૬૯૮ - સંત-હરિભક્તોને દિવ્ય મોજ

0:000:00

આ રીતે બાપાશ્રીની કૃપાથી હજારો સંત-હરિભક્તોને આત્યંતિક મોક્ષના આશીર્વાદ મળ્યા. એ સર્વેમાં મુખ્યપણે સેવા કરતા સંત-હરિભક્તોમાં સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, હરિપ્રસાદદાસજી, કેશવપ્રિયદાસજી તથા સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી આદિ તથા મૂળી, વડતાલ, ગઢડા, જૂનાગઢ આદિ ધામોમાંથી ઘણા સંતો આવેલા હતા, તે સહુ યજ્ઞમાં સેવા કરવા ઉપરાંત હરિભક્તોને કથાવાર્તાથી સુખિયા કરવામાં તત્પર હોવાથી બાપાશ્રી તેમને વારે વારે બોલાવતા, રમૂજ કરી હસાવતા, પ્રશંસા કરી રાજી કરતા, તેથી તેઓ પોતાનાં અહોભાગ્ય માનતા. હરિભક્તોમાં પણ મુખ્યપણે અમદાવાદના શેઠ બળદેવભાઈ, શંકરભાઈ, બહેચરભાઈ, ચુનીલાલભાઈ, સોમચંદભાઈ તથા સરસપુરના કોઠારી ઈશ્વરદાસ આદિ તથા વીરમગામના ડૉક્ટર નાગરદાસભાઈ તથા તેમના ભાઈ મણિલાલભાઈ અને વઢવાણવાળા માસ્તર કેશવલાલભાઈ, પાટડીના મુક્તરાજ નાગજીભાઈ તથા વાંસવાના શામજીભાઈ, માંડળવાળા ઠક્કર મોતીભાઈ, રણછોડભાઈ તથા મેરાઈ લવજીભાઈ, મેડા ગામના મોહનભાઈ, જટાભાઈ, જોશીપરાના કલ્યાણદાસ, ખોડીદાસ તથા ધરમપુરના ઝવેરભાઈ, ડાંગરવાના મિસ્ત્રી દલસુખરામ, મણિપરાના જીવા પટેલ, ઝવેરભાઈ તથા કરજીસણ આદિ ગામોના હરિભક્તો તથા અસલાલીના જેઠાભાઈ અને રાવસાહેબ બાલુભાઈ, વહેલાલના ચતુરભાઈ, કણભાવાળા આશાભાઈ, પટેલ ભલાભાઈ, છોટાભાઈ, ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલ, મોડાસરના માસ્તર લલ્લુભાઈ, રનોડા, ઉપરદળ, રેથળ આદિ નળકંઠાના ઘણા હરિભક્તો સહુ બાપાશ્રીને રાજી કરવા અતિ હર્ષભર્યા સેવા કરતા હતા તેમ જ ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કલકત્તા, કટક, ઝરિયા, કરાંચી, સુરત, ભરૂચ, ખંભાત આદિ દેશોદેશના ઘણા હરિભક્તો આવેલ હોવાથી ગામમાં કે સીમમાં જ્યાં જોઈએ ત્યાં હરિભક્તો ઊભરાતા જ હોય. સભાપ્રસંગે કે પંક્તિ વખતે તો બહુ જ ભીડ જણાય. રાત્રે હરિભક્તો ગરબી ગાતા હોય ત્યારે બાપાશ્રી વચમાં આવીને બેસે ને સહુ પર રાજી થાય, તેમાં પણ માલણીઆદના હરિભક્તોમાં ચતુરભાઈ, વેલશીભાઈ, જેઠાલાલભાઈ, કાનજીભાઈ, ઈશ્વરલાલ, પાનાચંદ વગેરે ભાઈઓને બહુ જ ઉમંગમાં કીર્તન બોલતા જોઈ બાપાશ્રી તેમને હાર પહેરાવે ને કહે જે, ‘આ તો રાત ને દિવસ સેવામાં ખબડદાર થઈને ઊભા છે,’ - એમ પ્રશંસા કરી સૌને પ્રસાદી વહેંચતા. એવી રીતે ગામોગામના હરિભક્તો પણ સહુ જુદી જુદી રીતે બાપાશ્રીને રાજી કરી પોતાનાં અહોભાગ્ય માનતા હતા. બાઈઓનો સમૂહ પણ જ્યાં બાપાશ્રીનાં દર્શન થાય, ત્યાં છેટેથી પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કરી હાથ જોડે, તેમ જ યજ્ઞમાં એ સર્વે સીધા-સામાન વગેરે સાફસૂફ કરવાની બનતી સેવાઓ કરી બાપાશ્રીનો રાજીપો મેળવતા. આમ આ યજ્ઞમાં સૌને એ જ તાન કે કોઈ પણ રીતે મહારાજ તથા બાપાશ્રીનો આપણા પર રાજીપો થાય.

આ રીતે યજ્ઞની સમાપ્તિ થઈ ત્યાં સુધી સહુ આનંદ, ઉત્સવ ને કથાવાર્તા કરવાની સાથે યજ્ઞની મહામોંઘી સેવા કરી મહારાજના દિવ્ય સુખે સુખિયા થઈ ગયા. પછી તો ગામોગામથી હરિભક્તો આવેલા તે સહુ જવા લાગ્યા, ત્યારે તેઓ આવી આવીને દંડવત્ કરે, હાથ જોડે, એ સર્વેને બાપાશ્રી મળતા ને માથે હાથ મૂકી રાજી કરતા. કોઈની પ્રશંસા કરતા, કોઈને હાર પહેરાવતા, તો કોઈને સત્સંગ દૃઢ રાખવાની ભલામણ કરતા અને એમ પણ કહેતા જે, ‘હવે આવા યજ્ઞ થવા દુર્લભ. આ યજ્ઞ, આ સભા, સંત-હરિભક્ત સૌને સંભારી રાખજો. આ તો મહારાજના સંકલ્પથી આમ દેખાય છે, પણ આ સભા બધી સનાતન ને દિવ્ય છે, એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે, આપણે સર્વે મૂર્તિમાં જ છીએ.’ એવાં મહિમાનાં વચનો કહી હરિભક્તોને આશીર્વાદ આપતા ને રાજી કરતા. સાંજ સુધીમાં આસપાસનાં ગામોના હરિભક્તોને વિદાય કર્યા.