૩૦૨ - જન્માષ્ટમીનો ઉત્સવ

0:000:00

આ રીતે વડનો મોક્ષ કરી ધીરે ધીરે સહુ ભૂજમાં આવ્યા ત્યાં કોટવાળ ધનજીભાઈ તથા ભોગીલાલભાઈ મંદિર પાસે મળ્યા ને બહુ રાજી થઈ બોલ્યા જે, ‘બાપા! આમ ઓચિંતાના! કોઈને ખબરેય ન આપ્યા.’ ત્યારે બાપાશ્રી કહે. ‘મહારાજની મરજી એવી હશે. એમ કહેતાં મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યાં. બાપાશ્રીને દેખ્યા એટલે સૌનાં હૈયાંમાં હર્ષ ઉભરાણો ને હરિભક્તોએ દંડવત્ કર્યા. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ઠાકોરજીની પ્રસાદીનો મોટો ફૂલનો હાર પહેરાવ્યો ને બોલ્યા જે, ‘દયાળુ! બહુ દયા કરી દર્શન દીધાં! આજ તો ન્યાલ કર્યા, હવે બધાયને સુખનો સાગર રેલાવો.’

વર્ણી નિર્ગુણાનંદજી પ્રેમની મૂર્તિ જેવા, એટલે એમનું તો બોલવુંય નોખી ભાતનું! બાપાશ્રીએ ઠાકોરજી તથા સંતોનાં દર્શન કર્યાં ત્યાં તો મેડા પર પોતે આસન કરાવી ત્યાં લઈ ગયા ને કહ્યું જે, ‘બાપા! ચાલીને આવ્યા છો, તે સારી રીતે વિસામો કરો. હવે આવું ક્યારેય ન કરવું. આગલે દિવસ ગાડામાં બેસીને આવો તો બળદનું કેવું કામ થાય! અને હરિભક્તોને પણ સુખ આવે.’ આવાં વચનથી બાપાશ્રી તેમના પર રાજી થયા. પછી બાપાશ્રીએ આસને સૂતાં સૂતાં હરિભક્તોને ઘણી વાર વાતો કરી. સમૈયાનો દિવસ હોવાથી સંધ્યા-આરતી પછી ઠાકોરજી પાસે ઉત્સવની ધામધૂમ થઈ ને ચોઘડિયાં વાગ્યાં. જ્યારે જન્મસમયે આરતી થઈ ત્યારે હરિભક્તોની ભીડમાં ઠાકોરજીની સન્મુખ બાપાશ્રી દર્શન કરવા ઊભેલા. તેથી શ્રીજીમહારાજ તથા આ મુક્તરાજને જોઈ સહુ આનંદ પામતા હતા. પછી બીજે દિવસ ઠાકોરજીને જમાડી, સંત-હરિભક્તોને રાજી કરી પોતે હરિભક્તોએ સહિત વૃષપુર પધાર્યા.