૫૯૨ - રામજીભાઈની હેતે સહિત પ્રાર્થના

0:000:00

રામજીભાઈને બાપાશ્રી વિષે હેત ઘણું, તેથી તેમને ગાદલું પાથરી બાપાશ્રીને તે પર બેસારી દંડવત્ કરવા માંડ્યા ને કહ્યું જે, ‘બાપા! આપે અમને પોતાના જાણ્યા છે, પણ અમારાથી આપની કાંઈ મરજી સચવાતી ન હોય તો રાજી રહેજો.’ તે વખતે બાપાશ્રી તેમના પર રાજી થઈ માથે હાથ મૂકી બોલ્યા જે, ‘તમે તો સદાય મરજી સાચવતા આવ્યા છો, ગામ બધુંય એવું હેતવાળું છે, હું આ ગામ પર બહુ જ રાજી છું, સહુ મહિમાવાળા છે; તેમાં કેશરાજભાઈ તો પોતાનું કામ પૂરું કરી ગયા. તમે પણ સત્સંગ એવો ને એવો રાખજો.’ એ વખતે રામજીભાઈએ પૂછ્યું જે, ‘બાપા! તેમની હવે વરશી વાળવાની છે, તે માટે ભૂજમાં વચનામૃતની કથા બેસારવાનો વિચાર કરીએ છીએ. તે વાત આપને પૂછવા વૃષપુર આવવું હતું, પણ તમે દયા કરી પધાર્યા તે બહુ સારું થયું; હવે કહો તેમ કરીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! ભૂજમાં કથા બેસારી સંતોને જમાડજો. કેશરાજભાઈનું ટાણું તો ખરેખરું કરવું; એમણે સત્સંગની સેવા બહુ કરી છે.’ આ રીતે બાપાશ્રી પાસે એ વાત નક્કી થતાં રામજીભાઈ બહુ રાજી થયા અને એ વાત વિશરામભાઈને જણાવી. પછી પોતાના પુત્રો પાસે બાપાશ્રીની ચંદન-કુંકુમ અને ફૂલહારથી પૂજા કરાવી દંડવત્ કરાવ્યા ત્યારે બાપાશ્રીએ તે સૌને હાર પહેરાવી, માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ને કહ્યું જે, ‘તમે સહુ સત્સંગ બરાબર રાખજો.’

પછી ત્યાંથી કેશરાજભાઈને ઘરે સૌને દર્શન દઈ મંદિરમાં આવી બાપાશ્રી ચાલવા તૈયાર થયા ત્યારે હરિભક્તો વળાવવા આવ્યા. તે વખતે વિશરામભાઈએ હાથ જોડી પ્રાર્થના કરી, ત્યારે તેમના પર પ્રસન્નતા જણાવી બાપાશ્રીએ માથે હાથ મૂક્યા ને કહ્યું જે, ‘તમારા પિતાશ્રીએ સત્સંગમાં નામ રાખ્યું, તેમ તમે તથા આ રામજીભાઈ અને ગામના બધા હરિભક્તો આવું ને આવું હેત રાખજો. કેટલાક કહે છે કે ભારાસર ગામ નાનું છે, પણ અમને તો બહુ મોટું લાગે છે કેમ કે સહુ બળિયા છે અને એકરુચિવાળા છે, તેથી મહારાજનો તથા અમારો રાજીપો ઘણો છે. અમે પણ તમારા હેતના બાંધ્યા જ્યારે સંભારો ત્યારે આવીને ઊભા રહીએ છીએ. આવું ને આવું હેત સહુ દેહપર્યંત રાખજો. સત્સંગમાં આવીને મહારાજ તથા મોટા રાજી થાય એટલું જ કરવાનું છે. આગળ સંત-હરિભક્તોને કેવાં કેવાં કષ્ટ પડતાં તોય સત્સંગ માથા સાટે રાખતા. એવાનાં નામ શાસ્ત્રોમાં લખાણાં છે.’ એમ કહી સૌને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ વખતે હરિભક્તો હાર પહેરાવી દંડવત્ કરવા લાગ્યા, તે સહુને મળી ઘોડીએ બેસી ચાલ્યા, પણ વળી હરિભક્તો પાછળ ચાલ્યા આવતા જોઈ પોતે ઘોડી ઊભી રાખી સૌને પાછા વળવાની આજ્ઞા કરી. આ રીતે સૌને રાજી કરી પોતે ત્યાંથી નારાયણપુર પધાર્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી માનસીપૂજા કરી એટલે ઠાકોરજીના સેવકે જળપાન કરાવ્યું તથા મહારાજની પ્રસાદીનો હાર પહેરાવ્યો. એ વખતે ખબર પડતાં ધનજીભાઈ તથા તેમના પુત્રો અને ગામના ઘણા હરિભક્તો ભેળા થઈ ગયા ને રાત રહેવા તાણ કરી પણ બાપાશ્રી કહે, ‘આ ગામમાં મારે આવ્યાની ક્યાં નવાઈ છે! તમે સહુ રાજી રહેજો, ‘એમ કહી સૌને મળી ચાલ્યા તે સાંજે વૃષપુર પહોંચ્યા.

આ રીતે સંતો ગુજરાતમાં ગયા પછી બાપાશ્રી ભારાસર જઈ આવી ગામના હરિભક્તોને સવાર-સાંજ કથાવાર્તા અને દર્શન-સમાગમે આનંદ પમાડતા. થોડા દિવસ થયા એટલે વર્ષોવર્ષના નિયમ પ્રમાણે અષાઢી અમાસે ગામનાં છોકરાંઓને છત્રીએ જમાડ્યાં. તે દિવસ ત્યાં આખો દિવસ કથાવાર્તા તથા ઉત્સવ આદિથી સહુએ મહારાજને રાજી કર્યા.