૫૬૬ - કેરીનો રસ જમાડી સંતોને રાજી કર્યા

0:000:00

આ રીતે બહુ પ્રકારે સંતોને રાજી કરતાં એક દિવસ હરિભક્તો રસોઈમાં કેરીઓ લાવેલા, તેમાંથી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ સારી સારી કેરીઓ જુદી કાઢી રાખી, બપોરના એ વાડીએ લઈ ગયા. પછી જ્યારે બાપાશ્રી તથા સંતો નાહી માનસીપૂજા કરીને બેઠા ત્યારે તેમાંથી એક કેરી ઘોળી મહારાજને જમાડી, પછી બાપાશ્રીને આપીને કહ્યું જે. ‘આ કેરીનો રસ આપ જમો.’ ત્યારે પોતે ના પાડવા મંડ્યા ને કહે, ‘લાવો હું ઘોળીને રસ કાઢી દઉં, તમે સૌ મહારાજને રસ જમાડો, તેમાં અમે ભેળા છીએ.’ પણ સ્વામીશ્રી કહે, ‘એમ નહિ. આજ તો રસ થોડો જમવો પડશે.’ એવા આગ્રહથી પોતે તે કેરી હાથમાં લઈ જરા ચૂસીને બોલ્યા જે, ‘સ્વામી! મને રસ ખાટો લાગે છે, તે બહુ નહિ ફાવે. ’ એમ કહેતાં એ એક કેરી તો જમ્યા. પછી હાથ ધોઈને કહે, ‘લાવો હવે હું તમને જમાડું,’–એમ કહી કેરીઓ ઘોળી ઘોળીને વડનાં પાંદડાંમાં તથા સંતોની હથેળીમાં રસ આપતા જાય ને જમાડતા જય, એમ એ કેરીઓ બધી સંતોને જમાડી દીધી. પછી કોઈને ગોટલા ને કોઈને છોતરાં આપી રાજી કર્યા ને કહ્યું જે, ‘આજ મારે ભારે લહાવ આવ્યો, કેમ કે તમારા દ્વારે મહારાજ રસ જમ્યા.‘ જો આટલી જ લીલા કોઈ દિવ્યભાવે સંભારે તો તેના મોક્ષમાં જરાય વાંધો ન આવે એમ બોલી હાથ ધોઈ સહુને મળ્યા, પછી મંદિરમાં આવ્યા.