૬૫૯ - પરસ્પર હેત તથા મહિમાવચન

0:000:00

બાપાશ્રીએ તો બીજે દિવસ નિત્યવિધિ કર્યા પછી સભામાં આવી પાછી એ જ વાત ચલાવી. સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીને કહ્યું જે, ‘હવે તમને ગુજરાતના હરિભક્તો સંભારે છે તે કેમ કરશો? અમારે અહીં આવા સંતોની તાણ ઘણી છે, અમને આવી સભા તો અખંડ ખપે! આ દેશનાં મોટાં ભાગ્ય છે જે, આવા પુરુષ ઘેર બેઠાં આવીને દર્શન દે છે.’ ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કહે, ‘બાપા! એ બધું આપની કૃપાનું કારણ છે, આપે સાજો સત્સંગ સુખિયો કરી મૂક્યો છે, તેથી બધાય તણાઈને અહીં ચાલ્યા આવે છે, આપે આ ટાણે મહારાજનું સુખ બહુ સુગમ કરી દીધું છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે મહારાજ! તમે હવે દેશમાં જાઓ ને ત્યાંના હરિભક્તોને સુખિયા કરો. વળી જ્યારે તેડાવીએ ત્યારે આવજો; અમારે અહીં સંતોને રાખવાની તાણ તો રહે, પણ હરિભક્તોના હેત સામું જોવું ખપે!’ એમ કહી દેશમાં જવાની આજ્ઞા કરી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, ‘બાપા! મારે રહેવાનો વિચાર છે, જો આજ્ઞા હોય તો રહું.’ તે સાંભળી બાપાશ્રી બોલ્યા જે, ‘આ ટાણે તો સૌ ભેળા જાઓ, પછી આવવું હોય તો બે સાધુ લઈને આવજો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘આપ મને જવાનું કહેતા હો તો અમારામાંથી બે સાધુ તથા આશાભાઈને સેવામાં રાખો.’ ત્યારે પણ એમ જ બોલ્યા જે, ‘આશાભાઈયે નહિ ને સાધુ પણ નહિ, કેમ કે હમણાં અહીં કારખાનું ચાલશે, તેથી સંતોને તાણ પડે.’ એમ કહી જવાનું જ ઠરાવ્યું, ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભલે! અમારે તો આપ રાજી થાઓ તેમ કરવાનું છે.’