૭૧૪ - જમવાની અરુચિ તથા ભલામણ-વચન

0:000:00

બાપાશ્રીનાં આવાં વચન સાંભળી કાનજીભાઈ, મનજીભાઈ, પૌત્ર માવજી, જાદવજી, સેવક પ્રેમજી તથા હીરજીભાઈ, જાદવજીભાઈ અને નારાયણપુરવાળા ખીમજીભાઈ આદિ પાસે ઊભેલા તે સર્વે અતિ ઉદાસ થઈ ગયા ને સૌની આંખોમાં આંસુ પડવા લાગ્યાં. તે જોઈ બાપાશ્રી કહે, ‘બચ્ચા! તમે કોઈ દિલગીર મ થાઓ. તમને સૌને મૂર્તિમાં રાખ્યા છે, તેથી આપણે સદાય ભેળા જ છીએ,’ -એમ બોલતાં કાનજીભાઈ તથા મનજીભાઈના માથે હાથ મૂક્યા, તેથી એ બન્નેનાં હૃદય ભરાઈ આવ્યાં. તે જોઈ પોતે બોલ્યા જે, ‘તમે સાવ આમ ઉદાસ ન થાઓ. સ્વામી ઈશ્વરચરણદાસજી આવશે, ત્યારે તમને બધુંય ઠીક કરી દેશે,’ -એમ ધીરજ આપી વાડીએ પધાર્યા, ત્યાં ગાડીમાંથી ઊતરતી વખતે જ સેવકોને કહ્યું, ‘મને કૂવાના થાળામાં બેસારી મારા પર ખૂબ પાણી રેડો તો ગરમી મટે.’ તે વખતે સૌએ પ્રાર્થના કરી જે, ‘બાપા! આપને ઠીક નથી ને શરીર પર પાણી નાખીએ તે કરતાં વાયરો નાખીએ તો?’ ત્યારે પોતે કહ્યું જે, ‘તમે હું કહું તેમ કરો,’ -એમ કહી ઘણી વાર પાણી રેડાવ્યું. પછી ખીમજીભાઈ કહે ‘બાપા! હવે પાણી રાખો તો ઠીક!’ ત્યારે કહે, ‘ભલે!’ એમ કહી ધોતિયું બદલાવી ખાટલા પર આવીને સૂતા. એ વખતે નારાયણપુરથી હરિભક્તો દર્શને આવેલા, તેમણે ઘેરથી લાવેલ થાળમાંથી જમવા માટે પ્રાર્થના કરી, પણ પોતે રુચિ જણાવી નહિ, તોપણ બહુ તાણ કરી, ત્યારે એક ગ્રાસ જમ્યા ને બોલ્યા જે, ‘હવે મને કાંઈ જમવાની રુચિ જ થતી નથી.’ પછી હરિભક્તો હજારી ફૂલના હાર લાવેલા તે પહેરાવ્યા, ત્યારે પોતે તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘આમ ને આમ મૂર્તિમાં રહી મૂર્તિનાં સુખ ભોગવજો.’ પછી પોતે ઊઠવા લાગ્યા ત્યારે સેવકોએ કહ્યું, ‘બાપા! કેમ ઊઠો છો?’ તો કહે, ‘મારે લઘુ કરવા જવું છે, તે મારો હાથ ઝાલો.’ પછી સેવકોએ હાથ ઝાલી ઉઠાડ્યા ત્યારે થોડેક છેટે જઈ લઘુ કર્યું ને ઊઠીને પાછું આગળ ચાલવા માંડ્યું ત્યારે મનજીભાઈ કહે, ‘બાપા! આમ ક્યાં જશો?’ ત્યારે કહે, ‘હજી મારે નાહવું છે.’ તે વખતે ઘણી પ્રાર્થના કરી તોપણ નાહવાની રુચિ જણાવી, તેથી થોડીવાર નવરાવી પાછા ખાટલામાં સુવાર્યા, તે સમે બાપાશ્રીનું શરીર સાવ ટાઢું પડી જતાં સૌ મૂંઝાવા મંડ્યા ને મનજીભાઈ તો ઉતાવળા ઘેર ગયા. ત્યાં રામપુરથી હરિભક્ત દર્શને આવેલ તેમણે તથા ઘરના સહુએ સમાચાર પૂછતાં વાડીએ બનેલ બધી હકીકત કહી, તેથી સહુ ઉદાસ થઈ ગયા ને હરિભક્તોને માંચી લઈને મોકલ્યા, એટલે તે માંચીમાં બેસારી ઘેર તેડી લાવ્યા; પછી બહુ નાહવાથી ઠંડક થઈ ગઈ છે, એમ જાણી પાતળી રાબ કરી બાપાશ્રીને પાવા સારુ લાવ્યા ને કહ્યું જે, ‘બાપા! થોડી રાબ પીઓ!’ ત્યારે બાપાશ્રી કહે, હવે મને એક મૂર્તિના સુખ વિના બીજું રુચતું નથી, માટે કોઈ જમવાનું પૂછશો નહિ.’ એમ કહી પોઢી ગયા.

