૧૪૬ - રામજીભાઈને દિવ્યરૂપે દર્શન
આ વખતે રામજીભાઈને ઉપરદળમાં આ મુક્તરાજ વિના રહેવું ગમતું નહિ, તેથી વરસાદની પેઠે વાટ જોતા હતા, ત્યાં ખબર મળ્યા કે ભાઈશ્રી તો કચ્છમાં પધાર્યા ત્યારે પોતે એમ વિચાર કર્યો કે, ‘હું હવે કચ્છમાં દર્શને જાઉં.’ ત્યાં તો ફરી વાર તાવે ઊથલો માર્યો, તેથી પાછો એવો ને એવો મંદવાડ થઈ ગયો. એટલે વળી એની એ ઝંખના. ‘મને કચ્છમાં લઈ ચાલો, ને ભાઈશ્રીનાં દર્શન કરવો.’ એ એક જ વાત. તેમના કુટુંબી ધીરજ આપે, સમજાવે, પણ ‘મને હવે કચ્છમાં તેડી જાઓ, મોડું કરશો ને મંદવાડ વધી જશે તો મારાથી પછી નહિ જવાય, તેમ હમણાં જ છપૈયે થઈને ભાઈશ્રી કચ્છમાં પધાર્યા છે, તે બીજી વાર અહીં નહિ આવે,’ –એમ ઝંખના કરે ને મહિમાની વાતો કરે, મહારાજને સંભારે, પણ મુખ્ય તો એ કે, ‘આ ટાણે ભાઈશ્રી મારી પાસે જોઈએ.’ એક દિવસ તો કહે, ‘હાલ ને હાલ મેનો મંગાવો ને મને માંહી સુવારો, માણસો ઉપાડીને લઈ ચાલશે, ખર્ચ થાય તેની ફિકર નથી, પણ મને વહેલો વૃષપુર ભેળો કરો. મંદવાડ ઘેરાઈ જશે તો હું નહિ જઈ શકું.’ તેમનાં સગાંસંબંધી તેમની આવી તાણ જોઈ મૂંઝાણા ને કહેવા લાગ્યા જે, ‘રામજીભાઈ! તમારો દેહ ખમે તેવો નથી ને વાટમાં દેહ પડે તો શું થાય?’ ત્યારે તે કહે, ‘ભલે દેહ પડતો હોય તો પડે, પણ ભાઈશ્રી જાણશે તો ખરા જે, આ મારો સેવક સામે પગલે મારી પાસે આવતો હતો. આપણી આ બધી વાત એ ત્યાં રહ્યા થકા જાણે છે. મેં એમને તેજોમય દીઠા છે. એમને તમે ઓળખતા નથી, તેથી અમથા સંકલ્પ કરો છો. મારું માનો તો હું તો તમને બધાયને કહું છું કે, એ ઘડીયે મૂક્યા જેવા નથી. એમના ભેળા શ્રીજીમહારાજ સદાય છે. મહારાજ અને ભાઈશ્રી સદાય ભેગા ને ભેગા જ રહે છે, માટે કાંઈ પણ સંકલ્પ કર્યા વિના મને વૃષપુર લઈ ચાલો. ખર્ચનો કે લોકલાજનો વિચાર કરશો મા.’ –આમ કહેતાં રાત્રે સૌ સગાંવહાલાં ભેળાં મળી વિચાર કરવા લાગ્યાં ને મૂંઝાણાં જે, ‘આનું હવે શું કરવું?’ ત્યાં તો એ જ રાત્રે રામજીભાઈને વૃષપુરમાં જેવાં પ્રથમ પોતાને તેજોમય દર્શન થયાં હતાં, તેવા દર્શન થયાં ને કહ્યું જે, ‘રામજીભાઈ! અમે કચ્છમાં છીએ ને અહીં નથી એમ કેમ જાણો છો! અમે તો તમારી પાસે જ છીએ. હવે કચ્છમાં આવવાના સંકલ્પ મૂકી દ્યો ને શ્રીજીમહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી મેલો. અમે તમને આજથી છઠ્ઠે દિવસે મહારાજના સુખમાં લઈ જઈશું,’ –એમ કહી અદૃશ્ય થઈ ગયા. રામજીભાઈએ તો એ જ વખતે સૌને પોતાની પાસે બોલાવ્યા. ત્યારે પ્રથમ તો સગાંવહાલાંને એમ થયું જે, આ ટાણે વળી એનું એ કચ્છમાં લઈ જવાનું કહેશે. ત્યાં તો પોતે દર્શન થયાની આ નવીન વાત કરી જે, ‘હવે છઠ્ઠે દિવસે મહારાજ તથા ભાઈશ્રી મને તેડી જશે,’ –એમ કહીને મહિમાની વાતો કરવા લાગ્યા. પછી તે તો સવાર-સાંજ જે પાસે હોય તેને શ્રીજીમહારાજ તથા અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો મહિમા કહે. એમ કરતાં છઠ્ઠે દિવસે પાછા મહારાજ તથા ભાઈશ્રીનાં દર્શન થયાં, ત્યારે સૌને પાસે બોલાવી કહ્યું કે, ‘દર્શન કરો. જુઓ! મને કહ્યું હતું તે પ્રમાણે પોતાને બોલે પળ્યા કે નહિ? આ તો બહુ સમર્થ છે. તમે સહુ આ અનાદિ મુક્તરાજને રાજી કરજો ને ઘડીયે મૂકશો મા. આ સમયે આ મુક્તરાજ અનેક જીવને મહારાજ પાસે લઈ જાય છે, બહુ દયાળુ છે, મારા એકેય અવગુણ ન જોયા, એમની દયાની વાત તમને હું શું કહું! મને તો ન્યાલ કરી નાખ્યો છે.’ એમ કહી સૌને ‘જય સ્વામિનારાયણ’ કહી દેહનો ત્યાગ કરી મહારાજના સુખે સુખિયા થઈ ગયા.