૧૧ - સદ્‍ગુરુ સ્વામી અચ્યુતદાસજીને સમાધિ થઈ

0:000:00

એક વાર ભૂજના મંદિરમાં સદ્‍ગુરુ સ્વામી અચ્યુતદાસજી ભંડારમાં રોટલા કરતા હતા, તેમને મૂર્તિમાં વૃત્તિ રાખતાં સમાધિ થઈ ગઈ, એટલે તાવડીમાં રોટલો નાખેલો ને એમ ને એમ તાવડી પર હાથ પડી રહ્યો. એ જ વખતે ઓચિંતાના આ મુક્તરાજ ઠાકોરજીનાં દર્શન કરી સભામાં થઈ ભંડાર પાસે આવ્યા, ત્યાં બારણા પાસે સ્વામીશ્રીના સાધુ રઘુવીરચરણદાસજી ઊભા હતા તેને ‘જય સ્વામિનારાયણ’ કરી કહ્યું કે, ‘તમે ભંડારમાં ઉતાવળા જાઓ, સ્વામીનો હાથ દાઝશે, એમને સમાધિ થઈ ગઈ છે.’ આ વચન સાંભળી ઉતાવળા એ સાધુએ અંદર જઈને જોયું તો સ્વામીશ્રીનો હાથ તાવડી ઉપર જ હતો, તે તુરત ઉપાડી લઈ સ્વામીશ્રીને આસન પર લઈ લીધા; પછી બહાર આવી જોયું તો આ મુક્તરાજને મંદિરમાં ક્યાંય ન દીઠા. આથી સંતો આશ્ચર્ય પામતા કહેવા લાગ્યા જે, ‘આ મુક્તરાજ દિવ્યસ્વરૂપે કહી ગયા કે શું? આમાં કાંઈ સમજાણું નહિ.’ આવો અલૌકિકભાવ જણાવતાં છતાં પોતે નિર્માનીપણું પણ એવું જ રાખતા.