૧૪૯ - ચુનીલાલ ને તેજોમય દર્શન
સંવત ૧૯૫૨ ની સાલમાં સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ વૃષપુરમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો જોગ-સમાગમ કરવા આવેલા. તે વખતે કપડવંજના એક મોઢ બ્રાહ્મણ શ્રીકૃષ્ણનો દીકરો ચુનીલાલ જે મુંબઈમાં ભણતો હતો, તેના ઉપર તેમણે કાગળ લખ્યો જે, ‘તમારે અહીં દર્શને આવવું હોય તો આવો, અમો હાલ રહેવાના છીએ.’ (આ ચુનીલાલને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કપડવંજમાં આ મુક્તરાજના મહિમાની વાત કરેલી. તે વખતે તેણે એમ કહ્યું હતું કે, ‘તમે જ્યારે વૃષપુર જાઓ ત્યારે મને કાગળ લખજો; મારે દર્શને આવવું છે. તમે ત્યાં હો ત્યારે મને ઠીક પડે, કેમ કે મેં એમનાં દર્શન કર્યા નથી,’ તેથી તેને કાગળથી જણાવ્યું હતું.) આ પત્ર પહોંચ્યાથી તેણે ઉત્તર લખ્યો જે, ‘હું મુંબઈમાં જ છું, પણ મારી પરીક્ષા ચાલે છે. તેમાં ચાર દિવસ હવે બાકી છે, તે પરીક્ષા આપી તુરત તમારી પાસે આવવા રવાના થઈશ. પરંતુ હું ઘેર જઈને આવું કે બારોબાર આવું, તેનો પ્રત્યુત્તર લખાવશો.’ આ કાગળ સ્વામીશ્રીએ આ મુક્તરાજને જણાવ્યો, ત્યારે તેમને ‘ઘેર જઈને આવે’ એમ લખવા આજ્ઞા કરી. પછી એ રીતે સ્વામીશ્રીએ કાગળ લખ્યો, તેથી તે કપડવંજ ગયો. ઘેર પહોંચ્યો કે તુરત તેને મંદવાડ થઈ ગયો, તેથી એને તો એ જ ઝંખના થઈ કે, ‘હવે મંદવાડ મટે કે વૃષપુર જાઉં,’ પણ મંદવાડ તો વધતો જ ગયો; છેવટે દેહ મૂકવાની તૈયારી થઈ, ત્યારે તેણે શ્રીજીમહારાજ સાથે સ્વામીશ્રી તથા આ મુક્તરાજને બહુ સંભાર્યા, તેથી ભાઈશ્રીએ તેને મહારાજ ભેળાં દિવ્ય તેજોમય દર્શન આપ્યાં. તે વખતે આ ચુનીલાલે તેના બાપને કહ્યું કે, ‘મહારાજ તથા બાપાશ્રી મને ધામમાં તેડી જવા પધાર્યા છે. જુઓ, આ ઊભા!’ એમ કહી હાથ જોડવા લાગ્યો. ત્યારે તેના બાપે કહ્યું, ‘ચુનીલાલ! તેં બાપાશ્રીને તો જોયા નથી ને કેમ ઓળખે છે કે બાપાશ્રી આવ્યા છે?’ ત્યારે તે કહે, ‘ઓળખાવનારે ઓળખાવ્યા,’ -એમ કહેતાં દેહ મૂકી દીધો. એ જ વખતે આ મુક્તરાજે વૃષપુરમાં સ્વામી ઈશ્વરચરણદાસજીને વાત કરી જે, ‘તમે જેને કાગળ લખ્યો હતો તે છોકરાએ આજ દેહ મેલ્યો, તેને અમે ધામમાં મૂકી આવ્યા.’ આમ થોડાક સંબંધે તેમનો તત્કાળ મોક્ષ થયો.