૫૬૭ - આથમણા સુખપુરમાં મૂર્તિપ્રતિષ્ઠા

0:000:00

એ વખતે આથમણા સુખપુરના હરિભક્તો લખમણ ભક્ત, ભીમજીભાઈ તથા કચરાભાઈએ આવી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘બાપા! અમારે ગામ મંદિરમાં મૂર્તિઓ પધરાવવાની છે, પણ હરિભક્તો બહુ ઝાઝું ખર્ચ કરી શકે તેમ નથી, તો ભૂજથી સંતો મૂર્તિઓ પધરાવવા આવે તે દિવસ તમે સંતોને લઈને પધારો તો ભારે કામ થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એમાં શું? તમો જાઓ ને મૂર્તિ પધરાવવા ટાણે અમો આવી પહોંચશું.’ આવાં વચનથી તેઓ રાજી થઈને ગયા. પછી પ્રતિષ્ઠાને બે દિવસ બાકી હતા ત્યારે પાછો કાગળ લખ્યો જે, ‘દયા કરી જરૂર પધારજો.’ એ કાગળ વાંચી પોતે એમ સંકલ્પ કર્યો જે, ‘સંતોને અહીં જ રાખીને હું એકલો જ જઈ આવું તો ઠીક.’ પછી એને એ વિચારે સ્વામીશ્રી આદિ કોઈને જણાવ્યા વિના પોતાના પુત્ર મનજીભાઈને સાથે લઈ પ્રતિષ્ઠાના દિવસે ત્યાં ગયા. ત્યાં તો સંત-હરિભક્તો વિધિ કરતા હતા, પણ સૌને એ વિચાર થયા કરે જે, ‘બાપાશ્રી તો આવ્યા નહિ ને મૂર્તિ પધરાવવાનું ટાણું થવા આવ્યું, હવે કેમ કરશું,’ –ત્યાં તો આ અનાદિ મુક્તરાજ પહોંચ્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યા. એ જોઈ સહુ આશ્ચર્ય પામ્યા. પછી એ જ વખતે પ્રતિષ્ઠા કરી આરતી ઉતારી સૌ ‘જય’ બોલ્યા અને ઠાકોરજીને થાળ જમાડી સહુને પ્રસાદી વહેંચી. એ રીતે પ્રતિષ્ઠાવિધિ થઈ રહ્યો ત્યારે હરિભક્તો કહે, ‘બાપા! આપ અહીં દયા કરી પધાર્યા, તેમ ઠાકોરજીને જમાડો તો અમને શાંતિ થાય.’ આવાં તેમનાં પ્રાર્થનાવચનથી ત્યાં બાપાશ્રી ઠાકોરજીને જમાડીને ચાલ્યા, ત્યારે ઘણા હરિભક્તો વળાવવા આવ્યા. તેમને પાછા વાળી સાંજના પાંચ વાગ્યે પોતે વૃષપુર પધાર્યા. પછી સ્વામીશ્રી આદિ સંતોએ પૂછ્યું જે, ‘આજ તો બહુ વાટ જોવરાવી. આવું શું ચરિત્ર કર્યું?’ ત્યારે પોતે વિસ્તારીને વાત કરી, તેથી સંતો રાજી થયા.