૬૭૨ - ધનજીભાઈને મહિમાની વાતો તથા દિવ્ય દર્શન
બાપાશ્રી ભૂજથી વૃષપુર આવ્યા પછી બીજે દિવસે નારાયણપુર ગયા, ત્યારે તો ધનજીભાઈ સાવ પરવારી બેઠા હોય તેમ ‘જય સ્વામિનારાયણ’ કરી બોલ્યા, ‘બાપા! હવે હું તૈયાર છું, તમે ભૂજ ફૂલડોલના સામૈયામાં જઈ આવ્યા તે સારું કર્યું, હવે મારી પાસે જ રહેજો. આપને તો જેવું વૃષપુરમાં ઘર તેવું જ અહીં આ ઘર છે, હું તમારો છું, આ છોકરાં બધાંય તમારાં છે.’ આવાં વચનથી બાપાશ્રી તેમના પર રાજી થયા ને કહ્યું જે, ‘ધનજી! મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ બોલવું નહિ, મહારાજથી શું અજાણ્યું છે? હું વૃષપુર જાઉં કે અહીં રહું, પણ ટાણું થશે ત્યારે મહારાજને કાંઈ કહેવું નહિ પડે.’ એમ કહી પાસે બેસી મહારાજના અદભુત પ્રતાપ અને મહિમાની ઘણી વાર વાતો કરી સાંજના પોતે વૃષપુર પધાર્યા.
ત્યાર પછી સાતમના દિવસે હરજીભાઈ ગાડી લઈ બાપાશ્રીને તેડવા આવ્યા, ત્યારે તેમની સાથે પોતે નારાયણપુર ગયા ને પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યાં તો ધનજીભાઈ ખાટલામાં સૂતા હતા તે બેઠા થઈ હેતમાં ને હેતમાં ભેટી પડ્યા. એ વખતે બાપાશ્રીએ તેમના શરીર પર હાથ ફેરવીને કહ્યું કે, ‘ધનજી બચ્ચા! મહારાજ સારું કરશે, કાંઈ ફિકર રાખવી નહિ.’ ત્યારે પોતે પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા! મને આપે ત્રણચાર વખત સાંધા દઈને રાખ્યો છે, તેમ આ ફેરે ન કરજો, હવે મને મહારાજ વિના બીજો કાંઈ સંકલ્પ નથી.’ આવાં વચનથી બાપાશ્રીએ તેમના પર બહુ જ પ્રસન્નતા જણાવી. પછી તેમના દીકરાઓને સેવા કરવાની ભલામણ કરતાં કહ્યું જે, ‘તમારા બાપની વૃત્તિ હવે મહારાજની મૂર્તિ સન્મુખ થઈ ગઈ છે.’
એ વખતે વળી ધનજીભાઈ બાપાશ્રી સામું જોઈ પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા! આપે મને જે જે વરદાન આપ્યાં હતાં તે બધાંય સત્ય કર્યા. તમે આવા દયાળુ છો! મારા પર બહુ દયા કરી. મહારાજને લાવ્યા, સંતોને લાવ્યા, આ સર્વે દિવ્ય તેજોમય છે. બાપા! તમે પણ એવા જ તેજોમય છો.’ એમ કહી થોડી વાર નેત્ર મીંચી ગયા.
પછી વળી જાગ્રત થઈ હાથ જોડવા લાગ્યા. ત્યારે બાપાશ્રી કહે, ‘ધનજી બચ્ચા! આ ટાણે મહારાજ વિના બીજું કાંઈ સંભારવું નહિ. એ મૂર્તિમાં તેજની સેડ્યો તથા સુખના ફુવારા છૂટે છે, માંહી અનંત મુક્ત સાકાર થકા રહ્યા છે.’ એ વખતે ધનજીભાઈ કહે, ‘બાપા! મારા પર આવા ને આવા રાજી રહેજો,’ –એમ બોલતાં આંખોમાંથી હેતનાં આંસુ આવ્યાં. આથી બાપાશ્રીએ તેમના દીકરાઓને ભલામણ કરી જે, ‘તમારે હવે આમની પાસે ને પાસે રહેવું.’ આવી આજ્ઞા થતાં તેમના સંબંધી તથા હરિભક્તોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! ધનજીભાઈ વિના અહીં તો દુકાળ જેવું લાગશે.’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ દુકાળ તો બહુ નહિ જણાય, પણ પછી મોટો દુકાળ પડશે ત્યારે સહુને ખબર પડશે,’ (આમ પોતાને અંતર્ધાન થવાનાં વચનો મર્મમાં કહ્યાં, પણ કોઈ એ વાત સમજી શક્યા નહિ.) પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા.
