૩ - મામાની વાડીએ મહારાજનાં દર્શન

0:000:00

આ અનાદિ મુક્તરાજનું મોસાળ ગામ કેરામાં હતું. તેથી ચાલીને પોતાના મામાની વાડીએ કોઈ કોઈ વખત જતા. ક્યારેક એકલા તો ક્યારેક પોતાના મિત્રોએ સહિત ત્યાં જઈ ઘાટા વૃક્ષ નીચે બેસી કીર્તન બોલે, કાં તો રમે અથવા ઘેર જાય. ત્યાંથી વૃષપુર આવતાં માર્ગમાં વૃક્ષ નીચે બેસી બાળકો સાથે વાતો કરે, ક્યારેક ત્યાં જ સૂઈ રહે, જાગે ત્યારે ઘેર આવે એટલે દેવબાઈ આ દિવ્ય પુત્રને જોઈ રાજી થાય.

એક વખત બાળકો સાથે મામાની વાડીએ જઈ ધૂબકા દઈ કૂવામાં બહુ વાર નાહ્યા. નાહતાં નાહતાં ઘણી વાર જળમાં જ રહ્યા. બાળકોએ જાણ્યું જે, બૂડી ગયા, તેથી એ તો પોતાના માથે વાંક આવી જાય એ બીકે મનમાં ને મનમાં સમજી રહ્યા; ન બોલે કે ન કોઈને વાત કરે, છેટે બેઠા રમે; અને કૂવા સામું ઘડી ઘડી જુએ. ન દેખે ત્યારે પરસ્પર વાતો કરે કે, આજ તો જરૂર બૂડી ગયા લાગે છે! દેવબાઈ વાટ જોઈ જોઈ ગામમાં ગોતશે તો ક્યાંથી જડશે? આમ વિચાર કરતાં ઉદાસ થઈ ગયા. આ મુક્તરાજ તો ઘણી વારે જળથી બહાર નીકળી કૂવાની બખોલમાં બેસી રહ્યા હતા. તે જ્યારે વાડીમાં કોસ ચાલતા થયા, ત્યારે કોસ ઝાલીને કોસ ઉપર બેસીને બહાર નીકળ્યા. બાળકો છેટે રમતાં હતાં, પણ સૌની નજર તો કૂવા સામી જ હતી. આ મુક્તરાજને જોતાં જ સૌનાં મન શાંત થયાં ને રાજી રાજી થઈ ગયાં. પછી બાળકોએ આ વાત કરી, ત્યારે તેમના મામા આદિ સંબંધી જનોને ખબર પડી અને પૂછવા માંડ્યું ત્યારે કહે, ‘હું તો પાણીમાં પડ્યો જ ન હતો. મને તો શ્રીજીમહારાજનાં દર્શન થતાં હતાં. શું થયું તેની મને ખબરેય નથી. આ છોકરા તો અમથા બોલે છે.’ આમ વાત કરી, પણ કોસમાં બેસીને પોતે બહાર આવેલા, તેથી એ વાત કેમ મનાય? તોપણ તેમના મામા આદિને એમ તો થયું જે, આ ભાણેજ કાંઈક ચમત્કારી તો છે.