૧૪૦ - છપૈયે જવા નીકળ્યા
0:000:00
અષાઢ માસ હોવાથી સમુદ્રમાં તોફાન જણાતું હતું, તેથી વહાણમાં બેઠા પછી ખીમજીભાઈ આદિ સૌ બીવા લાગ્યા, ત્યારે ભાઈશ્રી કહે, ‘કોઈ બીશો મા. જો વહાણ બૂડશે તો ઠેઠ મહારાજના સુખમાં પહોંચાડી દેશું,’ એમ કહી ઊભા થયા ને વહાણનો કાંઠો ઝાલી સમુદ્ર સામું જોઈને બોલ્યા જે, ‘આ ટાણે તોફાન હોય?’ ત્યાં તો તોફાની પવન વાતો હતો તે બંધ થઈ ગયો. આ બધું વહાણમાં બેઠેલા માણસોએ જોયું, તેથી સૌને દિવ્યભાવ આવ્યો ને માંહોમાંહી બોલવા લાગ્યા જે, ‘આ પુરુષે ભારે કરી; આમને પ્રતાપે આપણે સૌ જીવતા રહ્યા, નહિ તો આજ કોઈ ઉગરવાના નહોતા. આ તો બહુ મોટા જણાય છે.’ એમ ચમત્કાર જણાવતાં કાંઠે ઊતરી રેલે બેસી સૌ મૂળીએ આવ્યા.