૪૭૭ - ભારાસરમાં માવજીભાઈને દર્શન દેવા પધાર્યા
ભૂજથી બાપાશ્રી વૃષપુરમાં આવ્યા પછી થોડા દિવસ થયા ત્યાં ભારાસરમાં પટેલ માવજીભાઈને ઘણો મંદવાડ થઈ જવાથી તેમણે પોતાના દીકરા કરસનને ગાડું લઈને બાપાશ્રીને તેડવા મોકલ્યો, તેણે આવીને પ્રાર્થના કરી જે, ‘બાપા! મારા બાપને બહુ કુશરાઈ છે, તેથી તમને હું તેડવા આવ્યો છું તે ગાડા ભેળા ચાલો.’ આ વાત સાંભળી બાપાશ્રીએ પુરાણી કેશવપ્રિયદાસજીને પૂછ્યું જે, ‘ભારાસરમાં પટેલ માવજીભાઈને દર્શન દેવા જવું છે, તે તમે ભેળા ચાલશો?’ ત્યારે તે કહે, ‘બાપા! પાંચ સાધુ પૂરા નથી એટલે ગૃહસ્થને ઘેર કેમ જવાય?’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે ચાલશો તો મહારાજ સાધુ પૂરા કરી દેશે.’ એમ કહી ઉતાવળા થાળ કરવાનું કહી પોતે તથા આવેલ હરિભક્ત બેય ઘેર જઈ ઠાકોરજીને જમાડીને આવ્યા. અહીં પુરાણી વગેરે સંતોએ પણ ઝટ પરવારી લીધું. પછી ગાડું જોડાવીને ચાલ્યા તે માર્ગમાં ખતરીવારી તળાવે ગાડું છોડી સહુ નાહ્યા ને માનસી- પૂજા કરી થોડી વાર બેઠા. પછી ગાડું જોડ્યું ત્યાં તો માર્ગમાં સિગરામમાં બેસીને બે સાધુ જતા હતા તેણે બાપાશ્રીને જોઈને હેઠે ઊતરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને પૂછ્યું જે, ‘આમ ક્યાં પધારશો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભારાસર જવું છે, તમે અમારા ભેળા ચાલશો? અમારે એક સાધુનો તોટો છે ને ભારસારમાં માવજીભાઈને બહુ મંદવાડ હોવાથી આ કરસન તેડવા આવ્યો છે. જો તમે આવો તો સંતોથી દર્શન દેવા જવાશે, નહિ તો મંદિરમાં રહેવું પડશે.’ ત્યારે તે કહે, ‘બાપા! આપ જેમ કહો તેમ કરીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘કાંઈ અડચણ ન હોય તો ચાલો.’ પછી ચાર સાધુ હતા ને આ બે ભેળા ચાલ્યા, એટલે છ સંત થયા, તેથી પુરાણી કેશવપ્રિયદાસજી ઘણા રાજી થયા. થોડી વારે ગામને ઝાંપે વાડી છે, ત્યાં સહુ પહોંચ્યા ત્યાં તો હરિભક્તોને ખબર પડી કે, સાધુ અને બાપાશ્રી આવે છે, એટલે હરિભક્તો ઉતાવળા ઉતાવળા સામા આવી દંડવત્ કરવા મંડ્યા.
બાપાશ્રીએ સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી માવજીભાઈના સમાચાર પૂછ્યા. પછી મંદિરમાં જઈ ઠાકોરજીનાં દર્શન કરી તુરત તેમને ઘેર ગયા, ત્યાં તો તેમની પાસે સુખપુર, ફોટડી, સામત્રા, નારાયણપુર વગેરે ગામના હરિભક્તો તથા સગાંવહાલાં બેઠાં હતાં. બાપાશ્રી તથા સંતો હજી તેમની ડેલીમાં પહોંચ્યા, ત્યાં તો માવજીભાઈ બે જણા ઉઠાડે ત્યારે ઊઠતા એવા માંદા હતા, તોય પોતાની મેળાએ ઊઠીને ફળિયામાં આવ્યા ને દંડવત્ કરીને મળ્યા.
એ વખતે બાપાશ્રી કહે, ‘માવજીભાઈ! ઠીક નથી તે સૂઈ જાઓ.’ ત્યારે તે કહે, ‘આજ તો મારાં ભાગ્ય ઉઘડ્યાં ને જન્મ સુધાર્યો. આવા સાધુને તેડીને મને ઘેર દર્શન દેવા આવ્યા; બહુ દયા કરી.’ બાપાશ્રી કહે, માવજીભાઈ! આ ટાણે મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી મેલજો, આ સંત તમને એટલું કહેવા આવ્યા છે.’ ત્યારે તે કહે, ‘ભલે બાપા! હું એ જ કરું છું ને હજી કર્યા કરીશ.’ પછી તેમના શરીર પર ને માથે હાથ ફેરવી બાપાશ્રી સંતોએ સહિત મંદિરમાં આવ્યા. માવજીભાઈને તો બાપાશ્રીના તથા સંતોનાં દર્શનથી આનંદ ન સમાતાં ઘરમાં તથા સગાવહાલાંઓને એ જ વાત કરવા લાગ્યા જે, ‘આજ મારા ભાગ્યની વાત હું શું કરું! મારે તો આજ સોનાનો સૂરજ ઊગ્યો. છેલ્લે ટાણે આવા પુરુષ ક્યાંથી આવે? આ તો બહુ દયાળુ!’ આમ ઘડી ઘડી હર્ષભર્યા વાત કરતા રાજી થતા હતા.
