૬૫૫ - નારાયણપુર તથા નાગધરે નિત્ય નવો આનંદ

0:000:00

પછી સંતો ત્યાંથી નારાયણપુર ગયા. ત્યાં તો બાપાશ્રી પણ સવારમાં વહેલા આવ્યા તેથી સહુ આનંદ પામતા પરસ્પર દંડવત્ કરી મળ્યા ને ભૂજ ન આવ્યાનું કારણ જાણી લીધું. પછી તે દિવસ ધનજીભાઈએ રસોઈ આપી સંતોને મંદિરમાં જમાડ્યા અને બાપાશ્રીને પોતાને ઘેર તેડી જઈ હેતે સહિત તાણ કરી જમાડ્યા. પછી બાપાશ્રી મંદિરમાં આવ્યા ત્યારે વચનામૃતની કથા ઘણી વાર થઈ, એ ટાણે હરિભક્તોએ નાગધરે નાહવા જવાનો વિચાર કરી પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી કહે, 'ભલે, સંતોને નાહવાનું તો ત્યાં જ ઠીક પડશે.'

આ વાતની ગામમાં ખબર પડતાં, બે વાગ્યા ત્યાં તો ઘણા હરિભક્તો આવી પહોંચ્યા ને સંતોએ પણ જરા વાર વિશ્રાંતિ કરી લીધી. પછી હરિભક્તો ગાડાં લાવેલા તેમાં સદાગુરુઓ તથા બાપાશ્રીને બેસારી સહુ નાગધરે ગયા. ત્યાં તો દહીંસરા, કેરા વગેરે અડખેપડખેનાં ગામોમાંથી હરિભક્તો આવ્યા તે સર્વે બાપાશ્રી તથા સંતો સાથે નાહવા લાગ્યા. એ વખતે પાણીમાં સહુ ધૂન્ય કરે ને કીર્તન બોલે તથા પરસ્પર મળે, બાપાશ્રી તથા સંતોને નવરાવે. એ વખતે બાપાશ્રી જળના પ્રવાહ સામા ઘણી વાર ધ્યાને યુક્ત બેસી રહ્યા. પછી જાગ્રત થઈને એમ બોલ્યા જે, 'કોઈ મૂર્તિની સ્મૃતિ વિના નાહશો નહિ. અનંત મુક્તે સહિત મહારાજને નવરાવજો.' પછી બહાર નીકળી સૌએ કોરાં વસ્ત્રો પહેર્યાં. એટલે રેતીમાં હરિભક્તોએ ગરબી ગાવાની ઇચ્છા જણાવી, તેથી પોતે ત્યાં આવીને બેઠા ને ફરતા સંતો બેઠા, એ વખતે હરિભક્તો ચંદન-પુષ્પથી પૂજા કરી ફરતા ગરબીનાં કીર્તન ગાવા લાગ્યા. સાંજનો વખત એટલે ઠંડો પવન આવતાં બાપાશ્રીને ત્યાં બેસવું ઠીક પડતું હોવાથી સૌ ઘણી વાર કીર્તન ગાતાં રાજી થતા હતા. પછી સંત-હરિભક્તોને પ્રસાદી વહેંચી બાપાશ્રી ગાડામાં બેસી સાંજે મંદિર પધાર્યા, ત્યાં આરતી થયા પછી કથાવાર્તા, ચેષ્ટા વગેરે નિત્યનિયમ કરી હરિભક્તો મંદિરના ચોકમાં ગરબી ગાવા લાગ્યા. ત્યારે પણ બાપાશ્રીનું આસન ચોકમાં રાખ્યું હતું. પછી રાત્રિના બાર વાગ્યા એટલે બાપાશ્રી કહે, 'હવે સૌ રાખો!' એમ કહી હરિભક્તોને પ્રસાદી વહેંચી પોતે સૂતા.

