૧૭૩ - મૂળીમાં પાંચ દિવસ રહ્યા
આ વખતે બાપાશ્રીનું મૂળીમાં ઘંટવાળે મેડે આસન રાખ્યું હતું. પોતે મૂળીમાં પાંચ દિવસ રહ્યા ત્યાં સુધી સભામાં કે આસને સંત-હરિભક્તોની ભીડ મટે જ નહિ. જ્યારે જ્યારે પોતે મંદિર પર ઠાકોરજીનાં દર્શન કરવા જતા, ત્યારે દિવ્યસમૂહ સાથે હોય જ, સભામાં બેઠા હોય ત્યારે સંત-હરિભક્તોથી સભામંડપ ભરાઈ જાય, આસને જાય ત્યારે પણ એ જ રીત. પંક્તિ વખતે પોતે સંતોને દંડવત્ કરે. સવારમાં વહેલા મંદિરના કૂવે નાહી લે. બપોરે વાડીમાં નાહવા જાય. ક્યારેક પ્રસાદીની વાવે નાહ્ય, પણ એ જયાં જાય ત્યાં સંત-હરિભક્તોનો સમૂહ ભેળો હોય જ. પોતાની સાથે હરિભક્તો આવેલા તે પણ છેટે ખસે નહિ. સંતોમાં એ વખતે સદ્ગુરુ સ્વામી હરિનારાણદાસજી, સ્વામી બાળકૃષ્ણદાસજી, શાસ્ત્રી બાળમુકુંદાનંદજી, પુરાણી ત્યાગવલ્લભદાસજી, સદ્ગુરુ સ્વામી રામકૃષ્ણદાસજી, મુક્તજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી આદિ ઘણા સંતો તથા મોટા મોટા હરિભક્તો જોગ-સમાગમ કરી રાજી કરતા, તેમ બાપાશ્રી પણ સંતો પાસે બહુ જ નિર્માનીપણું જણાવી તેમનો મહિમા કહેતા.
એક દિવસ સભામાં છેલ્લા પ્રકરણનું ૩૦મું વચનામૃત વંચાતું હતું, તેમાં એમ આવ્યું જે, ‘આને આની વાસના ટળી છે ને આને આની નથી ટળી, એમ સર્વના અંતરનું જોયા કરવું.’ તે પ્રસંગે શાસ્ત્રી બાળમુકુંદાનંદજીએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘એમ જોવામાં અવગુણ આવ્યો કહેવાય કે નહિ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આંબાના ઝાડ પર કેરીઓ વળગી હોય તેમાં કેટલીક કાચી હોય ને કેટલીક પાકી હોય. તેમાંથી આંબાનો ધણી કેરીઓ ઉતારનાર માણસને કહે જે આમાંથી પાકી પાકી ઉતારજે, કાચી ઉતારીશ નહિ. એમ કાચીપાકીની વિક્તી પાડે તો તેને કાંઈ અવગુણ લીધો કહેવાય? તેમ જ કોઈ સંત-હરિભક્તને વાસના જેવું જણાતું હોય તેને મોટા કહે જે, મહારાજ, નિર્વાસનિક પર ઘણા રાજી થાય છે, માટે વાસના ટાળી શુદ્ધ થઈ જવું, એમાં કાંઈ અવગુણ જેવું ન કહેવાય, તોપણ આપણે તો દિવ્યભાવમાં રહી જે નિર્વાસનિક ને મહારાજના કૃપાપાત્ર હોય તેની જ વાતો કરી મૂર્તિના સુખભોક્તા થવું.’ એમ વાત કરી તેથી સંત-હરિભક્તો બહુ રાજી થયા. આવી જ રીતે પ્રસંગે પ્રસંગે બાપાશ્રી સહેજ વાતો કરતા એટલામાં તો સંત-હરિભક્તો રાજી રાજી થઈ જતા.