૨૭૦ - અનાદિ મુક્તરાજ કરાંચી પધાર્યા
આગબોટ આવવાના દિવસે સવારમાં વહેલા સમુદ્રના કિનારે સૌ હલકીને ભેળા થઈ ગયા. એક કોર હરિભક્તોની ભીડ ને બીજી કોરે સાંખ્યયોગી, કર્મયોગી બાઈઓનો સમૂહ. સમુદ્ર તરફ નજર કરી સૌ ઘડી ઘડી વાટ જોતા હતા, ત્યાં આગબોટ આવી; ત્યાં તો માંહીથી ઊતરનારા માણસો જોઈ રહ્યા કે, કાંઠા પર હજારો બાઈ-ભાઈ ઊભાં છે, તે આવડા મોટા કોણ આવ્યા હશે?’ ત્યાં તો ઘેરવાળાં કેડિયાં પહેરેલા કચ્છી હરિભક્તો વચ્ચે જાડું ધોતીયું ને ઘેરવાળું કેડિયું પહેરેલ, માથે મોટી પાઘડી ને એવું જ એક જાડું ધોતિયું ખંભે ઓઢેલ, એવા આ અનાદિ મુક્તરાજને ધીરે ધીરે ચાલ્યા આવતા આગબોટમાં તથા બહારથી સહુ જોઈ રહ્યા હતા. આ રીતે નિસરણી ઊતરી બાપાશ્રી કાંઠે આવ્યા, ત્યાં તો સર્વે હરિભક્તો સહજાનંદ સ્વામી મહારાજની ‘જય’ બોલ્યા ને ઘણા હરિભક્તોએ ફૂલના હાર પહેરાવ્યા. કેટલાકે છૂટાં ફૂલ માથે વેર્યા; પછી દંડવત્ કરી સૌ મળ્યા ને બાઈઓએ પણ હેઠે બેસી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. આ બધું કિનારે ઊભેલા મનુષ્ય જોઈ જોઈને આશ્ચર્ય પામી ગયા. તેમ જ આગબોટ ચલાવનાર સાહેબ તથા બીજા કેટલાક આવો દેખાવ જોઈ પરસ્પર વાતો કરતા હસતા હતા; ત્યાં તો હરિભક્તો ગાડીઓ લાવેલા, તેમાં બેસી બાપાશ્રી તથા સાથે આવેલા હરિભક્તો મંદિરમાં ગયા ને વાંસે રહ્યા હતા તે સર્વે મુક્તરાજ ધનબાનાં દર્શન કરવા ઊભા રહ્યા.
સૌ આગબોટમાંથી ઊતરી ગયા પછી હળવે હળવે મુક્તરાજ ધનબા સેવકોએ સહિત કાંઠે આવ્યા; તેમને પણ હરિભક્તોએ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બાઈઓનો સમૂહ તો મળવા ઘેરી વળ્યો ને સૌએ ‘જય સ્વામિનારાયણ’ કર્યાં. મુક્તરાજ ધનબાને જરા ફેર ચડ્યા જેવું હતું, તેથી તે તો જમીન પર બેસી જવા મંડ્યાં, ત્યારે બાઈઓ કહે, ‘મા! તમારા સારુ આ ઘોડાગાડી લાવ્યા છીએ તેમાં બેસો, એટલે મંદિરમાં જઈએ, ત્યાં ઠીક પડશે.’ ત્યારે ધનબા કહે, ‘હું થી આમાં નહિ બેસાય, કોઈ દિ હું આવી ગાડીમાં બેઠી નથી ને કેમ થાશે?’ પછી બીજાં બાઈઓ સમજાવવા લાગ્યાં પણ કહે, ‘મને ફેર ચડ્યા છે તે આમાં નહિ ફાવે.’ પછી તેમની મરજી જાણી સાથે આવેલાં બાઈઓ હતાં તે કહે, ‘જો હાથે તાણવાની અથવા બળદગાડી હોય તો માને બેસારી ધીરે ધીરે મંદિર લઈ આવીએ, એમ તેમને ઠીક પડશે.’ ત્યારે ધનબા કહે, ‘ભલે એમ કરો.’ આમ તેમનો રાજીપો જાણી હરિભક્તો બળદ જોડેલી ગાડી લાવ્યાં. તેમાં બેસારી કેટલાંક બાઈઓ સાથે ચાલી હર્ષ પામતાં મંદિરમાં લાવ્યાં. આવું જોઈ સહુને બહુ દિવ્યભાવ આવ્યો જે, ‘આવાં મોટાં છે તો ય કેવી સાદાઈ રાખે છે!’ પછી ત્યાં રહેતાં લીરૂબા આદિ સાંખ્યયોગી બાઈઓ, મુક્તરાજ ધનબા પાસે દર્શન, સેવા તથા કથાવાર્તાનો લાભ લેતાં આનંદ પામવા લાગ્યાં ને લાલુભાઈ, મહાદેવભાઈ આદિ હરિભક્તો અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન-સેવા-સમાગમથી રાજી થવા લાગ્યા.
ભૂજના પુરાણી ધર્મજીવનદાસજી પણ ખરેખરા ધર્મવાળા હોવાથી કથાવાર્તામાં મહારાજનો મહિમા બહુ વર્ણન કરતા, તેથી નિત્ય સભા મોટી ભરાતી. પુરાણી કથાવાર્તા કરતા હોય ત્યારે બાપાશ્રી સંતોની સામા ગોદડાંના ઓઠીંગણે માથે ખેસ ઓઢીને બેસતા, પણ જાણે ધ્યાનમાં બહુ રહેતા હોય તેમ વધુ જણાતું. સવાર-સાંજ ને રાત્રે સભામાં બેઠા જ હોય. સવારે પૂજા કરે તે ટાણે થોડી વાર આસને બેસી મહારાજના પ્રતાપની વાતો કરતા, પણ બહુ જ થોડી. આ વખતે બાપાશ્રી સાથે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આવેલા નહોતા તેનું કારણ પોતાને ઓચિંતાનું આવવાનું પ્રયાણ થયું, તેમ સદ્ગુરુઓને ભૂજમાં આચાર્ય મહારાજ સાથે પ્રતિષ્ઠા વખતે આવવાનું હતું, તેથી એ કચ્છમાં આવ્યા નહોતા; આવા સંજોગથી બાપાશ્રી આ વખતે એમ ને એમ આવેલા હતા.