બાપાશ્રી નારાયણપુરમાં થોડા દિવસ રહ્યા ત્યાં સુધી રોજ સવારમાં નિત્યવિધિ કરી તૈયાર થાય, ત્યાં સંત-હરિભક્તો આવી દંડવત્ કરી મળે, એ સહુને પોતે પ્રસાદી વહેંચે, પછી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આવે. ત્યાં ધનજીભાઈના દીકરા રામજીભાઈ, લાલજીભાઈ, હરજીભાઈ વગેરે દૂધનો વાટકો લઈને આવે ને કહે જે, ‘બાપા! જરા આ પીઓ તો ઠીક.’ ત્યારે બાપાશ્રી તેને એમ કહે જે, ‘તમે તાણ કરી લાવો છો, પણ મને બહુ ફાવતું નથી.’ પછી એ હરિભક્તો એવાં તો હેતભર્યાં વચનો બોલે કે, બાપાશ્રી તેમના હેતને લીધે તે દૂધ અંગીકાર કરે. કથા થઈ રહ્યા પછી સંતો મંદિરમાં થાળ કરી ઠાકોરજીને જમાડે ને બાપાશ્રી ધનજીભાઈને ઘેર જમવા પધારે વળી બપોરે વચનામૃતની કથા વંચાય, તેમાં પ્રશ્નોત્તર થતાં હરિભક્તો રાજી રાજી થઈ જાય. થોડી વાર સંતો વિશ્રાંતિ કરી લે, ત્યાં હરિભક્તો પાછા તૈયાર થઈને આવે એટલે બાપાશ્રી સંત-હરિભક્તો સાથે નાગધરે જાય, ત્યાં સર્વે નહાય. એ વખતે હરિભક્તો મગફળી, ટોપરાં, દ્રાક્ષ તથા હજારી ફૂલના હાર લાવેલા હોય, તે વખતે બાપાશ્રી તથા સંતોની પૂજાઓ કરે ને પ્રસાદીઓ વહેંચાય. પછી એ સભામાં બાપાશ્રી અથવા સંતો મહારાજના મહિમાની વાતો કરે.

એક વાર એ નદીના ધરામાં હરિભક્તોએ ચંદન-પુષ્પથી પૂજા કર્યા પછી બાપાશ્રીએ એમ વાત કરી જે, 'આવા બ્રહ્મયજ્ઞમાં ઉદ્ઘોષ કાંઈ ન મળે, પણ મૂર્તિનું સુખ બહુ આવે. આવી દિવ્યસભામાં બધુંય છે. મહારાજે આ સમે બહુ દયા વાપરી છે, તેથી અનાદિ મુક્ત રસબસ રહ્યા થકા અનેકને મૂર્તિમાં ખેંચી લે છે. એમનાં દર્શન ને સેવા-સ્પર્શ ક્યાંથી મળે? આ તો શ્રીજીમહારાજે દયા કરી છે, તેથી આ લાભ મળ્યો છે. આ ટાણું ને આ જોગ બહુ ભારે છે. જુઓને! મહારાજ કચ્છમાં ઘેર ઘેર ફર્યા તેથી ભૂમિ સર્વે પાવન થઈ. આવા સ્થાનમાં જે કરીએ તે અનંતગણું થાય. આપણને મહારાજે પોતાના કર્યા છે, તેથી કૃતાર્થપણું માનવું. મહારાજ આપણા સામું જોઈ રહ્યા છે. એમની સાજા સત્સંગ પર એવી ને એવી દયા છે, નહિ તો જીવનું ગજું શું જે મહારાજ તથા મોટાને ઓળખે! આ તો મહાપ્રભુ અઢળક ઢળ્યા છે. આપણે એ મૂર્તિને વિષે તથા મોટા અનાદિને વિષે ક્યારેય મનુષ્યભાવ ન પરઠવો. લાખો વર્ષ તપ કરે તોય મહારાજ ને મુક્ત મળવા કઠણ તે આજ ઘેર બેઠાં મળે છે. પાત્રકુપાત્ર જોતા નથી ને સૌને દર્શન દે છે.'

