૬૩૨ - મહારાજના મહિમાનાં અલૌકિક વચનો

0:000:00

એ વખતે સભામાં, આસને કે હરિભક્તોને ઘેર તથા બીજે જે જે સ્થળે બાપાશ્રી જતા, ત્યાં વારંવાર એવાં વચનો બોલતા કે, ‘આ બધું અક્ષરધામરૂપ છે, સર્વે તેજોમય ને દિવ્ય છે, મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસભાવે સુખ લીધા કરે છે, સભા સર્વે ભેળી જ છે, આપણે આ દિવ્ય પ્રાપ્તિ થઈ છે, મૂર્તિ ભૂલીને હલરવલર ન કરવું ને પ્રકૃતિના કાર્યમાં ક્યાંય ખોટી ન થાવું, આ સભાના સંકલ્પ ચાલે છે, આ સભા સનાતન છે, આ સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, જમે છે, રમે છે ને દર્શન દે છે, પોતાના આશ્રિતોની રક્ષા કરે છે, આપણા ઉપર મહારાજની અમૃતનજર છે, અમે સહુને એ મૂર્તિમાં રાખીએ છીએ, અમારું કામ ને અમારો વેપાર એ જ છે, કોઈ લ્યો! કોઈ લ્યો!! આ સમે શ્રીજીમહારાજ અઢળક ઢળ્યા છે, એમના અનાદિ મુક્ત પણ એ મૂર્તિની પ્રાપ્તિ કરાવવા આવ્યા છે, આવો અવસર કોઈ વંજાવશો (જવા દેશો) નહિ, આ ટાણું બહુ દુર્લભ છે. આ સમે કાંઈનાં કાંઈ કામ થઈ જાય છે, પુરુષકોટિ, બ્રહ્મકોટિ તથા અક્ષરકોટિ આદિને મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અગમ્ય છે, તે આપણને દયા કરી શ્રીજીમહારાજના લાડીલા અનાદિ મુક્તોએ સુગમ કરી છે, આ અવસરે બહુ ભારે કામ થાય છે, કેમ કે મહાપ્રભુ ન્યાલકરણ છે, જેમ કમળના ફૂલને વિષે પાંખડીઓ રહી છે તેમ શ્રીજીમહારાજની મૂર્તિને વિષે અનંત-અપાર મુક્ત રહ્યા છે, એ મુક્ત મૂર્તિને સુખે સુખિયા છે. કલ્પેકલ્પ વીતી જાય, તોપણ મૂર્તિના સુખમાંથી નીકળતા જ નથી, મૂર્તિમાંથી તેજ ફરર-ફરર છૂટે છે, આવા મુક્તના પ્રસંગ વિના મહારાજની મૂર્તિ દેખાતી નથી, મૂર્તિમાંથી જળસજળસ્ તેજ નીકળે છે, આપણને ખરેખરો મુદ્દો મળ્યો છે, મહારાજનાં દર્શન જેવો જ અનાદિ મુક્તના દર્શનનો લાભ છે, મહારાજ ને અનાદિ મુક્ત તો રસબસ છે, ખરું કલ્યાણ એક સ્વામિનારાયણને ઘેર છે, શ્રીજીમહારાજ સૌને અભયદાન આપે છે, આ ટાણે તો અમૃત લૂંટાય છે, આવો સમાજ અનંતકોટિ બ્રહ્માંડમાં ક્યાંય નથી, એક મહારાજના ઘેર છે, એ મૂર્તિ આપણને મળી છે, આ સભાનો વાયરો જેને અડે તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય છે, શ્રીજીમહારાજ ને મોટા અનાદિ તો જેવા અક્ષરધામમાં છે, તેવા ને તેવા જ અહીં દિવ્ય છે, મનુષ્યભાવ તો પોતાના સંકલ્પમાત્રે કરીને દેખાડે છે, આ સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વે શ્રીજીમહારાજ તથા મોટા અનાદિને લઈને છે, આ સત્સંગ તુલ્ય કોઈ નથી, અમારો સંકલ્પ એવો છે કે, ‘સર્વેનું મહારાજ સારું કરે. મોટાની નજર તો એવી છે જે, કોઈ પણ પ્રકારે જીવને ઉગારી લેવા. જેને મહારાજ ને મોટા મળ્યા તેને કલ્યાણમાં સંશય રાખવો નહિ કે મારું કેમ થશે! મોટા અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખતાં કલ્યાણમાં ફેર રહે તો તેની મોટાને જોખમદારી છે, મહારાજ ને મોટાની દયાનું માપ થાય તેવું નથી. આ ટાણે મહારાજ પાત્રકુપાત્ર જોતા નથી, તેથી નજરે ચડ્યો તેનું કામ થઈ જાય છે, મહારાજે અનંત જન્મનાં પાપ બાળવાનો સંકલ્પ કર્યો છે, તેથી જીવના મોક્ષ થાય છે, નહિ તો અનંત જન્મનાં પાપ કોણ માફ કરે? સ્વામિનારાયણમાં ત્યાગભાગ નથી, આ તો અચળ, સનાતન, અનાદિ ને સર્વના કારણ છે, માટે આપણે કારણનું મંથન કરવું, મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે, અપરિમિત સુખનું સ્થાન એ મહાપ્રભુ છે, અમારે તો કોઈને બીજે જવા દેવા નથી; ઠેઠ મહારાજની મૂર્તિમાં મૂકી દેવા છે, આવો લાભ ને આવી પ્રાપ્તિ થઈ છે તેને ભૂલીને કોઈ રાહુકેતુ જેવા સ્વભાવ ન રાખજો. આવા કહેનારા છે તે પછી ક્યાંથી મળે! મોટા મોટા સંત જે રસ્તો બાંધી ગયા છે તે રસ્તે આપણે ચાલવું; નહિ તો મહારાજ છેટા થઈ જાય. કલ્યાણને અર્થે એક શ્રીજીમહારાજ સામી જ દૃષ્ટિ રાખવી ને જાણવું જે, આપણે તો સદાય નૈમિષારણ્યક્ષેત્ર છે, મૂર્તિ વિનાનું બીજું જ્ઞાન છે તે બધું પ્રકૃતિનું છે, તેમાં કાંઈ વળે નહિ, આ સત્સંગ કલ્પતરુ સમાન છે, પણ જીવ અનાદિનો નાદાન છે, તેથી ભગવાન સન્મુખ થતો નથી. જો મોટાની કૃપાએ કરીને હું મહારાજ સાથે જ છું અને મારે ક્યાંય જવું-આવવું નથી, એમ સમજે તો કાંઈ વાંધો રહે નહિ; મૂર્તિમાં અપાર, અલૌકિક ને અનહદ સુખ છે, તેને કઈ ઉપમા આપીએ? જેમ નદીઓ હોકારા કરે, સમુદ્ર મર્યાદા મેલે એમ તે છે. મોટા અનાદિ પાસે મૂર્તિ વિના આ લોકનું કાંઈ માગવું નહિ. આપણે તો સ્વામિનારાયણનાં જ ગીત ગાવાં, તલવાર માથામાં મૂકે, તોપણ ગાવાં અને સાધુ, સત્સંગી, હરિભક્ત કોઈનો અપરાધ ન કરવો, મહારાજ અને આ સભા એ બે જ કલ્યાણકારી છે, અમને સાચો થઈને કોઈ મન સોંપે, તો તેને અમે અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવી દઈએ.’