૪૩૭ - પુરાણીના પ્રશ્નનું સમાધાન
આ વખતે ભૂજથી પુરાણી કેશવપ્રિયદાસજી ત્યાં આવેલા હોવાથી સભામાં તેમને તથા પુરાણી લક્ષ્મીપ્રસાદદાસજીને શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્તો કેવી રીતે રહે છે એવી બે દિવસ સુધી દૃષ્ટાંત-સિદ્ધાંત સાથે વાતો ચાલતી હતી, પણ એકબીજામાં કાંઈ સમાધાન ન થતાં એ પ્રશ્ન પુરાણી લક્ષ્મીપ્રસાદદાસજીએ બાપાશ્રીને પૂછીને કહ્યું જે, ‘આ વાતનો આપ ખુલાસો કરો તો યથાર્થ સમજાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘પુરાણી! तत्रस्था: एव जनन्ते | અક્ષરધામમાં જે સ્થિતિ હશે તે કાંઈ તમારા માટે મહારાજ નવી નહિ કરે અને જે સ્થિતિ જૂની હશે તે કાંઈ ઢાંકી રાખશે નહિ, જેમ હશે તેમ ત્યાં મળશે.‘ આ ઉત્તરથી એ બન્ને સંતોએ જાણ્યું જે, ‘આ વાત અનુભવની છે તે વચને કરીને યથાર્થ ન સમજાય, માટે બાપાશ્રીએ આમ ઉત્તર કર્યો લાગે છે.’
ત્યાર પછી પુરાણીશ્રી આદિ સંતમંડળ ગામોગામ ગયા. ત્યાં હરિભક્તોને બહુ ભલામણ ન કરવા છતાં જન્મસ્થાનની સેવા સારી રીતે થઈ. પછી સંતો ત્યાંથી મિસ્ત્રીઓનાં ગામમાં ગયા, ત્યાં પણ હરિભક્તોએ શ્રદ્ધાએ સહિત સારી સેવાઓ કરી. એ વર્ષે કચ્છમાં એટલી બધી વૃષ્ટિ થઈ કે, ગામોગામ કણબીઓના ખેતર તથા વાડીઓમાં મોલ વાવેલા તે પાણીથી સડી જતાં કાંઈ પાક્યું નહિ, તેમ જ ભૂજ રેલવેના કેટલીક જગ્યાએ પાટા ઊખડી પડ્યા, કેટલાંય ઘરો તથા ઝાડો પડી ગયાં. આથી પુરાણી આદિ સંતોને એમ થયું જે, ‘બ્રહ્મચારી નિર્ગુણાનંદજીના કહેવા પ્રમાણે મહારાજે પાછળથી આમ થવાનું છે એમ જાણી કણબીઓનાં ગામમાં પ્રથમ જવાનું કહ્યું હશે!’ હરિભક્તોએ પણ એમ જાણ્યું જે, ‘શ્રી ઘનશ્યામ મહારાજની સેવા પ્રથમ થઈ ગઈ એ મોટો લાભ થયો, પણ પાછળથી સેવા બની શકત નહિ.’