વળી એક દિવસ એ જ નાગધરામાં બાપાશ્રી તથા સંતો નાહ્યા પછી હરિભક્તોએ પૂજા કરી ત્યારે પોતે સૌના પર પ્રસન્નતા જણાવતાં બોલ્યા જે, 'તમે સહુ ગામોગામથી દર્શનની તાણે કામ ખોટી કરીને દોડ્યા આવો છો, તે અમે જાણીએ છીએ. સૌને મહારાજને રાજી કરવાનું તાન છે, કોઈ દેહધારી મૂંઝાતા હોય તો એ જાણે, તેનું પણ સારું થાય એવો આપણે સંકલ્પ કરવો. અમારે તો જીવને ઠેઠ મૂર્તિમાં મૂકવા છે. બીજો કોઈ અર્થ સારવો નથી. મોટા મોટા નંદસાધુઓ અમે જોયા છે તે તો ક્યારેય મૂર્તિને મૂકતા નહિ.' માળા, માનસીપૂજા, ધ્યાન, ભજન, સેવા, કથાવાર્તા નિરંતર કર્યા જ કરતા. એમને તો એમ જે, 'મૂર્તિના સુખ વિના બીજું શું જોયા જેવું છે? આપણે પણ એ માર્ગ લેવો. કેટલાય રાગરંગમાં, મારા-તારામાં, પંચવિષયનાં વલખાંમાં આવરદા ખોઈ નાખે છે, આપણને તો શ્રી પુરુષોત્તમનારાયણ અવિનાશી વર મળ્યા છે, તેથી ક્યાંય અટકવું નહિ. કેવડા મહારાજ! ને કેવડા તેમના અનાદિ મુક્ત! આ તો ભારે વાત બની ગઈ છે, નહિ તો જીવનું શું ગજું?' એમ કહી સંત-હરિભક્તોને મળ્યા. આવી રીતે ઘણી વાર વાતો કરી સૌને પોતે રાજી કરતા તેમ જ કોઈ વાર સંતો વાતો કરતા.

એક વખત ધનજીભાઈ પોતાની નવી મેડીમાં બાપાશ્રી તથા સંતોને તેડી ગયા ને ત્યાં સભા થઈ, ત્યારે હરિભક્તોથી આખો ઓરડો ભરાઈ ગયો. એ વખતે ધનજીભાઈ તથા તેમના પુત્રોએ સૌની ચંદન-પુષ્પથી પૂજા કરી દંડવત્ કર્યા. ત્યારે બાપાશ્રીએ જાદવજીભાઈ તથા ધનજીભાઈ અને તેમના પુત્રાદિ સહકુટુંબ પર રાજીપો જણાવી બહુ પ્રશંસા કરી આશીર્વાદ આપ્યા.

પછી ભૂજવાળા લાલશંકરભાઈએ બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચી માથે મોટી પાઘડી બંધાવી દંડવત્ કર્યા, ત્યારે બાપાશ્રી કહે, 'તમે આ શું કર્યું?' ત્યારે ધનજીભાઈ કહે, 'બાપા! આ જગ્યામાં લાલશંકરભાઈ એક મહિનો પ્રથમ રહ્યા હતા તે વખતે તેમને આપની પૂજા કરવાનો સંકલ્પ હતો, તે આજ આપે દયા કરી પૂરો કર્યો.' તે સાંભળી બાપાશ્રી રાજી થયા.

એક વાર ધનજીભાઈની વાડી, જે નવી નવાણ ત્યાં બાપાશ્રી તથા સંતો પધાર્યા ને સંત-હરિભક્તોની સભા થઈ, તે વખતે સહુ કીર્તન બોલવા લાગ્યા, ત્યાં તો ધનજીભાઈ ગોળ, તલ, કેળાં તથા પોપૈયાં લાવ્યા તે ઠાકોરજીને જમાડી બાપાશ્રીએ સૌને પ્રસાદી વહેંચી; પછી એમ બોલ્યા જે, 'મહારાજ અહીંથી કેરે જતા ત્યારે આ વાડીના ઉગમણા નેરામાંથી ઘણી વાર જતા-આવતા. કેટલીક વાર વાડીમાં વૃક્ષને છાંયે બેસતા. એક વખત હરિભક્તોએ સહિત મહારાજ આ વાડીમાં બેઠા હતા, ત્યાં કોઈ અજાણ્યા માણસે આવી પૂછ્યું જે, 'આ વાડીનો ધણી કોણ છે?' ત્યારે મહારાજ કહે, 'અમે છીએ.' આમ મહારાજે પ્રથમથી જ પોતાની વાડી કહી છે, તેથી આ વાડીના ધણી ઘનશ્યામ મહારાજ છે એમ જાણી આજથી આનું નામ 'ઘનશ્યામ વાડી' કહેજો ને વાડીના નામ ભેગી એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સંભારજો.' એમ કહી સહુને મળ્યા; પછી ત્યાંથી વળી ગામ નજીક તેમની વાડી છે ત્યાં સહુ આવ્યા. તે વખતે પાણીનો લોટો મગાવી, ગાયો, ભેંસો, બળદ તથા નાનાં વાછરડાં તથા પાડાં અને ઘોડી વગેરેને બાપાશ્રી તથા સંતોએ વર્તમાન ધરાવી પાણી છાંટ્યું ને કહ્યું જે, 'આ સર્વેનો આત્યંતિક મોક્ષ કરશું.'

