૧૯૦ - પારાયણ પ્રારંભ

0:000:00

એકમનો દિવસ આવ્યો ત્યાં તો ઠાકોરજીની મંગળા-આરતી સાડા ત્રણ વાગ્યે થઈ. સૌ નાહીધોઈ સેવા-પૂજા કરી પરવારવા મંડ્યા. ભૂજથી સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતો મંડળે સહિત પ્રથમથી જ આવેલા, તેમ બન્ને પુરાણીઓ પણ આવી પહોંચ્યા હતા, જેથી આગલે દિવસ વિશાળ મંદિરના ચોક વચ્ચે સુશોભિત મંડપ તૈયાર કરાવી વચ્ચે પાટ ઉપર ગાદી-તકિયાએ સહિત કથા વાંચનાર પુરાણીની વ્યાસપીઠ તથા આગળ શ્રીજીમહારાજનું સિંહાસન બનાવેલ હતું. ચારે બાજુ કેળના સ્થંભ ને અડખેપડખે આંબા, લીંબુ, દાડમ, જામફળી આદિની ડાળખીઓની શોભા ને ફરતા ચાકળા, ચંદરવા બાંધી રેશમી સોનેરી ગાદી-તકિયા બિછાવી રાખેલા હતા, તે પર શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી ધૂપ, દીપ આદિ સામગ્રી તૈયાર કરી વર્ણિ, વિપ્ર અને સંતોએ પૂજા કરવા માંડી. પ્રથમ અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિકનાં કાંડાં બાંધ્યાં, પછી વેદમંત્રો તથા શ્લોકો બોલી ઠાકોરજી તથા બન્ને પુરાણીની ચંદન-પુષ્પાદિકે પૂજા કર્યા પછી થાળ જમાડી આરતી પ્રગટાવી, તે વખતે હજારો સંત-હરિભક્તોની વચ્ચે ને શ્રીજીમહારાજની સન્મુખ આ અનાદિ મુક્તરાજ ધોળું ધોતિયું તથા ઘેરવાળું જાડું કેડિયું ને માથે મોટી પાઘડી તથા ખંભે ખેસે સહિત ઊભા રહી આરતી ઉતારવા લાગ્યા. તે સમયે અંતરિક્ષથી જાણે દેવ દુંદુભિ વગાડતા હોય તેવા નાદ થતા હતા. મંદિર બહાર પણ ચોઘડિયાં, શરણાઈ તથા ત્રાંસાં વાગી રહ્યાં હતાં ને સંત-હરિભક્તો ‘જય જય’ શબ્દે આરતી બોલતા હતા.

