૬૩૦ - મુમુક્ષુઓને દર્શન દેતા મલીર પધાર્યા

0:000:00

એક દિવસ સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મોટરમાં બેસી માર્ગમાં મુમુક્ષુઓને દર્શન આપતા મલીર પધાર્યા; ત્યાં પણ ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ તથા તેમના દીકરાઓ પર રાજી થઈને સૌના માથે હાથ મૂક્યા. પછી તેમના બગીચામાં કૂવા પાસેના હોજમાં નાહ્યા, ત્યાં હરિભક્તો મગજ, પૂરી આદિ થાળ તૈયાર કરાવી સાથે લાવેલા હોવાથી તે થાળ તથા બગીચામાંથી આવેલ દ્રાક્ષ, પોપૈયાં આદિ મેવો, મહારાજ તથા સંતોને જમાડી પોતે પણ જમ્યા ને હરિભક્તોને પ્રસાદી આપી. પછી એ મલીરમાં આસપાસના બગીચાઓની ઘાટી ઝાડીમાં, વૃક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્યો પર દૃષ્ટિ કરતા સ્ટેશન પર આવેલી દેધર પ્રાગજીની ધર્મશાળામાં તેમની પ્રાર્થનાથી પધાર્યા, ત્યાં તેમણે ગુલાબનાં ફૂલોનો મોટો હાર પેહેરાવી રાજી રહેવા કહ્યું, ત્યારે તેમના પર પોતે પ્રસન્નતા જણાવી. એ વખતે તે ધર્મશાળામાં રહેલા નાનામોટા કેટલાય મુમુક્ષુઓએ આ અનાદિ મુક્તરાજનાં દર્શન કર્યા. આ રીતે સહુને રાજી કરતા સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી મંદિરમાં પધાર્યા.