પછી ત્યાંથી સહુ ભંડેરી દેવજી કાનજીની વાડીએ આવ્યા. એ દેવજીભાઈને ગાંડપણ થઈ ગયેલ હોવાથી તેમના દીકરા તેમને એ વખતે વાડીએ જ રાખતા. તેમના દીકરાઓને એવી તાણ જે, 'બાપાશ્રીનો તેમના પર રાજીપો થાય તો સારું,' એટલા માટે આગળથી તેમને નવરાવી ચોખ્ખાં લૂગડાં પહેરાવી, ચંદન તથા ફૂલના હાર તૈયાર રાખેલા; તેથી બાપાશ્રી તથા સંતો આવતાં તેમની પાસે પૂજા કરાવી. પછી તો તે કહેવા લાગ્યા જે, 'બાપા! મને હમણાં આ બધા ડેલામાં પૂરી મૂકે છે, પણ તમે મહારાજના ધામમાં લઈ જાઓ ત્યાં ડેલામાં ન પૂરજો, હું તમારો દાસ છું.' એમ કહી સૌને હાથ જોડવા માંડ્યા. ત્યારે બાપાશ્રી કહે, 'અહીં તો છોકરા ડેલામાં પૂરી મૂકે, પણ ધામમાં એવું નથી, ત્યાં તો તમને મહારાજનું સુખ અપાવશું.' એમ તેમના પર કૃપા કરી આશીર્વાદ આપ્યો; પછી ત્યાંથી સહુ મંદિરમાં આવ્યા ને રાત્રે કથાવાર્તા કરી હરિભક્તોને રાજી કર્યા.

એક વાર સભાપ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, 'મહારાજની મૂર્તિને આપણે ઘડીયે મૂકવી નહિ એટલે સાધનમાત્ર પૂરાં થયાં, તે વિના તો બધુંય કાર્ય છે, તેનો અંત ન આવે, આ લોકમાં બીજું કાંઈ જોયા જેવું નથી, જોયા જેવા તો એક શ્રીજીમહારાજ છે, દોયલી વેળાના દામ ને ખરી વેળાનો ખજાનો પણ એ છે ને એ જ જીવનમૂડી છે; માટે બીજી વાતમાં મન ન દેવું ને મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લેવું. આવો જોગ અક્ષરકોટિ સુધી મળે નહિ, તે આજ હરતાંફરતાં દર્શન થાય છે એ મહાપ્રભુની દયા છે.'

