૧૪૫ - છપૈયાપુરનો મહિમા તથા ચમત્કાર

0:000:00

ત્યાં શ્રીજીમહારાજ તથા જન્મસ્થાનનાં દર્શન કર્યાં, તેથી સૌને આનંદ આનંદ થઈ રહ્યો; એ વખતે છપૈયામાં સંતો હતા, તે પણ આ દિવ્ય સંઘના દર્શનથી બહુ જ રાજી થયા; પછી મંદિરમાં ને જન્મસ્થાન આદિમાં આ મુક્તમંડળ દર્શન કરવા જાય ત્યારે સંતો મંદિરનાં બારણાં ઉઘાડી નાખે ને ઠાકોરજીના પ્રસાદી-હાર આ મુક્તરાજને પહેરાવે, તેમ જ સૌને પાનબીડાં આપે, તે વખતે મંદ મંદ હસતા મહાપ્રભુ જાણે સિંહાસનમાંથી ઊઠીને આ મુક્તરાજ ભેટશે કે શું? એવી પ્રસન્નતાથી દર્શન આપતા જણાય. આવા દિવ્ય ધામમાં આ મુક્તરાજ પધારવાથી સર્વે ઠેકાણે મહાપ્રભુનાં નવીન નવીન એવાં તો દર્શન થતાં કે તે તો જે સાથે હતા તે જ જાણે. સર્વત્ર ચંદનપુષ્પની વૃષ્ટિ થતી હોય તે રીતે જ્યાં જ્યાં બેઠા હોય ત્યાં ત્યાં સુગંધ આવ્યા જ કરે. માનસીપૂજા કે પૂજા કરતાં અથવા ધ્યાન કરતાં મહારાજનું સ્વરૂપ સહેજે દેખાય. નારાયણ સરોવર, ખાંપા તળાવડી, વિશ્વામિત્રી, મખોડાઘાટ વગેરે સ્થળે દર્શન કરતાં તથા સ્નાન કરતાં એકબીજા પર જળ ઉછાળી નાહ્ય; તે વખતે હેતવાળા સંત, હરિભક્તોનાં નામ લઈ નાહતા જળમાં મળે. દહીંસરાવાળા ખીમજીભાઈને હેત ઘણું હોવાથી તે તો વારે વારે કહે, ‘બાપા! આ ફેરે તો ન્યાલ થયા. ભારે સુખ આવ્યું. અહો! આવો જોગ ક્યાંથી?’ એમ કહી તેમના પિતા કેસરાભાઈની વતી મળે, પ્રાર્થના કરે.

વળી જ્યારે ભાઈશ્રી સભામાં બેઠા હોય ત્યારે સંતોના આગ્રહથી કોઈ વાર વાતો કરે, તેમાં પણ બહુ જ મહિમા જણાવે ને કહે જે, ‘મહારાજની મૂર્તિમાંથી અનંત અપાર સુખના ફુવારા છૂટે છે, આ સ્થાન બહુ ભારે છે. આ દિવ્ય મૂર્તિ ને આ દિવ્ય સ્થાન તો જુઓ! આ તો અક્ષરધામ તુલ્ય કહેવાય. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો અનંત જન્મનાં પાપ બળી જાય. શ્રીજીમહારાજે આપણને ન્યાલ કર્યા. ક્યાં અક્ષરધામ ને ક્યાં એ ધામના ધણી ને ક્યાં એ મૂર્તિના સુખભોકતા મુક્ત! આ તો ભારે વાત બની ગઈ છે. આવા જોગમાં રહી જવું નહિ. મહારાજની સૌ ઉપર અમૃતનજર છે. આપણે પણ એ મૂર્તિ વિના ક્યાંય સુખ માનવું નહિ. આ વસ્તુ જેમ છે તેમ ઓળખાય તો તેને અર્થે શું ન થાય? મહારાજે આપણો હાથ ઝાલ્યો છે, તે હવે મૂકે તેવા નથી. બહુ દયાળુ છે. પણ દેહ રહે ત્યાં સુધી તેમનું કોઈ વચન લોપવું નહિ, એટલું આપણે કરવું.’

