૧૫ – આજ્ઞા વચન અને ધર્મસંકટ!
એક વખત આ મુક્તરાજ પોતાના મામાને ઘેર જતા હતા. માર્ગમાં કોઈનો સોનાનો હાર પડેલો જોયો. પછી વિચાર કર્યો જે, આને અડીશ તો મહારાજના વાંકમાં આવીશ, અને કોઈ બીજો લઈ જશે તો એનો ધણી ગોતતો ગોતતો આવશે તો જડશે નહિ, એમ વિચારી પગેથી ખાડો કરી માથે અટાર (ધૂડ) વાળી દીધી. પછી વિચાર થયો તેથી ત્યાં ઘણી વાર બેઠા. ત્યાં તો જેનો હાર ખોવાણો હતો તે ઘોડે બેસીને ગોતતો ગોતતો આવ્યો ને પૂછવા લાગ્યો જે, ‘ભાઈ! તમે માર્ગમાં ક્યાંઈ સોનાનો હાર જોયો?’ ત્યારે આ મુક્તરાજ કહે, ‘મેં બરાબર જોયો તો નહિ, પણ દાટ્યો છે.’ એમ કહીને તેને વાત કરી જે, ‘અમારા ભગવાનનું વચન છે જે, કોઈની પડી વસ્તુ લેવી નહિ.’ પણ મેં વિચાર કર્યા વિના ઉતાવળા થઈ માથે અટાર વાળી; તેથી બે વાતે દુ:ખ થયું. લઉં તોય વચન લોપાય, ને ઢાંકેલ છે ને જાઉં ને એનો ધણી આવે ને જડે નહિ, તોય વાંકમાં આવું. અટાર કાઢી લઉં ને કોઈ બીજો લઈ જાય તોય ઠીક નહિ, આમ ધર્મસંકટ આવ્યું જાણી ભગવાનને સંભારતો હતો ત્યાં તમે આવ્યા, તે હવે મારો છૂટકો થયો.’ આવાં વચન સાંભાળી જેનો હાર ખોવાણો હતો તે બહુ રાજી થયો ને તેને આ મુક્તરાજનો તથા સત્સંગનો ઘણો ગુણ આવ્યો.