૪૫ - ઘેર બેઠાં તીર્થ
એક વખત વૃષપુરમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની લખાઈવાડીએ સદગુરૂ નિર્ગુણદાસજી સ્વામી સંતોએ સહિત નાહવા પધારેલા. ત્યારે કેટલાક હરિભક્તો તથા આ અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પણ સાથે હતા. જ્યારે સ્વામીશ્રી નાહવા લાગ્યા, ત્યારે ભાઈશ્રીએ કૂવામાંથી પાણી સીંચી દેવા માંડ્યું. સ્વામી ના કહે, પણ ભાઈશ્રી માને નહિ. એમ તાણખેંચ કરી નવરાવતા હતા ને બીજા હરિભક્તો ફરતા ઊભા હતા. એ વખતે લક્ષ્મીરામભાઈ નાંહેલું પાણી થાળામાં જતું હતું ત્યાં બેસી ખોબે ખોબે પાણી માથે ચડાવતાં સ્વામીશ્રીની નજર તેમના તરફ ગઈ ત્યારે કહેવા લાગ્યા જે, ‘ભાઈ! તમે આ શું કરો છો?’ ત્યારે લક્ષ્મીરામભાઈ બોલ્યા જે, ‘બાપજી! હું નિર્ધન, રોગી ને ગરીબ બ્રાહ્મણ તે કાશી, દ્વારિકા, ગયાજી, જગન્નાથ, ગંગા, ગોદાવરી, સરસ્વતી, યમુના આદિ તીર્થ કરવા શી રીતે જાઉં?’ મારે તો આજ સર્વે તીર્થ ઘેર બેઠા થઈ રહ્યાં.’ આ રીતે પોતાની નિરાવરણદૃષ્ટિ ને ઉત્તમ સ્થિતિ હોવા છતાં, સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તથા અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો ઘણો મહિમા જાણતા.
એક વખત સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી પાસે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા લક્ષ્મીરામભાઈ એ બન્ને બેઠા હતા. તે વખતે સ્વામીશ્રીએ શ્રીજીમહારાજનાં રહસ્ય-અભિપ્રાયની તથા આજ્ઞા-ઉપાસનાની વાતો કરતાં કરતાં પ્રશ્ન પૂછ્યું કે, ‘તમે બેય મહામુક્ત છો, અખંડ મહારાજને દેખો છો, પણ અમે આ એક મહિનાથી સાધુ કર્યા છે, તેમના ભેળા જેમ અમારાથી ચલાય તેમ તમારા ભેળા ચલાય કે નહિ?’ પછી આ બન્ને મુક્તોએ એવો ઉત્તર કર્યો જે, ‘આ લોકમાં મહારાજે સત્સંગનું ધોરણ બાંધ્યું છે, તેથી એ પ્રમાણે રહેવું જ પડે, પણ શ્રીજીમહારાજ આગળ ગુનેગાર નહિ. કેમ કે મુક્તો મહારાજ વિના ક્યારેય એકલા હોતા જ નથી.’ પછી સ્વામીશ્રીએ પ્રસન્ન થઈને એ બન્ને મુક્તોને મંદિરમાંથી આવેલા પ્રસાદીના હાર પહેરાવ્યા ને રાજી કરી મળ્યા.
વળી જ્યારે ભૂજના સભામંડપનું ભર્યું કર્યું, ત્યારે બ્રાહ્મણોને જમાડવાનો ઠરાવ કરી નોતરાં ફેરવ્યાં હતાં. પછી બ્રાહ્મણો જમવા આવ્યા તે વખતે બાઈભાઈને જુદાં બેસાડવાની ગોઠવણ કરેલી, પણ બ્રાહ્મણો જુદા બેસવાની હા ન પાડે. તે વખતે મોટા મોટાઓને સમજાવવા માંડ્યા પણ કહે, ‘અમે અહીં મંદિરમાં જમીએ ને સ્ત્રીઓ બીજે જમે, એમ નહિ બને. જમાડવાં હોય તો અહીં જ અમે ભેળાં બેસીને જમશું.’ પછી સંતો વાડીએ ગયા ને હરિભક્તોએ જેમતેમ કરી બ્રાહ્મણોને સમજાવી એ કામ પાર પાડ્યું. એ વખતે ભાઈશ્રીએ સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને કહ્યું જે, ‘આવાંને ન જમાડો તો શું થાય?’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘ન જમાડીએ તો લોક નિંદા કરે, એટલા માટે જમાડવાં પડે છે, પણ પુણ્ય તો આ માંડવીના મુક્તરાજ લક્ષ્મીરામભાઈને ફક્ત પાશેર અન્ન જમાડીએ તેના પાસંગમાં અનંતકોટિ બ્રહ્માંડના બ્રાહ્મણો જમ્યાથી પણ ન થાય. એવા આ મહામુક્ત છે.’ તેમની આવી પ્રશંસા સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીએ કરી હતી.