૫૭૬ - બાપાશ્રી ઘોડી પરથી પડી ગયા
હવે બાપાશ્રી અહીંથી ગયા પછી શું થયું? તો વાડીમાં જવાના વોંકળામાંથી ઉત્તરાદે પડખે નાનો માર્ગ હતો, તેમાંથી પોતે ઘોડીને હાંકીને જતા હતા પણ ઘોડી પર બેસી ધ્યાન કરતા હોય કે ગમે તેમ, પણ ઓચિંતાના ઘોડી પરથી પડી ગયા. નીચે રેતી હતી એટલે બહુ લાગ્યું નહિ, પણ એક નાનો પાણો હેઠે પડ્યો હતો તે ડાબા પડખામાં લાગ્યો તેથી થોડી વાર ઉઠાણું નહિ, પણ ઘોડી એમ ને એમ પડખે ઊભી થઈ રહેલી, તેનો પગ ઝાલીને પોતે બેઠા થયા ને ધીરે ધીરે વાડીમાં આવ્યા. ત્યાં લૂગડાં બધાં ધૂડવાળાં થયેલાં ને ચાલવામાં પણ કાંઈ લાગ્યું હોય તેમ જણાતાં સહુ પૂછવા લાગ્યા કે, ‘બાપા! આમ કેમ?’ ત્યારે કહે, ‘મને સરત ન રહી ને જરા ઘોડી પરથી પડી જવાણું છે.’ પછી તો પુત્ર-પૌત્રાદિકે મળી ત્યાં જ સૂવાર્યા ને શેક ચાલતો કર્યો, તેથી ઊંઘ આવી ગઈ હોય તેમ જણાતાં શેક બંધ કર્યો. પછી મોડેથી જાગ્રત થયા ત્યારે પોતાને એમ થયું જે, ‘શેક કર્યો છે તે હવે ચાલતાં દુ:ખે છે કે કેમ?’ એ જોવા પોતે મંદિર જવા માટે ચાલવા માંડ્યું, પણ ડાબે પડખે દુ:ખ વધુ જણાતાં ચાલી શકાયું નહિ, તેથી બાપાશ્રીના નાના પુત્ર મનજીભાઈ ગાડીમાં બેસારી મંદિરમાં લાવ્યા. ત્યાં પણ સંતો હતા એટલે હળદર ભરાવી હરિભક્તો પાસે શેક કરાવવા માંડ્યો, પણ પોતાને બહુ ગરમી જણાવાથી વધુ શેક કરવાની ના પાડી. આ વાતની આસપાસનાં ગામડાંઓમાં ખબર પડતાં કેટલાક હરિભક્તો દર્શન કરવા આવી ગયા. સૌ આવીને દંડવત્ કરે, હાથ જોડે ને મહારાજને પ્રાર્થના કરે જે, ‘બાપાશ્રી તુરત સાજા થઈ જાય તો ઠીક!’