૫૧૨ - શીરો જમાડી સૌને તૃપ્ત કર્યા
હવે સવારમાં જ પાટોત્સવનો મહામોટો સમૈયો હોવાથી હજારો માણોસોને જમાડવા, પાકશાળામાં શીરો તૈયાર કરી, સિમેન્ટથી તૈયાર કરેલા મોટા મોટા હોજ ભરાતા હતા ત્યાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને મોકલ્યા કે, ‘જોઈ આવો જે શીરાનું કેમ છે?’ આજ્ઞા થતાં એ પાકશાળામાં આવ્યા ને જોયું તો શીરો ઘણો તૈયાર થઈ ગયેલો, તેમ લોટ, ઘી, ગોળ આદિ બીજો સામાન પણ ઘણો હતો, તે વાત તેમણે બાપાશ્રી પાસે આવીને કરી. ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! હવે શીરો કરવાનું બંધ રખાવી આવો.’ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને તો બાપાશ્રી બોલે એટલે તેમાં તર્ક થાય નહિ. તેથી એ પાછા પાકશાળામાં જઈ શીરો કરવાનું બંધ કરાવી આવ્યા, પણ સવારમાં સ્વામી ગુણાતીતદાસજી આદિ સંતો કહે, ‘મનુષ્ય ઘણા છે તે કદાચ ખૂટે ને પૂરું ન થાય તો એ ટાણે લાજ જાય; માટે હજી શીરો થવા દ્યો.’ આ વાત સ્વામીશ્રીએ આવીને બાપાશ્રીને કહી ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમે કચ્છમાંથી આ યજ્ઞ અમારો જાણીને અહીં આવ્યા છીએ તે શીરો ખૂટવા દેવો નથી. કર્યો છે તેમાંથી અર્ધોય નહિ વરે. યજ્ઞ થઈ રહ્યા પછી ગાડામાં લઈ જઈને ગામોગામ વહેંચાશે તોય ખૂટવાની વાત નથી.’ એમ કહીને પોતે સંતોએ સહિત પાકશાળામાં જોવા પધાર્યા ને હોજ ઉપર મહારાજની મૂર્તિ પધરાવી થાળ જમાડ્યો ને પોતે થોડી સાકર મહારાજને જમાડી, તે પ્રસાદી હોજમાં નાખીને સ્વામી ગુણાતીતદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી વગેરે સંતોને કહ્યું જે, ‘હવે શીરો ઘણો થયો છે તે રાખો. ગમે તેમ હરિભક્તોને જમાડશો કે ગાડાં ભરી ભરીને આપશો તોય ખૂટવાનો નથી.’ એવાં વચન કહી શીરો કરવાનું બંધ રાખાવ્યું અને શીરાનો એક હોજ ધનજીભાઈ કચ્છનો મોટો સંઘ લઈ આવ્યા હતા તેમને સોંપાવ્યો ને કહ્યું જે, ‘આમાંથી તમારે સૌને જમાડવા.’ આવી રીતે રાજી થઈ આશીર્વાદ આપેલ હોવાથી યજ્ઞમાં આવેલા હજારો હરિભક્તો બે દિવસ સુધી જમ્યા તથા જેને શીરો લઈ જવો હોય તેને લઈ જવાની છૂટી આપી, તેથી કેટલાક તો વાસણો ભરી ભરીને લઈ જવા લાગ્યા. વળી કણબી હરિભક્તો બળદને પણ શીરાનાં વાસણ ભરી ભરીને મૂકે. તેવી જ રીતે ગાયો, ભેંસો તથા શ્વાન આદિ પશુઓએ પણ આ યજ્ઞમાં શીરો જમવાની કસર રાખી નહિ. તોપણ શીરાના હોજમાં શીરો એમ ને એમ જણાતો હોવાથી શ્રીજીમહારાજે આ અલૌકિક પ્રતાપ જણાવ્યો છે એમ જ સહુને લાગતું હતું. આ યજ્ઞમાં દેશોદેશથી અને ગામોગામથી હજારો હરિભક્તો અને અન્ય મનુષ્યો આવેલા કે જેની ગણતરી જ ન થઈ શકે, જેથી જયાં ને ત્યાં એકસરખી જ ભીડ જોવામાં આવતી. મંદિરની વાડીમાં કંતાન ને તાલપત્રીથી સંખ્યાબંધ હરિભક્તોને ઉતારી શકાય, તેવી રચના કરેલ હોવાથી કોઈને ઉતારાની તાણ પડે તેમ નહોતું. સૌ હર્ષભર્યા જાય, આવે, જમે, રમે ને ઠાકોરજી તથા બાપાશ્રી અને સંતોનાં દર્શન કરે. ચોઘડિયાં ને ઢોલ-નગારાં વાગે, ઉત્સવ થાય, આરતી વખતે તો મંદિર પર હરિભક્તો ઊભા સમાય નહિ. સંતોએ પણ સેવામાં ખરેખરી ભેઠ બાંધેલી. આમ સર્વેને એકસરખો ઉમંગ જણાતો હતો. કોઈ થાક કે ઊંઘ-ઉજાગરાનું તો ગણતા જ નહિ.