૧૩૭ - અ. મુ. ભાઈશ્રી ગઢપુર આવ્યા

0:000:00

ત્યાર પછી એક વખત અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા જાદવજીભાઈ અને દેવરાજભાઈ આદિ તથા બીજા ઘણા હરિભક્તોનો મોટો સમૂહ એકત્ર થઈ ગુજરાત તથા કાઠિયાવાડમાં મોટાં મોટાં ધામનાં દર્શન કરવા નીકળ્યો. ત્યારે પ્રથમ ભાઈશ્રીએ રામજીભાઈને કાગળમાં લખી જણાવ્યું જે, ‘અમે અહીંથી નીકળ્યા છીએ, તે જૂનાગઢ તથા ગઢપુર વગેરે ધામોમાં દર્શન કરી અમદાવાદ આવશું.’ આ કાગળ વાંચી ગણતરી પ્રમાણે તે ગઢડે જવા નિંગાળે આવ્યા ને ત્યાંથી ગઢડાનો એકો ભાડે કરતાં પહેલાં તે એકાવાળાને પૂછ્યું જે, ‘ગઢડામાં કચ્છના કોઈ આવ્યા છે?’ ત્યારે તે કહે, ‘ઘેરવાળાં કેડિયાં ને સુંથણાં પહેરેલા એવા કેટલાક માણસો હતા ખરા!’ આવા સમાચાર સાંભળી પોતે એકાવાળાને એકો ઉતાવળો દોડાવવાનું કહી થોડી વારમાં ગઢડે પહોંચ્યા ને મંદિર પર ચડતાં જ હરિભક્તોએ સહિત આ મુક્તરાજને ઠાકોરજીની પ્રદક્ષિણા કરતા જોઈ એકાવાળાને પાછો વાળી એક રૂપિયો ઇનામ આપ્યો. ભાઈશ્રીએ પૂછ્યું તો કહે, ‘તેણે આપની વધામણી ખાધી હતી, તેથી તેને એક હજાર રૂપિયા આપ્યા હોય તોય થોડા થાય.’ એમ કહી ત્યાંથી જ તે તો ભેળા ને ભેળા ચાલ્યા. પછી તો ભાઈશ્રી તથા સંઘના હરિભક્તોની હર્ષભર્યા સેવા કરતા આવે, તે જાણે પ્રેમમાં ને પ્રેમમાં ગાંડા થઈ જશે કે શું, એવું જણાય. વળી જે કોઈ ભાઈશ્રીનાં દર્શન કરવા આવે તેને હાથ જોડે, પગે અડે ને આ મુક્તરાજનો મહિમા કહે જે, ‘અહો! આ દિવ્ય સ્વરૂપ ક્યાંથી! આ તો દયા કરી આપણા માટે પધાર્યા છે, બહુ જબરા છે, મહિમા જાણજો,’ –એમ કહેતા આવે. ભાઈશ્રી ના પાડે તોય એ બોલ્યા કરે. પછી એમ ને એમ મૂળી, લખતર થઈને સૌને ઉપરદળ તેડી ગયા ને ત્યાં પણ પોતે બહુ જ હેત જણાવી સૌને જમાડે, સેવા કરે ને રાજી થાય. ગામમાં સૌને મહિમા કહે, એમ બે દિવસ રોક્યા. તે વખતે તેમણે (વૃષપુરથી દેશમાં આવતી વખતે) પોતાના અંગ સોંસરુ તેજ નીકળી વૃષપુર તરફ ગયું હતું, તે વાત પૂછી ત્યારે ભાઈશ્રી કહે, ‘એ તો તમને સંકલ્પ થયો હતો, તેથી મહારાજ ને મોટાએ એમ દેખાડી તમને રાજી કર્યા હતા.’ આવી રીતે ઉપરદળના હરિભક્તો બાઈ, ભાઈ સૌને દર્શનથી સુખિયાં કરતાં ભાઈશ્રીએ સંઘે સહિત ભાયલા, કેસરડી આદિ ગામોમાં થઈ ધોળકે જઈ દર્શન કર્યા. ત્યાંથી જેતલપુર જઈ શ્રીજીમહારાજ તથા યજ્ઞકુંડ, મહોલ, આસોપાલવ, બોરસડી આદિ પ્રાસાદિક સ્થાનનાં દર્શન કરતાં એક દિવસ રહી સૌ અમદાવાદ ગયા.