૪૭૨ - ધનજીભાઈને બદલે જેઠો ધામમાં ગયો

0:000:00

ત્યાર પછી ચોથે દિવસે પાછા ધનજીભાઈને જોવા બાપાશ્રી નારાયણપુર પધાર્યા, ત્યારે પાસે બેસી મહારાજના પ્રતાપની વાતો કરી, તથા જેઠો મહારાજના ધામમાં ગયો છે તેનો કાંઈ શોક કરશો મા, એવાં વચન કહી સૌને ધીરજ દીધી. તે વખતે ઘરના નાનામોટા સહુ પાસે બેઠા હતા, ને ખબર પડતાં કેટલાક હરિભક્તો પણ આવ્યા. તે સૌને સાંભળતાં બાપાશ્રી એમ બોલ્યા જે, ‘જેઠાને ધામમાં મૂક્યો તેનો ઘરમાં બધાયને શોક થયો હશે, પણ ધનજી ને બદલે એને મૂક્યો છે, તેથી એ તો મહારાજને સુખે સુખીયો થઈ ગયો. જો રહ્યો હોત તોય તેની આવરદા ચાર વર્ષની હતી.’ એમ વાત કરી ત્યારે મોંઘીબાઈ બોલ્યા કે, ‘બાપા! આ લોકમાં બેઠા છીએ ત્યાં સુધી હર્ષ, શોક, હાણ, વૃદ્ધિમાં લેવાઈ જવાય છે. જેઠાને તમે તેડી ગયા ને ઘરમાં કોઈ નાનકડું છોકરું નથી એટલે ઘર બધું સૂનું લાગે છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ આપણે બધાયને આ ઘર મૂકી મહારાજની મૂર્તિરૂપી ઘરમાં રહેવું છે ને જેઠો પણ ત્યાં રહ્યો છે, તેથી આપણે બધા ભેળા રહીશું.’ એમ વાત કરતા હતા ત્યાં ઘરમાં ખીચડી, રોટલા, શાક તૈયાર થવાથી અમરબાઈ તથા મોંઘીબાઈ કહે, ‘ બાપા! તમે ધનજીભાઈને સાથે લઈ જમવા પધારો,’ ત્યારે બાપાશ્રીએ પોતાની પાસે ઘણા હરિભક્તો બેઠેલા જોઈને એમ કહ્યું જે, ‘ આટલા બધા મુક્ત અમારી પાસે બેઠા છે, તે એમને મૂકીને અમારાથી ન જમાય.’ ત્યારે ધનજીભાઈનાં પત્ની કેસરબાઈ કહે, ‘બાપા! બધાયને જમાડીએ તો જમશોને?’ ત્યારે કહે, ‘ તો તો વાંધો નહીં.’ એવાં વચનથી પોતે તથા ત્રણચાર બાઈઓ ઘરમાં જઈ રોટલા ઘડવા મંડ્યાં ને બાપાશ્રીએ વાતો કરવા માંડી, તે થોડી વારમાં તો કેટલાય રોટલા તૈયાર કરી દીધા. પછી કેસરબાઈ કહે, ‘ ઊઠો બાપા! થાળ તૈયાર થયા.’ એમ કહી મહારાજને જમાડી લીધા. પછી સહુ ઊઠ્યા એટલે બાપાશ્રી તથા ધનજીભાઈને રસોડામાં બેસાર્યા ને બહાર ઓશરીમાં હરિભક્તોની પંક્તિ થઈ, તે જોઈ બાપાશ્રીએ ઊભા થઈ રોટલાના ખડકલામાંથી ભાંગી ભાંગીને અર્ધો અર્ધો રોટલો તથા થોડી થોડી ખીચડી ને શાક સૌને પીરસ્યું. પછી પોતે પણ બેઠા; તે વખતે હરિભક્તો શ્લોક બોલવા લાગ્યા. પછી થોડી વાર ધૂન્ય કરી ત્યારે બાપાશ્રીએ ઊંચે સાદે ‘જય’ બોલાવી એટલે સહુ જમવા લાગ્યા. આમ વાતની વાતમાં મોટું સંભારણું કરવાથી હરિભક્તો તથા ઘરનાં સહુ બાઈઓ રાજી રાજી થઈ ગયાં. પછી જમીને ઠાકોરજીવાળા ઘરમાં ખાટલો ઢાળેલ હતો તે પર બાપાશ્રીને બેસારી ધનજીભાઈ તથા તેમના દીકરાઓ અને હરિભક્તોએ કુંકુમના ચાંદલા કરી ફૂલના હાર પહેરાવ્યા, ત્યારે બાપાશ્રીએ પણ એ સહુને ભાલે ચાંદલા કરી મૂર્તિના સુખમાં રાખવાનો વર આપ્યો. પછી સાંજના વૃષપુર પધાર્યા, એ વખતે ધનજીભાઈ તથા હરિભક્તો ગામની ભાગોળ સુધી વળાવવા ગયા. એમ બાપાશ્રીનો ધનજીભાઈના ઘર ઉપર ઘણો રાજીપો હતો. ત્યાર પછી દસ દિવસ થયા એટલે બાપાશ્રી બે હરિભક્તો સાથે નારાયણપુરમાં આવી ધનજીભાઈને પોતાને હાથે ધોળી પાઘડી બંધાવી ગયા.

(કચ્છમાં કણબીની નાતમાં એવો રિવાજ ચાલ્યો આવે છે કે, કોઈનો શોક હોય તેમાં જો કોઈ બીજો ધોળું બંધાવે, તો પછી તેને જીવે ત્યાં સુધી ફરીથી છેડાવાળી પાઘડી બંધાય નહીં. આ પ્રમાણે બાપાશ્રીએ ધનજીભાઈને આ પાઘડી બંધાવ્યા પછી તે જીવન પર્યંત ધોળું જ બાંધતા.)

આ રીતે ધનજીભાઈને તેમના પુત્ર લાલજીના દીકરા જેઠાની ચાર વર્ષનું આયુષ્ય આપીને રાખ્યા, તે પહેલાં પંચોતેરની સાલમાં પણ દેવરાજભાઈની પ્રાર્થનાથી મોટા પુત્ર રામજીના દીકરા કાનજીની અઢી વર્ષની આયુષ્ય આપી હતી. આમ તેમના પર બાપાશ્રીની ઘણી પ્રસન્નતા હતી. ધનજીભાઈને હેત ઘણું તેમ પોતાને શૂરવીરનું અંગ, તેથી વખતોવખત બાપાશ્રીની અથવા સત્સંગની સેવામાં જ્યાં કાંઈ જરૂર લાગે ત્યાં અર્ધે વચને ઊભા જ હોય, તેમાં ક્યારેય લોકલાજ કે ઘરના વ્યવહારને પણ ગણે નહિ. પોતે ઘરમાં પુત્રપુત્રીઓ વગેરેને એ જ ભલામણ કરે કે, ‘જો તમે સત્સંગ માથા સાટે રાખશો તો શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત રાજી થશે.’ આવું તેમને સત્સંગનું મહાત્મ્ય હોવાથી બાપાશ્રી તેમના પર ઘણા રાજી રહેતા.