એક દિવસ જન્મસ્થાનનાં દર્શન કરતાં પોતે એમ બોલ્યા જે, ‘શ્રીજીમહારાજે અક્ષરધામમાંથી પાધરા જ આ સ્થાનમાં દર્શન દીધાં, એવા આ દિવ્ય સ્થાનનું માહાત્મ્ય કોણ કહી શકે? આપણે પણ ચૈતન્યને મૂર્તિરૂપ કરી ધામની મૂર્તિ સાથે એકતા કરવી, એટલે ‘ત્યાં-ને-અહીં’ એમ રહે નહિ. મનુષ્યરૂપ એ જ દિવ્ય રૂપ છે, ને દિવ્યરૂપ એ જ મનુષ્યરૂપ છે. જેટલો ફેર જણાય છે તેટલો જોનારની દૃષ્ટિનો ફેર છે. મુક્ત તો સદાય એવા ને એવા જ દેખે છે ને અખંડ મૂર્તિ સાથે રસબસ જોડાઈ રહ્યા છે.’ આમ વાતો કરતાં ને સવાર-સાંજ પ્રાસાદિક સ્થાનનાં-અલૌકિક ભાવે દર્શન કરતાં સૌને બહુ જ સુખ આવ્યું.

એક દિવસ સવારના દસ વાગ્યે ભાઈશ્રી એમ બોલ્યા જે, ‘અમારે નાહવું જોશે.’ પછી પ્રેમજીભાઈ સાથે હતા તેને કહ્યું જે, ‘મને નવરાવો.’ એમ કહી ગંગાજળીએ કૂવે પોતે નાહ્યા. તે જોઈ ખીમજીભાઈએ પૂછ્યું જે, ‘બાપા! બહિભૂર્મિ નહોતું જવું ને એમ ને એમ કેમ નાહ્યા?’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘રામપુરના કાનજી વસરામની દીકરી આ ટાણે દેહ મૂકી ગઈ, તેને મહારાજ ભેગા જઈને ધામમાં મૂકી આવ્યા. એ અમારા કુટુંબમાં છે, તે આ લોકની રીતે નાહવું જોઈએ તેથી નાહ્યા.’

