૬૨૧ - સદગુરુ સ્વામી રઘુવીરચરણદાસજી આવ્યા

0:000:00

ત્યાર પછી ફાગણ સુદ દશમને દિવસે વડતાલના સદ્‍ગુરુ સ્વામી રઘુવીરચરણદાસજી મંડળે સહિત બાપાશ્રીનાં દર્શન-સમાગમ અર્થે વૃષપુરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં, ત્યાં તો બાપાશ્રી તેમને ઊભા થઈ દંડવત્ કરવા મંડ્યા; ત્યારે તેમણે ઉતાવળા સામા જઈ બાપાશ્રીને ઝાલી લીધા ને કહ્યું જે, ‘ભાઈ! તમે આ શું કરો છો? અમે તમારાં દર્શન અને રાજીપા માટે આટલે છેટેથી અહીં આવ્યા છીએ ને તમે અમારો મહિમા જણાવો, પછી અમે તમને શું કહી શકીએ? અમને તો તમારે દયા કરી મહારાજના સુખની વાતો કરવી ને આશીર્વાદ આપવા. અમે સત્સંગમાં આપના જેવા મોટા મુક્તને રાજી કરવા આવ્યા છીએ.’ આમ ઘણાં વિનયવચનો કહ્યાં, તેથી બાપાશ્રી બહુ રાજી થયા ને તેમની સાથે સાંજ સુધી મહારાજના મહિમાની વાતો કરી. રાત્રે છેલ્લી કથા થઈ રહ્યા પછી એ સંતો બાપાશ્રીના આસને આવીને બેઠા, ત્યારે પણ બહુ વાર વાતો કરી કહ્યું જે, ‘સ્વામી! તમે હવે આસન કરો, અમને તો શરીરમાં ઠીક નહિ, એટલે રાતદિવસ મહારાજને સંભારી આસને કે વાડીએ સૂતા રહીએ, પણ તમને આજ માર્ગમાં આવતાં પરિશ્રમ થયો હશે, તેથી જરા મહારાજને પોઢાડો.’ એમ કહ્યું તેથી તે સંતો આસને ગયા.