હવે ઘરમાં સહુને એમ થઈ ગયું જે, ‘આ ફેરે આમનો દેહ રહેવાનો નથી,’ તેથી તેમની આગળ સૌ કથાવાર્તા કરતા હતા. પછી રાત્રે જમાડવા માટે બહુ જ આગ્રહ કરવા માંડ્યો, પણ જે મહારાજનું દિવ્ય સુખ જમતા હોય તે શાના બોલે! ઘણી વાર તેમના દીકરાઓએ મહેનત કરી, પણ કાંઈ બોલ્યા જ નહિ, તેથી ગળું ન સુકાય તે માટે દૂધ કે દહીં ચમચેથી પાવા લાગ્યા. ક્યારેક થોડું થોડું પાણી પણ એ રીતે પીવરાવે. એમ કરતાં રાતના બાર વાગ્યા, ત્યાં થોડી વાર શાંત થઈ ગયા, એવું જોઈ સહુ વિચારમાં પડ્યા, ત્યાં તો પડખું ફેરવ્યું. પછી વળી ત્રણ વાગ્યા ત્યારે તેમને સંતોએ સહિત મહારાજનાં દર્શન થયાં કે તુરત પોતે બેઠા થઈ પગે લાગતાં બોલવા માંડ્યા જે, ‘વાહ મહારાજ! વાહ મારા બાપ! મારા પર ઘણી દયા કરી.’ સાથે બાપાશ્રીનાં દર્શન થતાં હતાં તે સામું જોઈને કહે, ‘બાપા! ઓરા આવો. તમે આવા તેજોમય! આજ દિવસ સુધી આવા કેમ દેખાતા નહોતા? આજ તો ભારે દયા કરી! આ વખતે ઘરના નાનામોટા સહુ પાસે બેઠા હતા તે જોઈ રહ્યા.’ પછી નાના દીકરા હરજીભાઈ કહે, ‘બાપા! તમે આ શું બોલો છો?’ ત્યારે કહે, ‘હરજી બચ્ચા! ઘરના સૌ દર્શન કરો. આવડી સભા અહીં બેઠી છે ને તું મને એમ કેમ પૂછે છે? આ મહારાજ! આ બાપા! આ સંત! બધાય તેજોમય બેઠા છે,’ – એમ કહી ઊંડા ઊતરી ગયા. ત્યારે ઘરના સહુએ જાણ્યું જે, ‘આમની વૃત્તિ તો હવે મૂર્તિઆકારે થઈ ગઈ છે, તેથી સૌ હાથ જોડી પગે લાગતા હતા.’ ત્યાં તો વળી ધનજીભાઈ હેતભર્યા બોલવા લાગ્યા જે, ‘વાહ મહારાજ! વાહ દયાળુ! ભલે આવ્યા! ઘણી ખમા! બહુ દયા કરી, હે મહારાજ! તમે ભક્તવત્સલ ખરા. ટાણે મારી સંભાળ લીધી. મહારાજ! તમે મારી લાખેણી લાજ રાખી,’ – એમ કહી હાથ જોડતાં સૂઈ ગયા. વળી જાગ્રત થઈને બોલ્યા જે, ‘બાપા! તમે ખરે ટાણે મહારાજને લઈને પધાર્યા,’ –એમ કહેતાં હાથ જોડવા લાગ્યા. ત્યારે તેમના દીકરાઓએ પૂછ્યું જે, ‘બાપા! શું કરો છો?’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપાને પગે લાગું છું.’ પછી પૂછ્યું જે, ‘બાપા ક્યાં છે?’ તો કહે, ‘આ રહ્યા જુઓને! આ નદીને ધરે નાહ્ય’ પછી નાના દીકરા હરજીભાઈ નદીએ ખબર કાઢવા ગયા, ત્યાં તો બાપાશ્રી નાહતા હતા, તેમને આ બધી વાત જણાવી પ્રાર્થના કરી તેડી લાવ્યા. તે જોઈ ધનજીભાઈ બહુ રાજી થયા ને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રીએ તેમના માથે હાથ મૂકી કહ્યું કે, ‘ધનજી બચ્ચા! આ ટાણે મહારાજમાં વૃત્તિ જોડી મેલવી, બીજો સંકલ્પ થવા દેવો નહિ.’ એમ કહી ઘરમાં સૌને ભલામણ કરી જે, ‘તમે વારાફરતી આમની પાસે રહેજો.’ એમ કહી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી પોતે તુરત જ પાછા વૃષપુર પધાર્યા ને ધનજીભાઈ તો અંતર્વૃત્તિ કરી ગયા. પછી સવારમાં ધનજીભાઈ જાગ્યા ત્યારે ઘરના નાનામોટા સૌએ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને કહ્યું કે, ‘બાપાને અહીં તેડાવશું?’ ત્યારે ધનજીભાઈ કહે, ‘તમે રાતદિવસ મારી પાસે ને પાસે રહો છો, કથા કરો છો, સેવા કરો છો, તોય આમ કેમ બોલો છો? બાપાશ્રી તો આ રહ્યા! મહારાજ તથા અનંતમુક્ત પણ આ બેઠા! સૌ તેજોમય છે.’