૨૪૯ - ભૂજ જઈ સંતોને રાજી કર્યા
સંતો જ્યારે ભૂજ પહોંચ્યાના ખબર મળ્યા, ત્યારે પોતે ઘોડીએ બેસી ભૂજ પધાર્યા. બાપાશ્રી જાણતા હતા કે, આ ફેરે સંતોને ગામડાંમાં જવાનું કહ્યું કે તુરત સહુ રાજી થઈને ગયા છે, તેથી તેમને રાજી કરવા પોતે ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં ગયા, ત્યાં મહારાજને દંડવત્ કરી સંતોને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બધા સંતો ઊભા થઈ ગયા ને સદ્ગુરુઓ તો બાપાશ્રીને ઝાલી લઈ બાથમાં ચાંપી મળ્યા, તે વખતે જ અતિ હેતભરેલાં વચનો કહેવા લાગ્યા જે, ‘સ્વામી! તમે ગામડાંમાં પધાર્યા તે મને થોડા દિવસ તો સારું ન લાગ્યું; ઘેર જઉં કે વાડીએ જઉં, પણ ક્યાંઈ ઠીક ન લાગે. પછી મહારાજ ભેળા તમને સંભારી સંભારીને ઘણી વાટ જોઈ કે, ભૂજ આવે ત્યારે સામે જઈને દર્શન કરી આવું.’ એવાં વચનો સાંભળી સંતો ગદગદ થઈ ગયા ને બોલ્યા જે, ‘આટલો બધો રાજીપો આપનો અમારા ઉપર છે, એ જ અમારાં મોટાં ભાગ્ય!’ પછી પ્રાણશંકરભાઈને મળતાં પણ એવું જ હેત જણાવ્યું.
બીજે દિવસ પોતે વૃષપુર જવા ઇચ્છા બતાવી, ત્યારે બ્રહ્મચારી, સંતો તથા હરિભક્તોએ ઘણો આગ્રહ કર્યો કે, ‘તમારે સંત રોકાય એટલા દિવસ તો રોકાવું જ પડશે. ગામડાંના હરિભક્તોને જેમ આ ફેરે તમે લાભ અપાવ્યો, તેમ ભૂજના હરિભક્તો પર દયા કરી લાભ અપાવો,’ એમ તાણ કરી રોકાવા કહ્યું, તેથી ઘોડી પાછી મોકલાવી દીધી ને પોતે સંતો સાથે સાત દિવસ ભૂજમાં રહ્યા ને કથાવાર્તા તથા દર્શન-સમાગમથી સૌને તૃપ્ત કરી મૂક્યા.
રોજ સવારમાં સભા વચ્ચે બાપાશ્રી બેઠા હોય ને સંતો કથા કરતા હોય. થોડી વાર સદ્ગુરુઓ વાતો કરે, પંક્તિ ટાણે પોતે સંતોને દંડવત્ કરે, વાડીએ નાહવા જાય, સાંજે બ્રહ્મચારી વચનામૃત વાંચતા હોય, ત્યારે ત્યાં બેસે. રાત્રે આરતી પછી છેલ્લી કથા સુધી એમ ને એમ બેઠા જ હોય. મોડેથી આસને જાય, તો ત્યાં સંત-હરિભક્તો ઘેરીને બેસે, વાતો કરાવે, પ્રશ્ન પૂછે, રમૂજો થાય. ઠાકોરજી જમાડવા વખતે બ્રહ્મચારી હેતે કરી પીરસે ને તાણ કરી જમાડે. ટાણે ટાણે પાણી પાય, પ્રસાદીના હાર પહેરાવે. આમ સાત દિવસ સુધી સૌને અનેક પ્રકારે સુખિયા કરી, પછી સંતોને ગુજરાતમાં જવાની રજા આપી પોતે વૃષપુર પધાર્યા.