૬૭૪ - હરિભક્તોના સમૂહ વચ્ચે દર્શન તથા પ્રસન્નતા
આવી રીતે અલૌકિક પ્રતાપ જણાવતા ધનજીભાઈ ધામમાં પધાર્યા તેથી તેમના ઘરમાં નાનામોટા સર્વેને સંતોષ થયો અને ગામમાં પણ સહુને એમ થયું જે, ‘બાપાશ્રી સાથે તેમનો બાપદીકરાના જેવો સંબંધ હોવાથી બાપાશ્રીએ તેમને છેલ્લી ઘડી સુધી પાસે રહી મહારાજના દિવ્ય સુખમાં પહોંચાડી દીધા. પછી તેમની દેહક્રિયા માટે તેમના દીકરાઓ બધી સામગ્રી ભેળી કરતા હતા ત્યાં તો ખબર પડતાં ગામ-પરગામના સાતસોઆઠસો જેટલા મનુષ્ય ઘેર ભેળા થઈ ગયા. પછી ધનજીભાઈને પાલખીમાં બેસારી હરિભક્તો કીર્તન બોલતા ને ઉત્સવ કરતા આગળ ચાલ્યા જતા હતા, ત્યાં ગામબહાર ઝાંપામાં બાપાશ્રી સામા મળ્યા. હરિભક્તોએ બાપાશ્રીને જોયા એટલે પાલખી હેઠે ઉતારી દંડવત્ કર્યા એ વખતે બાપાશ્રી ધનજીભાઈના મુખ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, ‘ધનજી બચ્ચા! જા, હું પણ આવું છું.’ એમ કહી તેમના પર એક ચાદર ઓઢાડી, પછી હરિભક્તોને કહ્યું જે, ‘હવે પાલખી ઉપાડો.’ તેથી સહુ પાલખી લઈને ચાલવા મંડ્યા, ત્યાં તો ગુલાલની ધોખડ થઈ રહી ને બહુ જ સુગંધી આવવા માંડી, તેથી બધા આમતેમ જોતા વિચારવા લાગ્યા જે, ‘આટલો બધો ગુલાલ ને સુગંધ ક્યાંથી આવતાં હશે!’ એમ આશ્ચર્ય પામતા ને ઉત્સવ કરતા તેમને નદીને ઘરે લઈ ગયા. ત્યાં હરિભક્તોએ પ્રદક્ષિણા કર્યા પછી સુખડ, તુળસી, ધૃત વગેરેથી અગ્નિસંસ્કાર કર્યો, તે વખતે સૌને સાંભળતાં બાપાશ્રી બોલ્યા જે, ‘ધનજી જતાં નારાયણપુરમાં કાળ પડ્યો, તેમ કચ્છમાં તથા સાજા સત્સંગમાં કાળ પડ્યો, પડ્યો ને પડ્યો, એમ સમજી લેજો.’ બાપાશ્રીનાં આવાં (અંતર્ધાન થવાનાં) મર્મવચનથી હરિભક્તો સહુ દિલગીર થતા ગામમાં આવ્યા અને બાપાશ્રી ત્યાંથી જ વૃષપુર ગયા. ત્યાં બેત્રણ વખત સભાપ્રસંગે હરિભક્તો પાસે ધનજીભાઈના ગુણનું તથા શૂરવીરપણાના અંગનું વર્ણન કરી તેમના પર બહુ જ પ્રસન્નતા જણાવી.