૪૮૩ - સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને તાર કરી તેડાવ્યા

0:000:00

બાપાશ્રી વૃષપુરમાં આવ્યા ત્યારે યજ્ઞની સામગ્રી બધી તૈયાર થતી હતી અને હનુમાનજીની મૂર્તિનું કામ જે અધૂરું હતું તે પણ પૂરું થઈ ગયું, એટલે હવે તો અમદાવાદથી સદ્‍ગુરુઓને બોલાવવાનું રહ્યું. પોતે ઘડાણી ગયા પહેલાં સ્વામીશ્રીને તેડાવવાનો કાગળ લખી નાખેલો, પણ પાછળથી એવો જવાબ આવ્યો હતો જે, ‘સ્વામીશ્રી હાલ ઝરીઆ તરફ પધાર્યા છે ને તેમને આપનો કાગળ મોકલી આપ્યો છે. આપ પણ એમને તાર કે કાગળ લખાવશો.’ આવા સમાચારથી બાપાશ્રી વિચારમાં પડી ગયા કે, આવા મોટા કામમાં સ્વામી ઈશ્વરચરણદાસજી વિના કેમ ચાલે!’ એમ જાણી પોતે તાર કરાવ્યો કે, ‘તમારી યજ્ઞના કામમાં ખાસ જરૂર છે, માટે તરત આવો.’ અને એવો બીજો તાર મિસ્ત્રી ગોવાભાઈ પાસે અમરશીભાઈ ઉપર કરાવ્યો કે, ‘સ્વામી ઈશ્વરચરણદાસજીને અહીં જલદી મોકલો; બાપાશ્રી તેડાવે છે.’ આ બન્ને તાર પહોંચતાં સ્વામીશ્રી તથા બીજા સદ્‍ગુરુઓ અને સંતો અમદાવાદ થઈને તુરત કચ્છમાં આવી પહોંચ્યા. બાપાશ્રી પણ હરિનવમીને દિવસ ભૂજ દર્શને ગયા, ત્યાં એક દિવસ રોકાઈ સંતોને વહેલા આવવાની ભલામણ કરી વૃષપુર આવ્યા. ગામડાંના હરિભક્તોને જુદાં જુદાં કામ વહેંચી દીધેલાં ને ગામના હરિભક્તોને તો કહેવાની જરૂર જેવું નહોતું; કારણ કે તેમણે તો પ્રથમથી જ ઘટે તેવાં કામ સહુ સહુએ વહેંચી લીધાં હતાં. આ રીતે બધી ગોઠવણ કરી હતી.