૭૧ - આપણે તો મૂર્તિ વિના બીજું કાંઈ નથી

0:000:00

એક વખત ભૂજથી દર્શન કરી વળતાં રામપુરવાળાં મુક્તરાજ ધનબા ને તેમનાં સેવક એક બાઈ વૃષપુર આવ્યાં. બાઈઓના મંદિરમાં દર્શન કરીને તેઓ ઘેર ભાઈશ્રી પાસે ગયાં, પણ ભાઈશ્રી ઘેર નહિ, તેથી મંદિરે ખબર કઢાવી તો ઠાકોરજી પાસે બેઠા છે, એમ કોઈકે કહ્યું. પછી બોલાવ્યા ત્યારે બહાર ઓટલે આવીને બેઠા. ધનબાએ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને એ પણ થોડેક છેટે બેઠા. ભાઈશ્રી તો નેત્ર મીંચીને બેઠેલા, તેથી વાત કેમ કરવી, એમ ધનબાને થયું, ત્યાં તો પોતે બોલ્યા જે, ‘તમે ચાલીને દર્શન દેવા આવો તે કેવડી વાત! પ્રથમ મોટા સંત આમ જ કરતા, જુઓને! દુઃખ વેઠી વેઠીને અક્ષરધામ જેવાં સ્થાન ગામોગામ કરી મૂક્યાં છે, તેથી આપણે સુખિયા છીએ. આવાં સ્થાન ને આવા મુક્ત બીજે ક્યાંય નથી; એક શ્રીજીમહારાજને ઘેર છે. પણ જીવને અજ્ઞાન બહુ તે સવળું લેતાં ન આવડે ને અવળું લઈને મોક્ષ બગાડે. આપણે આટલી વાત કરીએ છીએ તેમાંય કોઈ ઊંધું સમજતા હોય તો એ જાણે, આપણે તો મૂર્તિ વિના બીજું કાંઈ નથી, પણ બીજાને એમ ક્યાંથી સમજાય?’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ, કોઈ અજ્ઞાની જીવ બોલે તેણે કરીને કલ્યાણ કરવાનું કાંઈ બંધ રહેશે? એ તો આગળથી ચાલ્યું આવે છે ને ચાલશે. તમને તો મહારાજે અનેક જીવને સુખિયા કરવા મૂક્યા છે, તે સુખિયા કરો. કોઈ અજ્ઞાની જીવ અવળું લેશે તે રખડશે, એમાં આપણે શું કરીએ?’ એમ કહી ઠાકોરજીને જમાડી રામપુર ગયા તે રાત્રે પહોંચ્યા. ત્યાં જઈ ઠાકોરજીને વાટકામાં દૂધ પાવા લાગ્યા. ત્યાં તો મહારાજે હાથમાંથી વાટકો લઈ દૂધપાન કર્યું ને બોલ્યા જે, ‘અમે મૂર્તિઓ રૂપે સદાય પ્રત્યક્ષ છીએ, પણ આજ તો તમને રાજી કર્યાં!’ આવાં દર્શનથી ધનબાને મૂર્તિઓનો પ્રત્યક્ષભાવ રહ્યા જ કરતો ને ભાઈશ્રીનો મહિમા પણ ઘણો જાણતા.