બાપાશ્રીના આ રીતના મંદવાડથી પુત્ર-પૌત્રાદિક તથા બીજા કોઈને કાંઈ સૂજે નહિ, તેથી ભૂજ, રામપુર આદિ ગામોમાં ખબર મોક્લાવવાથી લાલશંકરભાઈ, મગનભાઈ, મોતીભાઈ વગેરે ભૂજથી આવ્યા, તે સહુએ દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા, પણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ; પછી બહુ પ્રાર્થના કરી ત્યારે નેત્ર ઉઘાડી સૌના સામું જોઈ પાછા તુરત જ નેત્ર મીંચી ગયા. ઘરમાં સમાચાર પૂછતાં જાણ્યું જે, ‘બાપાશ્રીએ સવારથી મંદવાડ વધુ જણાવ્યો છે.’ ત્યાર પછી રામપુરથી દેવરાજભાઈ આવ્યા, તેમણે દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ,’ કર્યા, પણ કાંઈ બોલ્યા નહિ તેથી જાણ્યું જે, ‘બાપાશ્રી ઊંડા ઊતરી ગયા છે તે બોલશે નહિ.’ એમ વિચારી એ તો અંતર્વૃત્તિએ પ્રાર્થના કરતા પાસે બેઠા. બીજું શું કરે! પછી તો બાપાશ્રી જ્યારે લઘુ કરવા ઊઠતા, ત્યારે સેવક લઘુ કરાવતા ને પાણી પીવું હોય ત્યારે સાન કરે, એટલે સેવક પાણી પાતા, પણ કોઈ સાથે પોતે વાત ન કરે તેમ બહુ નેત્ર પણ ઉઘાડે નહિ. કોઈ પ્રાર્થના કરે ત્યારે જરા નેત્ર ઉઘાડી સામું જુએ, પણ પાછા તુર્તજ નેત્ર મીંચી લે.

આ રીતના બાપાશ્રીના મંદવાડની જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ હરિભક્તો દર્શને આવવા લાગ્યા. આવીને સહુ હાથ જોડે, દંડવત્ કરી પ્રાર્થના કરે, પણ બાપાશ્રી કોઈ સાથે કાંઈ બોલે નહિ, તેથી ઘરમાં સહુ મૂંઝાય. આવા સમાચાર સાંભળી ભૂજના સંતો તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ઘેલાભાઈ વગેરે હેતવાળા હરિભક્તો પણ આવ્યા. તે સહુએ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી ઘેર આવી બાપાશ્રીને દંડવત્ કરી જય ‘સ્વામિનારાયણ’ કર્યા, પણ બાપાશ્રી તો કાંઈ બોલે જ નહિ. પછી તો સંત-હરિભક્તો ઊંચે સાદે કીર્તન બોલ્યા ને વચનામૃત વાંચી ઘણી વાર ધૂન્ય કરી, તોપણ બાપાશ્રી કાંઈ બોલ્યા જ નહિ. આથી સહુ વધુ ઉદાસ થયા. પછી તો ભૂજમાંથી ને ગામડાઓમાંથી હરિભક્તો આવી આવીને દર્શન કરવા લાગ્યા ને સાંજના સંતો તથા ભોગીલાલભાઈ આદિ કેટલાક હરિભક્તો પાછા ગયા, પણ કોઈને કાંઈ ચેન પડે નહિ.