બીજે દિવસ વહેલા ઊઠી સહુએ નિત્યવિધિ તથા કથાવાર્તા કર્યા પછી ઓચિંતાના બાપાશ્રીએ સંતોને કહ્યું કે, ‘આપણને માવજીભાઈ સંભારે છે તે ત્યાં જવું જોશે. માથે રૂમાલ બાંધી લ્યો’ આમ કહ્યું તેથી સંતો તૈયાર થયા. મંદિરમાં હરિભક્તો ઘણા હતા તે પણ સાથે ચાલ્યા. સહુ એમને ઘેર ગયા ત્યાં તો ઘરમાં ને ફળિયામાં ભીડ ઘણી થવાથી બાપાશ્રીએ કહ્યું એટલે ફળિયામાં લીંબડો હતો ત્યાં ખાટલો ઉપાડી લાવ્યા ને એક બીજો ખાટલો પડખે ઢાળી તે પર બાપાશ્રીને બેસાર્યા ને સંતો માટે જુદું આસન પાથર્યું. એ વખતે ઘણા હરિભક્તો હોવાથી સૌ ઘેરીને ઊભા હતા તે સર્વેને બાપાશ્રીએ બેસી જવાનું કહ્યું એટલે સૌ બેસી ગયા. પછી માવજીભાઈ કહે, ‘બાપા! હું તમને સવારનો સંભારતો હતો, જે હમણાં આવીને દર્શન દેશે, ત્યાં તો તમે પધાર્યા, બહુ દયા કરી. મારા પર રાજી રહેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘માવજીભાઈ! તમારે હવે બીજું કાંઈ સંભારવું નહિ, એક શ્રીજીમહારાજને સંભારવા. ને એમ જાણવું જે, મારી પાસે એ મહાપ્રભુ અખંડ બિરાજે છે. એ મૂર્તિ અલૌકિક દિવ્ય છે. જુઓ તો ખરા! આ ટાણે તમારા ફળિયામાં આ દિવ્ય સભા કેવી શોભી રહી છે! જેનાં બહુ જ મોટાં ભાગ્ય હોય તેને આવો જોગ મળે. આ બધાય તમને દર્શન દેવા આવ્યા છે.’ આ રીતે બાપાશ્રી વાત કરતા હતા ત્યાં એ માવજીભાઈના કાકા દર્શન કરવા આવ્યા. તેને જોઈને માવજીભાઈ બેઠા થયા ને તેમનો હાથ ઝાલીને કહેવા લાગ્યા જે, ‘બાપા! આ મારો કાકો છે, તેની ક્રિયા જાડીમોટી છે, પણ સાવ નપાપી માણસ છે. એને તમે દયા કરી વર્તમાન ધરાવો.’ ત્યારે બાપાશ્રીએ તેમનો હાથ ઝાલીને વર્તમાન ધરાવ્યા ને કહ્યું કે, ‘માવજીભાઈ! આજથી એ અમારા થયા; હવે એની તમે ફિકર ન રાખજો.’ એમ કહી સંતોને પગે લગાડી માથે હાથ મુકાવ્યા. પછી ઘરમાંથી મહારાજની મૂર્તિ લાવી માવજીભાઈએ ખાટલા પર પધરાવી, ઊભા થઈ આરતી ઉતારી; પછી સૌને હાથ જોડી રાજી રહેવા કહ્યું. ત્યારે બાપાશ્રી કહેવા લાગ્યા કે, ‘માવજીભાઈ! તમારું ફળિયું અત્યારે દાદાખાચરના દરબાર જેવું બની રહ્યું છે. જુઓ! આ શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિ ને ફરતા સંત-હરિભક્ત; વળી માથે લીંબડો. હવે દાદા ખાચરનો દરબાર જરાય છેટો લાગે?’ ત્યારે તે કહે, ‘ના બાપા!’ પછી બાપાશ્રી કહે, ‘આ સભા બધી દિવ્ય તેજોમય છે, તે આમ ને આમ સંભારી રાખજો.’ એ વખતે માવજીભાઈએ હર્ષભર્યા ઘરમાંથી સાકરનો ત્રાંસ ભરીને મગાવ્યો ને બાપાશ્રીને કહ્યું કે, ‘આ સાકર મહારાજને જમાડીને તમારે હાથે સૌને ખોબે ખોબે પ્રસાદી આપો.’ પછી તે સાકર મહારાજને જમાડી, બાપાશ્રીને હાથે સૌને વહેંચાવી. પછી ત્યાંથી ઊઠ્યા ત્યારે તેમના માથે હાથ મૂકીને બાપાશ્રી બોલ્યા જે, ‘તમને હજી રાખવા તો હતા, પણ જોગ ભારે બની ગયો ને કામ પૂરું થઈ ગયું.’ એમ કહી સંતોએ સહિત પોતે મંદિરમાં આવ્યા ને ઠાકોરજીને થાળ જમાડ્યા. પછી ચાલ્યા, ત્યારે ઘણા હરિભક્તો વળાવવા આવ્યા. તે વખતે પણ બાપાશ્રી એમ બોલ્યા જે, ‘માવજીભાઈને જે ખપતું હતું તે થઈ ગયું છે, હવે જરાય સંકલ્પ ન કરજો.’ આ વચન સાંભળી તેમના ઘરના માણસો તથા ગામના હરિભક્તો સૌ વિસ્મય પામ્યા જે, ‘આમનાં કેવડાં ભાગ્ય જે બાપાશ્રીએ આટલો બધો રાજીપો જણાવ્યો.’ પછી બીજે દિવસે જ માવજીભાઈ બોલતાચાલતા સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી ધામમાં ચાલ્યા ગયા.