૧૫૫ - લીરુબાઈ ધામમાં જતાં અદભુત ચમત્કાર

0:000:00

આ વખતે નારાયણપુરમાં જાદવજીભાઈના ઘરનાં લીરુબાઈ બહુ માંદાં રહેતાં; તેમણે મોટાં મોટાં બાઈઓ તથા મુક્તરાજ ધનબા આદિનો જોગ-સમાગમ કરેલો, તેથી મંદવાડમાં એ અખંડ મૂર્તિને સંભારતાં અને ઘરમાં પણ સૌને એમ કહેતાં જે, ‘આ ટાણે મારા પાસે કોઈ મહારાજ વિના બીજી વાત કાઢશો મા.’ પોતે તો સૂતાં સૂતાં, ‘હે મહારાજ! હે દયાળુ!’ એમ બોલ્યા જ કરતાં. આવાં શ્રીજીમહારાજનાં કૃપાપાત્ર આ બાઈને જાણી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી વૃષપુરથી તેમને દર્શન દેવા દરરોજ દિવસમાં એક વાર જતા. એમ કરતાં જે દિવસે તેને દેહ મૂકવાનો હતો તેને આગલે દિવસ કાંઈ કામને લીધે પોતાથી જવાણું નહોતું, તેથી તે બાઈએ કહ્યું, ‘ભાઈ! તમે મારી પાસે આવીને એક વાર ‘જય સ્વામિનારાયણ’ કરી જાઓ છો એટલામાં તો મનમાં શાંતિ શાંતિ ને સુખ સુખ થઈ જાય છે. રોજ ટાણું થાય ને હું સંભારું ત્યાં તો જાણે આવીને ઊભા જ છો. એક કાલ વાટ જોવરાવી ને આવ્યા નહિ. હવે આવતીકાલે કેમ કરશો?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘જરૂર આવશું. કાલ તો આવ્યા વિના છૂટકો જ નથી’ એમ મર્મમાં બોલ્યા પણ ઘરના કોઈ સમજી શક્યા નહિ. પછી બીજે દિવસ ભાઈશ્રીને આવ્યાનું ટાણું થયું ત્યારે આ લીરુબાઈને દિવ્યદર્શન થવા લાગ્યાં, તે જાણે શ્રીજીમહારાજની સાથે ભાઈશ્રી તથા અનંત મુક્ત વૃષપુરની કાળીતલાવડી પાસેથી માર્ગમાં રંગ ને ગુલાલ ઉડાડતા ને કીર્તન બોલતા ચાલ્યા આવે છે. આમ ધીરે ધીરે ચાલ્યા આવતા જ્યારે ગામની સમીપે આવ્યા, ત્યારે જાણે નકરું ચંદન વરસી રહ્યું છે ને આકાશમાંથી દેવતા ફૂલની વૃષ્ટિ કરે છે તથા સૌ મુક્તોએ ફૂલના હાર પહેર્યા છે ને અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ પછેડી ઓઢી છે, તે પર મહારાજે ઘણો રંગ-ગુલાલ નાખેલ હોવાથી તેમાં પણ સુગંધ સુગંધ થઈ રહી છે, -આવાં દર્શન જેમ પોતાની પાસે ઊભા હોય તેમ છેટેથી થયા કરે, તેથી પોતે ‘અહો! અહો!’ કરી પગે લાગતા હતા. એમ કરતાં મુક્તમંડળે સહિત શ્રીજીમહારાજ ઘરમાં પધાર્યા ત્યારે લીરુબાઈએ બેઠાં થઈને હાથ જોડ્યા ને ગદગદ કંઠે સ્તુતિ કરવા માંડી. તે જ વખતે ભાઈશ્રી પણ વૃષપુરથી આવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. ત્યારે લીરુબાઈ કહે, ‘ભાઈ! આજ શ્રીજીમહારાજની ને તમારી મારા પર બહુ દયા થઈ, આજ તો મને કૃતાર્થ કરી ને મારો જન્મ સફળ કર્યો.’ પછી ખંભે પછેડી જે રંગ-ગુલાલવાળી થઈ રહી હતી, તે જોઈને કહ્યું જે, ‘આ પછેડી મને આપો અને મને મહારાજના દિવ્ય સુખમાં મેલી દ્યો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમારો શ્રીજીમહારાજ સાથે હથેવાળો થયો ને હવે શું બાકી છે?’ પછી એમ બોલ્યા જે, ‘મૂર્તિમાં જ રાખશું હો! ફિકર રાખશો માં. તમે હવે મૂર્તિમાં જોડાઈ જાઓ.’ એમ કહી ‘જય સ્વામિનારાયણ’ કરી ભાઈશ્રી મંદિરમાં પધાર્યા. લીરુબાઈને તો અલૌકિક દિવ્ય દર્શન થયાં ત્યારથી શાંતિ શાંતિ થઈ ગઈ, ને નેત્રમાં પ્રેમનાં આંસુ આવતાં ‘અહો! અહો!’ કરે, હાથ જોડે, એમ અડધા કલાક જેટલું રહ્યું. આ મુક્તરાજ તો મંદિરમાં જઈ ધ્યાનમાં બેસી ગયા હતા. થોડી વારે આ બાઈએ દેહ મૂક્યો; પછી ભાઈશ્રીએ જે રંગ-ગુલાલવાળી પછેડી આપી હતી તે તેમના પર ઓઢાડતાં ઘરમાં ગુલાલ ને કુંકુમની ધોખડથી આખું ઘર રાતું થઈ ગયું ને તેમાંથી ચંદન-પુષ્પ તથા કુંકુમની સુગંધ ઘણી આવતી હતી. થોડી વારે ભાઈશ્રી ધ્યાનમાંથી જાગીને એ બાઈને અગ્નિસંસ્કાર કરવા ભેળા ચાલ્યા; ને દેવમાની પેઠે તેમને મહામુક્ત જાણી પોતે સંસ્કારવિધિ કર્યો. પછી જે હરિભક્તો ખરખરે આવે તેમને આ બાઈને દર્શન થયાં હતાં, તે વાત પોતે કરતા. ત્યાર પછી આ બાઈ વાંસે ભક્તચિંતામણિની કથા વંચાતી, તે વખતે પણ પોતે વચમાં આવીને બેસતા ને પ્રસંગે પ્રસંગે મહારાજના મહિમાની વાતો કરી પ્રસન્નતા જણાવતા. બપોરના વાડીએ નાહવા પધારે ત્યારે સાથે ઘણા હરિભક્તો જાય, ત્યાં પણ નવીન નવીન વાતો કરતા.