૫૨૬ - મહિમાવચન તથા આશીર્વાદ

0:000:00

પછી પોતે એમ બોલ્યા જે, ‘તમે આ ફેરે અમને ઘણા રાજી કર્યા છે. સત્સંગમાં આવીને મહારાજ તથા મોટાને મન, કર્મ, વચને રાજી કરવા એથી અધિક બીજું કાંઈ નથી. તમે બધાય આ દિવ્ય લીલા જાણી સંભારજો. તમે અમારા માટે ઘણું કર્યું છે, તે હું ભૂલી જાઉં એવો નથી. ખરે ટાણે આ સેવાનું ફળ દેખાશે ત્યારે અહો! અહો! થઈ જશે. ક્યાં મહારાજ! ક્યાં એમના મુક્ત! આ તો અલૌકિક પ્રાપ્તિ થઈ છે. આ ચંદન-પુષ્પનાં પણ અહોભાગ્ય છે.’ એમ કહીને ગુલાબની પાંખડીઓ પડેલી હતી તેમાંથી મૂઠી ભરી ભરીને પ્રસાદી આપતાં કહેવા લાગ્યા જે, ‘આવી દિવ્ય પાંખડીઓ મહારાજના ઘર વિના અનંત બ્રહ્માંડ ક્યાંય ન મળે. આ સભામાં મહારાજ ને અનંત મુક્ત છે, તેથી એમના સંબંધ જે પામે તે નિર્ગુણ થઈ જાય. એ રીતે આ પાંખડીયો પણ દિવ્ય થઈ ગઈ. માટે સહુ લઈ લેજો.’ પછી એમ બોલ્યા જે, ‘તમે કામધંધા મૂકીને, ભાડાં ખર્ચીને આટલે છેટે વળાવવા આવ્યા. આ બધું જોતાં મને એમ થઈ જાય છે કે તમને સહુને મહારાજ પોતાની મૂર્તિનું અતિ અપાર એવું દિવ્ય સુખ આપો.’ એમ કહેતાં પોતે ગદગદ થઈ ને ઊભા થઈ સહુને ઉઘાડે શરીરે મળ્યા ને માથે હાથ મૂક્યા. પછી વળી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘આમના બહુ દાખડા છે, તમે આ હરિભક્તો પર ખૂબ રાજી થાજો’ એમ પ્રસન્નતા જણાવતા સમય થોડો હોવાથી ગાડીમાં બેસી સહુ સ્ટેશને આવ્યા ને ગાડી તૈયાર ઊભી હતી તેમાં બેઠા. તે વખતે પણ થાળીમાં ચંદન હતું, તેમાંથી જે કોઈ પોતા પાસે કે સંત પાસે દર્શન કરવા આવે તેને પોતે ચાંદલો કરી માથે હાથ મૂકે ને એમ કહે જે, ‘આજ તો આત્યંતિક મોક્ષના ચાંદલા થાય છે.’ પછી ગાડી ઊપડવાનો સમય થતો ત્યારે એ ચંદનની થાળી હરિભક્તોને આપી. તે વખતે લાલુભાઈ તથા હીરાભાઈએ સહુની વતી પ્રાર્થના કરી આશીર્વાદ લીધા. ત્યાં ગાડી ઊપડી એટલે સહુ હાથ જોડતા ઊભા રહ્યા. પછી સાંજની ગાડીમાં એ સહુએ કરાંચી પાછા જઈ જે રીતે બાપાશ્રી તથા સંતોએ પ્રસન્નતા બતાવી આશીર્વાદ આપ્યા હતા એ વાત કરી.

આ બધી લીલાનું ટૂંક વર્ણન કરાંચીમાં રહેતા એક મહિમાવાળા હરિભક્તે સ્મૃતિ થવા માટે એ વખતે દોહા-ચોપાઈમાં કરેલ, તે વાંચતાં સહુને સહેજે સમજાય તેવું છે. તેમને સત્સંગનો મહિમા, દાસભાવ તથા નિર્માનીપણાનું અંગ બહુ હોવાથી પોતાનું નામ તેમાં જણાવેલ નથી, પણ કડી ૭૨ થી ૭૯ સુધીમાં જે વર્ણન છે, તે બાપાશ્રી તેમને ઘેર પધાર્યા ત્યારે પ્રાર્થના કરી સહુની વતી આશીર્વાદ લીધા છે તે છે.