૫૬૮ - બાપાશ્રીની પુષ્પહારથી પૂજા કરી
એક દિવસ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી બાપાશ્રી તથા સદ્ગુરુઓની પૂજા કરવા પોતાની સાથે ફૂલના ઘણા હાર લઈ ભૂજથી દર્શન કરવા આવ્યા તે વખતે બાપાશ્રી ઓશરીમાં ધ્યાને યુક્ત બેઠા હતા અને આગળ સભામાં કથા વંચાતી હતી. પછી બ્રહ્મચારી તથા પુરાણીએ મંદિરમાં જઈ મહારાજનાં દર્શન કર્યા. પછી સભામાં બાપાશ્રી તથા સંતોને દંડવત્ કર્યા તોપણ બાપાશ્રી તો ધ્યાનમાં જ હતા. આવું જોઈ તેમણે બધા હાર એક પછી એક કંઠમાં પહેરાવવા માંડ્યા, તે કંઠ ભરાઈ ગયો, પણ બાપાશ્રી તો એમ ને એમ બેઠા હતા; પછી ઘણી વારે જાગ્રત થયા ત્યારે કંઠમાં હારનો ભરાવો જોઈ વિચાર કરતા સભા સામું જોયું, ત્યાં બ્રહ્મચારી તથા પુરાણીને જોઈને બોલ્યા જે, ‘આ જોગી અને પુરાણી બાવો ક્યારે આવ્યા?’ એમ કહી ઊભા થઈ મળ્યા ને બધા હાર સંતોને પહેરાવ્યા. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પોતાની સાથે સુખડી લાવેલ હતા તે આગળ મૂકી, ત્યારે પોતે ઊભા થઈ ઠાકોરજી ને જમાડી, સભામાં સૌને પ્રસાદી વહેંચી આપીને થોડી પોતે પણ જમ્યા; પછી વિપ્ર કૃષ્ણારામને ભૂજના મંદિરમાં ઠાકોરજીની સેવામાં રહેવાનું નક્કી કરેલ હોવાથી તેને ભૂજ જતી વખતે ઠાકોરજીની સેવા બરાબર કરવાની ભલામણ કરી આશીર્વાદ આપ્યા. પછી બ્રહ્મચારી તથા પુરાણીને પણ થોડા દિવસ પોતાની પાસે રાખી ભૂજ મોકલ્યા.