૨૪૮ - સંતો પર પ્રસન્નતા ને આજ્ઞા

0:000:00

એક દિવસ બાપાશ્રી કહે, ‘સ્વામી! તમો જ્યારે આ દેશમાં આવો છો, ત્યારે વધુ અહીં ને અહીં રહો છો; તેથી ગામડાંના હરિભક્તોને પોતાના ગામમાં લઈ જવાની તાણ મટતી નથી, તો તમે આજે અહીંથી સાંજના નારાયણપુર જાઓ ને ત્યાંથી દહીંસરા, રામપુર, સામત્રા, માનકૂવા, ભારાસર, સુખપુર વગેરે ગામોમાં ફરીને હરિભક્તોને ખૂબ રાજી કરો. જો તમે રાજી થઈને જાઓ તો ભલે, નહિ તો સુખે અહીં રહો.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘અમે તો આપને રાજી કરવા અહીં આવીએ છીએ, તેથી તમે પાસે રાખ્યે રાજી હો તો પાસે રહીએ, છેટે જવાનું કહો તો તેમ કરીએ. આજે આવ્યા હોઈએ ને કાલે રજા આપો તોય રાજી થઈને દેશમાં જઈએ, કેમ કે અમે આપના રાજીપામાં સુખ માન્યું છે.’ આવાં વચન સાંભળી બાપાશ્રી ઘણા રાજી થયા; પછી બપોરે વાડીએ નાહવા ગયા, ત્યારે સંતોને તથા પ્રાણશંકરભાઈને પોતે પાણી કાઢી નવરાવવા મંડ્યા, પણ સંતોએ ના પાડી જે, ‘આટલું બધું આપને શું કરવા કરવું પડે છે?’ ત્યારે પોતે એવાં મહિમાનાં વચનો કહ્યાં જે, ‘તમારા જેવા સંતનો જેટલો મહિમા જાણીએ તેટલો ઓછો છે. તમે તો મહારાજની મૂર્તિમાંથી સુખ લઈને સત્સંગમાં પ્રવર્તાવો છો. જેમ વરસાદ ચાર ખાણના જીવને સુખિયા કરે છે, તેમ તમે મહારાજનો રસ લઈને સૌને સુખિયા કરો છો.’ એમ કહી પરસ્પર નવરાવી મળ્યા ને બહુ પ્રસન્નતા જણાવી.

પછી મંદિરમાં આવી બન્ને સદ્‍ગુરુઓ તથા સંતોને કહ્યું જે, ‘તમને એટલા માટે જવાનું કહું છું કે, ગામડાંના હરિભક્તોને તમારી તાણ ઘણી રહે છે, તે પૂરી થાય ને આપણે તો સદાય ભેળા જ છીએ,’ –એમ કહી સૌને મળ્યા; પછી સંતો ત્યાંથી નારાયણપુર ગયા. ત્યાં પાંચ દિવસ રહ્યા ત્યાં સુધી બાપાશ્રી દરરોજ સવારે ઠાકોરજીને જમાડી નારાયણપુર જાય ને સાંજે વૃષપુર આવે. કોઈ વાર ધનજીભાઈ બહુ તાણ કરે તો રાત રહી જાય. પછી સંતો ત્યાંથી દહીંસરા, રામપુર વગેરે ગામોમાં હરિભક્તોને કથાવાર્તાએ સુખિયા કરતા ગામડાંમાં દોઢ મહિના જેટલું રહ્યા.