૫૧૮ - પ્રસાદીસ્થાને મોક્ષના આશીર્વાદ
એક દિવસ હરિભક્તો બાપાશ્રીને ગાડીખાતે તેડી ગયા, ત્યાં બ્રાહ્મણ તથા સુતાર હરિભક્તો ઘણા રહેતા હોવાથી એકબીજા પોતપોતાને ઘેર લઈ જતાં સાંજ પડી. પછી બાઈઓના મંદિરમાં રહેતાં સાંખ્યયોગી બાઈ લીરુબાની પ્રાર્થનાથી હરિભક્તોએ સહિત બાપાશ્રી બાઈઓના મંદિરમાં દર્શન કરવા પધાર્યા. પોતે સૌ બહાર નીકળી ગયેલાં ને ઠાકોરજી પાસે મગજના લાડુનો ત્રાંસ ભરીને મૂક્યો હતો, તેમાંથી ઠાકોરજીને જમાડી સહુને પ્રસાદી વહેંચવા કહેલ. તેથી બાપાશ્રીએ દર્શન કરી મહારાજને જમાડી સહુને એક એક લાડુની પ્રસાદી વહેંચવા માંડી. ઘણા હરિભક્તો હતા, તેથી કેટલાકને એવા સંકલ્પ થવા માંડ્યા જે, ‘કેમ થશે!’ પણ બધાયને પ્રસાદી વહેંચાઈ રહ્યા પછી પણ થોડા લાડુ વધ્યા, એ જોઈ હરિભક્તો વિસ્મય પામ્યા; પછી ત્યાંથી શ્રીજીમહારાજે દિવ્ય સ્વરૂપે કરાંચીમાં દર્શન આપેલાં તેની સ્મૃતિરૂપ છત્રીનું સ્થાન છે ત્યાં હરિભક્તોએ સહિત પધારી પોતે આરતી ઉતારી ત્યાં દર્શન કરનારાને મોક્ષના આશીર્વાદ આપ્યા.