; અને જે પ્રમાણે આગળથી થવાનું કહ્યું હતું, તે પ્રમાણે બધુંય થયું હતું. ધ્રાંગધ્રે સમૈયો બંધ થયાનો કાગળ આવ્યો હતો. વળી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સદ્ગુરુ દેવચરણદાસજી સ્વામી તથા શાસ્ત્રી બાળમુકુંદાનંદજી બ્રહ્મચારી વગેરે ઘણા સંતોએ ધ્રાંગધ્રે રહેવાનો આગ્રહ ઘણો કર્યો, કેમ કે રાજ્ય તરફથી બે માસ રોકાવા આગ્રહ થયો હતો, પરંતુ આપના કહેવા પ્રમાણે અમે ત્યાં રોકાણા નહોતા ને લીલાપુર પહોંચ્યા ત્યાં તો સમૈયાની છૂટીનો કાગળ આવ્યો, તેથી અમે ગયા હતા. ઉપરાંત એમ પણ કહ્યું હતું જે, ભાઈશ્રીને એટલું જરૂર કહેજો કે તમે આમ અંતર્યામીપણે બધું જાણો છો, તેવી મને આ વખતે જ ખબર પડી. સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી ઘણી વાર કહેતા, પણ મને આવડી બધી ખબર નહિ. કચ્છમાં જે જે સંત-હરિભક્તો રહે છે તેનાં બહુ મોટાં ભાગ્ય છે; કેમ કે આપના જેવા શ્રીજીમહારાજના હજૂરી મુક્તનો જોગ ને દર્શન ત્યાં સહેજે મળે છે. મહારાજના મોટા મુક્ત બહિદૃષ્ટિએ ઓળખાય નહિ. અહીં તથા ગામડાંઓમાં કેટલાક મુક્તસ્થિતિમાં વર્તનારા સંત-હરિભક્તોને જોઈએ છીએ, ત્યારે ઉપરથી તો કાંઈ જોવામાં ન આવે, તદ્દન સાદા ભોળા જેવા લાગે, પણ તેમની વાતો ને વર્તન જોતાં તે જેમ છે તેમ ઓળખાઈ જાય. પણ આપની વાત તો જુદી જ છે.’ આ રીતે સંતોએ બધી વાત તેમની વતી કરવાથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી ઘણા જ રાજી થયા અને તે વાત જ્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા ત્યારે તેમને પણ પોતે કરી હતી.