૫૭૪ - મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી
બીજે દિવસે સમાપ્તિ હોવાથી સવારમાં વહેલા નાહી, પૂજા કરી બાપાશ્રી સભામાં પધાર્યા ને પુસ્તક તથા પુરાણીની ચંદન-પુષ્પથી પૂજા કરી. થોડી વારે કથા પૂરી થઈ એટલે ધનજીભાઈએ બાપાશ્રી પાસે આરતી ઉતરાવી સંતોની પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં. તે વખતે ધનજીભાઈ ‘પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ’ એ કીર્તન એવા ઉમંગમાં આવીને બોલ્યા કે, સભામાં સંતહરિભક્તો સર્વે રાજી રાજી થઈ ગયા અને બાપાશ્રીએ પણ ‘વાહ! ધનજી વાહ!’ એમ બોલી પ્રસન્નતા જણાવી. પછી પુરાણી કેશવપ્રિયદાસજીના હાથમાં ચંદનનો વાટકો હતો, તે લઈ પોતાના હાથે સભામાં બેઠેલા સાધુ-બ્રહ્મચારી, પાર્ષદ તથા હરિભક્તોની પૂજા કરી; ત્યાંથી હનુમાનજી તથા ગણપતિની પૂજાવિધિ ચાલતી હતી ત્યાં સંતોએ સહિત પધાર્યા ને બેય મૂર્તિઓ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, ‘હવે મહારાજની હજૂરમાં રહ્યા થકા સૌની રક્ષા કરજો.’ એમ કહી પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી તે વખત મંદિરમાં, ચોકમાં ને બહારના ભાગમાં મનુષ્યોની ઘણી જ ભીડ થઈ રહી હતી; પછી એમ ને એમ હરિભક્તોએ સહિત પોતે બાઈઓના મંદિરમાં પધાર્યાને ત્યાં નવા સિંહાસનમાં મહારાજની ચંદન-પુષ્પહારથી પૂજા કર્યા પછી પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી સહુ ‘જય’ બોલ્યા. એ વખતે મોડું થવાથી હરિભક્તોને જમવાનો સાદ થયો તેથી થોડી વારે પંક્તિઓ થઈ, ત્યાં બાપાશ્રી પધાર્યા ને સૌને દર્શન દઈ, મંદિરમાં સંતોની પંક્તિનાં દર્શન કરી, પોતે ધનજીભાઈના ઘેર ઠાકોરજીને જમાડી પાછા મંદિરમાં આવ્યા ને બારણા પાસે વાયરો ઠીક આવતો હોવાથી ત્યાં બેઠા. પછી જે જે હરિભક્તો પોતાને ગામ જવાનું કરે તેને પોતે મળે, માથે હાથ મૂકે, આશીર્વાદ આપે. એમ પ્રસન્નતા જણાવી સહુને વિદાય કર્યા અને પોતે પણ સાંજના ઘોડીએ બેસી વૃષપુર પધાર્યા.