એક દિવસ સાંજના ચાર વાગ્યાને સમયે ભાઈશ્રી તથા પ્રેમજીભાઈએ ઠાકોરજીનાં દર્શન કરી જન્મસ્થાન પાસે ઓટે દર્શન કર્યા, ત્યાં તો ઓચિંતો વરસાદ આવ્યો. તે વખતે બાપાશ્રી ઉતાવળા પ્રેમજીભાઈ સાથે મંદિરના પરથાર પર આવી બેસી રહ્યા. ઘણી વાર વરસાદ વરસતો જોઈ પ્રેમજીભાઈ કહે, ‘બાપા! અહીં ઘણો વરસાદ થયો. આવો વરસાદ કચ્છમાં થયો હશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘પ્રેમજી! કચ્છમાં તો હજી વરસાદ થયો નથી, તેમ થવાનો પણ નથી, પણ તમારે એ વાતની ચિંતા ન કરવી.’ ત્યારે પ્રેમજીભાઈ કહે, ‘ભલે બાપા!’ પછી વરસાદ બંધ રહ્યો અને સંધ્યાઆરતી થઈ, એટલે આરતીધૂન્ય કરી સભામાં કથાવાર્તા આદિ નિયમ કર્યા; પછી મોડેથી આસને આવી સૂતા, પણ પ્રેમજીભાઈને સંકલ્પ મટે નહિ, તેથી એ સૂતા સૂતા એવા વિચાર કરવા લાગ્યા જે, ‘ભાઈશ્રી અમદાવાદથી પાછા વળવાના છે એમ મેં જાણ્યું હતું, પણ માર્ગમાં ખબર પડી કે છપૈયે પણ જવું છે. આ ખબર મને પ્રથમથી જ હોત તો ખેતીના કામની છોકરાને ભલામણ કરી લેત. પણ હવે તો વરસાદ થવાનો નથી એટલે શું થાય? જેવી મહારાજની મરજી! ત્યાં તો જે બન્યું હોય તે ખરું! આવા તેમને વિચાર થતા જાણી રાત્રે બાર વાગ્યા ટાણે આ મુક્તરાજે તેને ઉઠાડીને કહ્યું જે, ‘પ્રેમજીભાઈ! મારે નાહવું છે, તેથી ભેળા ચાલો.’ એમ કહેવાથી તે સાથે ચાલ્યા. દરવાજા આગળ પહોંચ્યા ત્યારે પ્રેમજીભાઈ કહે, ‘ભાઈ! દરવાજો બંધ છે.’ પછી તેને ભાઈશ્રી કહે, ‘જરા આંખો મીંચો.’ એટલે તુરત જ તેમણે આંખો મીંચીને ઉઘાડી ત્યાં તો બન્ને નારાયણસરને કાંઠે આવ્યા. આ બનાવથી એ તો રાજી રાજી થઈ ગયા ને લોટો ભરવા જતા હતા, ત્યારે ભાઈશ્રી કહે, ‘ઉતાવળ નથી, અહીં બેસો, હવા ઠીક આવે છે.’ એમ કહે છે ત્યાં તો આકાશમાંથી હમહમાટ કરતું વિમાન આવ્યું ને કાંઠા પર ઊભું રહ્યું, પછી ભાઈશ્રી ઊભા થઈ માંહી બેઠા ને પ્રેમજીભાઈને કહે, ‘આવો, બેસો.’ તેમને મંદિરમાંથી આંખો મિંચાવી પ્રથમ નારાયણસર લાવેલ તે આશ્ચર્યનો આનંદ ઊભરાતો હતો, ત્યાં આ દિવ્ય ચરિત્ર જોયું તેથી હર્ષભર્યા એ પણ માંહી બેઠા ને જાણ્યું જે, ‘શું થાય છે, તે જોઈએ તો ખરા!’ ત્યાં તો વિમાન ઊડ્યું, તે જરા વારમાં નારાયણપુર તેમની વાડીમાં પહોંચ્યા, ત્યાં ઊતરીને વાડીમાં ગયા ત્યારે છોકરાંઓ આ મુક્તરાજને જોઈને દંડવત્ કરવા મંડ્યા. ભાઈશ્રી કહે, ‘બચ્ચા! તમે સૂઈ રહ્યા છો, પણ હું તમને કહેવા આવ્યો છું કે, આ વર્ષમાં દુકાળ પડવાનો છે, માટે વાડિયુંમાં જાર-બાજરો વાવજો ને ખેતર વાવવાનું કાંઈ નહિ.’ આ વચન સાંભળી પ્રેમજીભાઈ તો વિચારમાં જ પડી ગયા ને વગર બોલ્યા ભાઈશ્રી સાથે વિમાનમાં બેઠા; એટલે પાછું એ ઊડ્યું કે તરત છપૈયાના મંદિરના ચોકમાં આવ્યું, તેમાંથી આ બન્ને ઊતરી પડ્યા ને વિમાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયું. આ બનાવથી પ્રેમજીભાઈ તો વગર બોલ્યા આનંદ પામતા આસને જઈને સૂતા, તે વખતે આ મુક્તરાજે કહ્યું કે, ‘કેમ પ્રેમજીભાઈ! તમારો સંકલ્પ સિદ્ધ થયોને?’ ત્યારે કહે, ‘હા, ભાઈ! બહુ ચમત્કાર જણાવ્યો, તમે આવાં કામ કરો છો, તે મેં આજ જાણ્યું,’ –એમ કહી બહુ પ્રાર્થના કરી. આમ છપૈયામાં દિવ્યભાવ જણાવતાં ત્યાં થોડા દિવસ રહી ગામોગામ દર્શન દેતા પાછા કચ્છમાં પધાર્યા.