એક દિવસ બાપાશ્રી ધનજીભાઈને ઘેર ઠાકોરજી જમાડવા પધાર્યા ત્યાં પોતે વૃષપુર જવાની ઇચ્છા જણાવી, ત્યારે ધનજીભાઈ તથા તેમના પુત્રોએ પ્રાર્થના કરી જે, 'બાપા! શી ઉતાવળ છે? હજી પાંચદસ દિવસ રહો તો ઠીક.' એ વખતે પોતે રમૂજ કરી કહ્યું કે, 'તમે આ નવાં ઘર કર્યાં છે તે અમને રહેવા આપો તો રહીએ.' ત્યારે હરજીભાઈ કહે, 'બાપા! ભલે, આ ઘર આપનાં જ છે, માટે સુખેથી રહો.' ત્યારે બાપાશ્રી કહે, 'તમે ત્રણેય ભાઈ ને તમારો બાપ એ ચારેય મળીને ઠરાવ કરો. અમે રહીશું ખરા, પણ એકેય ઢીંગલો તમને આપશું નહિ.' પછી હરજીભાઈ કહે, 'બાપા, ભલે! એ કોઈનું કામ નથી, હું આપની પાસે તુળસીને પત્રે અર્પણ કરું છું, પણ જોજો, બોલ્યા ફરતા નહિ.' એ વખતે બાપાશ્રીએ હરજીભાઈની પ્રશંસા કરી કહ્યું કે, નાનો છે, પણ બળિયો બહુ છે, આખું ઘર એવું છે, આ ધનજીભાઈ પણ શૂરવીર છે, ઘરમાં બધાય હેતવાળા, તેથી અમારું વચન કોઈ દિવસ ફેરવતા નથી. વ્યવહારમાં, સુખદુઃખમાં, મંદવાડમાં -જ્યારે જોઈએ ત્યારે બળનાં જ વચન. અમે પણ સહુને અમારા જ માનીએ છીએ.' પછી એમ બોલ્યા જે, 'તમને તાણ છે તેથી બે દિવસ રોકાશું.' એમ કહી મંદિરમાં આવ્યા.

બીજે દિવસ સવારમાં બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં પધાર્યા, તે વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું છે, 'મૂર્તિનું સુખ ને આનંદ વધતાં જાય તેનો શું ઉપાય હશે?' ત્યારે બાપાશ્રી બોલ્યા જે, 'મૂર્તિમાં નિમગ્ન રહેવું, તેણે કરીને આનંદ ને સુખ વધતાં જાય.' આવો ઉત્તર બાપાશ્રીએ કર્યો, તે સ્વામીશ્રી ઉતાવળથી લખી લેતા હતા, તેમના સામું પોતે એકનજરે જોઈ રહ્યા. પછી તેમના હાથમાંથી ચોપડી તથા પેન્સિલ લઈને જેમ કાંઈ બહુ જ ઉતાવળથી લખવું હોય તેમ થોડાક શબ્દો લખીને તે ચોપડી તેમને પાછી આપી. પછી સભા સામું જોઈને એમ બોલ્યા જે, 'આ બાવો (સ્વામી ઈશ્વરચરણદાસજી) એમ જાણે છે જે, હું બધોય મહિમા લખી નાખું, પણ બધી વનસ્પતિની કલમો કરો ને સાત સમુદ્રની શાહી કરો અને પૃથ્વી બધીનો કાગળ કરો, પછી લખવા માંડો, તો લખતાં લખતાં કલમો ઘસાઈ જાય, શાહી ખૂટી જાય, તોપણ શ્રીજીમહારાજના મહિમાનો પાર ન આવે, એવી એ અલૌકિક દિવ્ય મૂર્તિ છે ને અતિ અપાર છે, તેનો કોઈ પાર પામી શકે તેવું નથી.' આવાં વચન સાંભળી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, 'બાપા! આપે આજ્ઞા કરી હતી, તેથી હું લખું છું અને હજી પણ આપની મરજી હોય તો જ લખું; નહિ તો મારે કોઈ વાતની તાણ નથી.' ત્યારે બાપાશ્રી અતિ પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકીને બોલ્યા જે, 'ભલે! લખો, અમે બહુ રાજી છીએ. મોટા મોટા મુક્તોએ મહારાજનાં ચરિત્ર, ઐશ્વર્ય, પ્રતાપ ને મહિમાના અનેક ગ્રંથો લખ્યા તોપણ જેવો છે તેવો મહારાજનો મહિમા લખવાને કોણ સમર્થ છે? મહારાજ કહે છે કે, હું પણ મારા મહિમાનો પાર પામતો નથી, તો બીજા કોણ પાર પામી શકે? એવી એ કારણમૂર્તિ છે. એ કારણમૂર્તિના આધારે સૌ સુખિયા છે. આપણને તો મહારાજે ન્યાલ કર્યા છે.' એમ કહી બહુ પ્રસન્નતા જણાવી.