૪૬૮ - મુક્તરાજ કંકુબાને દેશમાં મોકલ્યાં
થોડા દિવસ પછી અસલાલીનાં કંકુબા રામપુર ગયાં હતાં તે ત્યાંથી પાછાં વૃષપુર આવ્યાં, પણ તેમને તાવ ને મરડો રહ્યા કરતો હોવાથી શરીરમાં પહોંચ ન જણાતાં બાપાશ્રીએ તેમને કહ્યું કે, ‘બાઈ! તમે હવે દેશમાં જાઓ ને ત્યાં બેઠાં મહારાજને સંભારજો. અહીં વધુ મંદવાડ થઈ જશે તો તમને ને બીજા બધાયને મૂંઝવણ થશે.’ આવાં વચનથી તેમણે કહેવા માંડ્યું જે, ‘બાપા! મારે આ દેહનું કાંઈ નથી. એ તો મહારાજ ફાવે તેમ રાખે, પણ મારી તમારા પાસે એટલી પ્રાર્થના છે કે, મૂર્તિ વિના બીજે ક્યાંય મારી વૃત્તિ ન રહે, એવો આશીર્વાદ આપો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે તો કેટલાયને સત્સંગ કરાવી કરાવીને મૂર્તિમાં જોડ્યા છે, તેથી મહારાજ તમને અનંતગણી મોજ આપશે. એ બધુંય જોઈ રહ્યા છે. તમે કોઈ વાતની ચિંતા રાખશો મા.’ આવાં વચનથી રાજી થઈ તેમણે દેશમાં જવાનું નક્કી કર્યું. પછી તેમની સાથે પાળિયાદવાળાં સેવક મોંઘીબા હતાં, તેમને પણ બાપાશ્રીએ ભલામણ કરી કે, ‘તમે કંકુબાની સેવા બરાબર કરજો. એ બહુ મોટાં છે, મહારાજને અખંડ સંભારે છે. સ્થિતિવાળાં હોય તેની અમને ખબર પડે. ક્યારેય એ મહારાજ વિના રહેતાં નથી. એવાની તો સેવા મળવીયે દુર્લભ.’ -એમ કહ્યું, પછી બીજે દિવસ સવારમાં ચાર વાગ્યે ગાડાં મગાવેલાં તે આવ્યાં, ત્યારે આશાભાઈ, બહેચરભાઈ, પીતાંબરભાઈ વગેરે તેમની સાથે આવેલા હરિભક્તોને બાપાશ્રી હેતેથી મળ્યા ને સહુને માર્ગમાં કંકુબાની ખબર રાખવાની ભલામણ કરી બાઈઓને કહ્યું જે, ‘તમે પરબારાં ઘેર જજો; માર્ગમાં ક્યાંય રોકાશો નહિ ને પહોંચ્યાનો કાગળ લખાવજો, એટલે અમને નિરાંત થાય.’ એ વખતે હરિભક્તો દંડવત્ કરવા લાગ્યા, તે સૌને મળીને ગાડે બેસી જવાની આજ્ઞા કરી પોતે પાછા વળ્યા.