૮૧ - વાડીના ડહેલામાં ધ્યાન કરતાં સમાધિ

0:000:00

આ સમાધિને હજુ થોડો વખત થયો નહોતો ત્યાં બીજી વાર એ લખાઈવાડીના ડહેલામાં માથે પછેડી ઓઢી ધ્યાન કરતાં સમાધિ થઈ ગઈ, તે ભીંતને ઓઠે એમ ને એમ બેસી રહેલા. ઘણી વાર ઊઠવાની વાટ જોઈ, પણ સમાધિમાં જતા રહ્યા તે કયાંથી ઊઠે? પછી ઘરના સૌએ મળી ત્યાં જ સુવારી મૂક્યા ને માથે પછેડી ઓઢાડી દીધી. આ વખતે તો ગામડાંમાં પણ ખબર પડી ગઈ, જેથી રામપુરથી દેવરાજભાઈ અને નારાયણપુરના જાદવજીભાઈ તથા તેમના પુત્ર ધનજીભાઈ તેમ જ આસપાસનાં ગામથી હરિભક્તો ઘણા દર્શન કરવા આવ્યા હતા. સૌ દર્શન કરીને આશ્ચર્ય પામતા ઘેર જાય ને ત્યાં વાત કરે એટલે બીજા આવે. આ વખતે ચોથે દિવસે સાંજના પાંચ વાગ્યે પોતે જાગ્યા પછી નાહી-પૂજા કરી મંદિર દર્શન કરવા ગયા, ને ઘેર આવી ઠાકોરજીને જમાડ્યા.