૬૮૧ - સ્વામીશ્રી સાથે મહિમાની વાતો

0:000:00

ચૈત્ર સુદ તેરસના દિવસે પારાયણ બેસવાની હોવાથી બહારગામથી ઘણા સંત-હરિભક્તો આવતાં તેમને ઉતારા કરાવવા, જમાડવા વગેરે સેવાનું કામ ચાલતું જ હતું. બારશની રાત્રે તો મંદિરમાં કે ઓશરીમાં ક્યાંય જગ્યા ન મળે એટલી સંત-હરિભક્તોની ભીડ થઈ રહી હતી. આરતી, ધૂન્ય ને કથાવાર્તા વખતે સહુના અંતરમાં જાણે આનંદ આનંદ થઈ રહ્યો હોય તેમ જ્યાં ને ત્યાં જોવામાં આવતું હતું. એ વખતે બાપાશ્રી તો જાણે કાંઈ જાણતા જ ન હોય તેમ સભા વચ્ચે ધ્યાનસ્થ બેઠા હતા, તેથી સૌને એમ જે, ‘બાપાશ્રી કાંઈક વાત કરે તો ઠીક.’ ત્યાં તો પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! કાલથી યજ્ઞ ચાલતો થશે અને હજી ઘણા સંત-હરિભક્તો બહારગામથી આવશે, તેમાં તમે બધેય પહોંચી વળજો. અમારાથી બનશે એટલું અમેય કરશું. આ યજ્ઞમાં શ્રીજીમહારાજની પ્રસન્નતા ઘણી છે એમ જાણજો. અમે સહુને છેલ્લો યજ્ઞ કહી તેડાવ્યા છે, તેથી પ્રાપ્તિ પણ છેલ્લી કરાવવી છે. આ યજ્ઞની પ્રસાદી જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ થશે, આ યજ્ઞ શ્રીજીમહારાજની પ્રસન્નતાનો જાણી સૌ બને તે સેવા કરજો,’ –એમ કહ્યું. આટલી વાતમાં તો સંત-હરિભક્તો રાજી રાજી થઈ ગયા. એ વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પણ સૌને સેવામાં તત્પર રહેવાની ભલામણ કરી. પછી સમય થતાં કથાની સમાપ્તિ થઈ, એટલે ચેષ્ટા આદિ નિયમ કરીને સહુ સૂતા અને બાપાશ્રીએ સંતોને પણ કહ્યું જે, ‘તમારે સવારમાં વહેલું તૈયાર થયું જોશે, માટે સહુ આસન કરો.’ આમ બારશની રાત સુધી યજ્ઞના કામકાજની ભલામણો થઈ.