આ રીતે ધામધૂમથી વિધિ થયા પછી શાસ્ત્રી બાળમુકુંદાનંદ સ્વામીએ મૂર્તિ ધારી મંગળાચરણ કર્યું; તે વખતે બાપાશ્રીએ હાથમાં ચંદનનું તાંસળું લઈ તેમની પૂજા કરી હાર પહેરાવ્યો. ત્યારે પુરાણીએ પણ આ મુક્તરાજને હેતે સહિત શ્લોક બોલતાં ભાલમાં ચંદનનું લેપન કર્યું ને કુંકુમનો ચાંદલો કરી હાર પહેરાવ્યો. પછી કથા ચાલતી થઈ ત્યારે પોતે સંત-હરિભક્તોને ભાલે ચંદન ચર્ચવા આવતાં માથેથી પાઘડી ઉતારી ટૂંકું ધોતિયું બાંધ્યું ને કેડિયાની બાંયું ચડાવી, તે જોઈ સૌ આનંદ પામવા લાગ્યા; પછી ઘણી વારે બધી સભામાં ચંદન ચર્ચી સભાની વચ્ચે નાખેલ ચાકળો તથા ગોદડાના ઓઠીંગણે આવી ખેસ ઓઢી ધ્યાનયુક્ત બેઠા. કથા વાંચનાર બ્રહ્મચારી શાસ્ત્રી બાળમુકુંદાનંદજીનો મધુર સ્વર ને લાવણ્યતા પણ એવી, તેમ મોટા મોટા સદ્‍ગુરુઓ, સંતો અને હરિભક્તોની ભીડ મધ્યે શ્રીજીમહારાજની દિવ્યમૂર્તિ સામે આ અનાદિ મુક્તરાજનું આસન; તેથી સૌ દર્શન કરતાં ને કથા સાંભળતાં તૃપ્ત જ થતા નહોતા, ત્યાં તો નવ વાગ્યા ને કથાની સમાપ્તિ થઈ, ત્યારે સંતો ઝીલણિયા કીર્તન બોલ્યા ને ખારેક, ટોપરા, સાકર, મગફળી આદિની સભામાં પ્રસાદી વહેંચાણી; પછી જમવાનો સાદ થયો એટલે ગામબહાર વાડીમાં જમવાનું કરેલ ત્યાં સૌ જમવા ગયા. થોડી વાર પછી બાપાશ્રી મોટા મોટા હરિભક્તોએ સહિત માથે પાઘડી તથા ખંભે ખેસ રાખી પંક્તિમાં પધાર્યા; ત્યાં સહુને દર્શન દઈ મંદિરમાં આવ્યા ત્યાં તો સંતની પંક્તિ થઈ હતી, તેથી પોતે દંડવત્ કરવા લાગ્યા. એ જોઈ ઘણા હરિભક્તો વાંસે દંડવત્ કરવા મંડ્યા. સંતો, ‘રાખો! રાખો!’ કહે ને આનંદ પામે. પછી થોડી વાર વચનામૃતની કથા થઈ; સૌએ જરા વિશ્રામ કર્યો. પાછા બે વાગ્યા એટલે સંતો તથા હરિભક્તો વાડીએ નાહવા ચાલ્યા; ત્યારે આ મુક્તરાજ પણ ભેળા ગયા, ત્યાં પરસ્પર જળ ઉછાળી નાહતાં ને રાજી થતાં વાડીમાં થોડી વાર બેઠા ને માનસીપૂજા કરી. પછી સૌ મંદિરમાં આવ્યા.

એ વખતે સમય થતાં ભૂજના પુરાણી ધર્મજીવનદાસજીએ કથાનો આરંભ કર્યો. ત્યારે પણ પ્રથમની પેઠે બાપાશ્રીએ ઠાકોરજી તથા પુરાણીની પૂજા કરી, ત્યારે પુરાણીએ પણ શ્લોક બોલી આ મહામુક્તરાજના ભાલમાં ચંદન ચર્ચ્યું ને હાર પહેરાવ્યા; પછી કથા ચાલતી થઈ એટલે સવારની પેઠે પોતે સંત-હરિભક્તોને ચંદન ચર્ચવા લાગ્યા. એ જોઈ મોટા પુત્ર કાનજીભાઈએ ચંદનનો વાટકો તેમના હાથમાંથી લઈ સૌની પૂજા કરવા માંડી. તેથી પોતે આસને આવીને બેઠા. કથાપ્રસંગે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી અથવા સ્વામી ઈશ્વરચરણદાસજી વાતો કરતા, તો કોઈ વાર સ્વામી અક્ષરજીવનદાસજી અથવા શાસ્ત્રી પુરાણી બાળમુકુંદાનંદજી વાતો કરતા, તેથી સભામાં નાનામોટા સંત-હરિભક્તો અત્યંત રાજી થતા ને નિત્ય નવી નવી લીલાઓ થતી તેમ નવાં નવાં કીર્તન બોલાતાં. કથામાં પણ નવીન આખ્યાનો આવતાં હોવાથી સર્વત્ર આનંદ વર્તી રહેતો. એ ઉપરાંત સંતોનાં આગ્રહથી સભામાં સવાર-સાંજ આ અનાદિ મુક્તરાજ પણ મહારાજ તથા મોટાના મહિમાની વાતો કરતા.