૧૨૮ - રામજીભાઈને રાજી કર્યા
એક વખત ઉપરદળના રામજીભાઈ દર્શને આવ્યા. તેમને હેતનું અંગ ઘણું હતું. તેથી સ્વામીશ્રીને શરીરે મંદવાડ જોઈને એ રોવા લાગ્યા તે છાના જ ન રહે, ને બોલે જે, ‘બાપજી! તમે ધામમાં જવા તૈયાર થયા, હવે હું કોને આધારે જીવીશ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે?’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘ભાઈ! સત્સંગ આખોય શ્રીજીમહારાજને આધારે છે, તેમના મોટા મોટા મુક્તો અહીં પધાર્યા ને અનેક જીવોના મોક્ષ કરી ચાલ્યા ગયા, એમ કહેવાય છે, પણ એ તો સદાય છે, છે ને છે જ. જ્યાં શ્રીજીમહારાજ ત્યાં એ દિવ્ય સભા હોય જ, પણ દિવ્ય દૃષ્ટિ થાય ત્યારે એ સમજાય. સત્સંગમાં બધુંય છે. તોપણ તમને કહું છું કે, કચ્છમાં વૃષપુર ગામમાં અનાદિ સિદ્ધમુક્ત અબજીભાઈ છે, જેમનાં તમે દર્શન કર્યા છે, તે મહાસમર્થ છે ને મારા કરતાંય તમને વધુ સુખિયા કરે તેવા છે ને શ્રીજીમહારાજના સંકલ્પથી અહીં દેખાય છે, તેથી ત્યાં જઈ તેમને રાજી કરજો, પણ બીજે જ્યાંત્યાં જશો નહિ.’ આવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી તે સંતોષ પામ્યા. આ રીતે સ્વામીશ્રી પાસે જે જે સંત-હરિભક્તો આવતા. તેને પોતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની ઓળખાણ પડાવી જોગ-સમાગમ કરવાની ભલામણ કરતા ને દર્શન-સમાગમનું સુખ આપતા. સ્વામીશ્રીને ભાદરવા માસમાં વધુ મંદવાડ જણાયો, ત્યારે સંત-હરિભક્તો રાતદિવસ સેવા કરવા લાગ્યા. કોઈ પાસે કથા વાંચે, કીર્તન બોલે, કોઈ ચંદન-પુષ્પથી પૂજા કરે, હાથ જોડે, દંડવત્ કરી પ્રાર્થના કરે, કોઈ સેવા કરે, એ રીતે જુદે જુદે પ્રકારે એમનો રાજીપો થાય તેમ સૌ કરવા લાગ્યા.