૩૨૩ - નારાયણપુર તથા રામપુરનું આમંત્રણ
બીજે દિવસે સવારમાં બાપાશ્રીએ સંતોને એમ કહ્યું જે, ‘તમો હવે કાલે ઠાકોરજીને જમાડી નારાયણપુર જાઓ તો ઠીક. ધનજીભાઈ વારે વારે મારી પાસે આવી આવીને કરગરે છે, તેથી તેમને રાજી કરો; પછી ત્યાંથી બારોબાર ભૂજ થઈને દેશમાં પધારજો.’ સંતોને થોડા દિવસમાં તૃપ્તિ ન થાય, પણ શું કરે! બાપાશ્રીનું વચન થયું, એટલે એમને તો પોતાનો એકેય ઠરાવ નહિ. હવે કાલે જ દેશમાં જવાનું છે, એમ જાણી સંતો રાત્રે બે વાગ્યા સુધી પાસે બેઠા રહ્યા ને બાપાશ્રી ઉઘાડે શરીરે સૂતા સૂતા વાતો કરતા હતા, ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘આપ થોડી વાર આરામ કરો તો સારું, ઘણું મોડું થયું છે, હમણાં હરિભક્તો નાહવા માંડશે.’ આમ કહ્યું એટલે થોડી વાર સૂતા. પછી સવારમાં સંતોએ નાહી, પૂજા કરી થાળ તૈયાર કર્યા ને ઠાકોરજીને જમાડી મોટી સભા થઈ તે વખતે નારાયણપુરના હરિભક્તો લાલજીભાઈ, હરજીભાઈ તથા શામજીભાઈ વગેરે ફૂલના હાર લાવેલા, તેથી સંતો ચંદન ઘસી વારાફરતી બાપાશ્રીની પૂજા કરતા હતા. એ વખતે રામપુરથી દેવરાજભાઈ આવ્યા, તેમણે દંડવત્ કરી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી બાપાશ્રીને કહ્યું જે, ‘બાપા! રામપુરથી ધનબાએ કહેવરાવ્યું છે કે, તમે ત્યાં જઈને મારી વતી બાપાશ્રીને પ્રાર્થના કરો કે, સંતોને પાંચ દિવસ અહીં લાવીને અહીંના હરિભક્તોને દર્શન-સેવાનો લાભ આપી, પછી દેશમાં જવાની રજા આપે.’ દેવરાજભાઈના આવા સમાચાર સાંભળી બાપાશ્રીએ સંતોને કહ્યું કે, ‘તમે તૈયાર તો થયા. પણ આ દેવરાજભાઈ તેડવા આવ્યા છે તે હવે તમારે રામપુર જવું જોશે.’ ત્યારે સંતો કહે, ‘આપ સાથે પધારશો તો અમે ચાલીશું.’ આ વચન સાંભળી પ્રથમ તો થોડો વિચાર કર્યો, પણ પછી હા પાડી.
બીજે દિવસે નારાયણપુર જવાની તૈયારી કરી ગાડાં મગાવ્યાં; તેમાં બેસીને એક દિવસ નારાયણપુર રોકાઈ ધનજીભાઈને રાજી કરી, વાટમાં દહીંસરાના હરિભક્તોને દર્શન દેતા સૌ રામપુર ગયા. આ દિવ્ય મુક્તમંડળનાં દર્શન થતાં ધનબા ઘણાં રાજી થયાં, તેમ રામપુર ને વેકરા બેય ગામમાં સદ્ગુરુઓ તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી આવતાં ઘણો આનંદ થયો. રોજ સભામાં હરિભક્તોની ભીડ થાય, બાપાશ્રી તથા સદ્ગુરુઓ વાતો કરે, નિત્ય નવી રસોઈઓ થાય, હરિભક્તો ચંદન ચર્ચી હાર પહેરાવે, વસ્ત્રો ઓઢાડે, અનાદિ મુક્તરાજ બાપાશ્રી માટે ધનબા સાંખ્યયોગી બાઈઓ પાસે થાળ કરાવે. ત્યાં બાપાશ્રી નિત્ય જમવા જાય, તે ટાણે ધનબા સેવકોએ સહિત ત્યાં આવીને બેસે, તાણ કરી પીરસાવે. એક દિવસ બાપાશ્રી પાસે આવી ધનબા કહે, ‘ભાઈ! તમારી દયાનો પાર જ નથી. મેં જ્યારે દેવરાજભાઈને તમ કને મોકલવા માંડ્યા ત્યારે મને કહે, ‘માં! હું તમારું નામ લઈને કહીશ તો ખરો, પણ સંતો દેશમાં જવાના છે તે કેમ હા પાડશે?’ ત્યારે મેં કીધું કે, ‘તમે બાપાને જઈને મારી વતી કહેજો, એટલે એ બધુંય ઠીક કરશે.’ મને તો હૈયાધારણ હતી જે, ‘ભાઈ સંતોને અહીં લાવ્યા વિના નહિ રહે! તમારું વચન કોણ ઠેલે? આવા મોટા મોટા સંત દરિયા ઊતરી ઊતરીને તમ અર્થે આવે છે! એવડી કાંઈ બીજાને ખબર પડે?’
એક દિવસ વળી ધનબા કહે જે, ‘ભાઈ! આવી ને આવી અમ પર દયા રાખજો. અમે બીજું કાંઈ ઝાઝું જાણીએ નહિ. પણ એક શ્રીજીમહારાજનો ને તમ જેવા મોટાનો વિશ્વાસ છે, તેથી વાંધો નહિ આવે.’
એક દિવસ બાપાશ્રીએ ઠાકોરજીને જમાડી લીધા, ત્યારે હાથ જોડીને ધનબા પગે લાગ્યાં ને કહ્યું જે, ‘ભાઈ! આજ તો મારે તમ પાસે વચન માંગવું છે,’ એમ કહીને બોલ્યા જે, ‘મને મહારાજની મૂર્તિ વિના બીજા કોઈ ઘાટ-સંકલ્પ ન થાય એવી દયા કરજો.’
આવાં તેમનાં એક શ્રીજીમહારાજને જ રાજી કરવાનાં વચનો સાંભળી બાપાશ્રી રાજી થઈને કહેતા જે, ‘બાઈ! મહારાજ ને મોટા મુક્ત આપણા સામું જોઈ રહ્યા છે, તેથી ફિકર રાખજો માં. તમે ક્યાં મહારાજને ઘડીયે ભૂલો એવાં છો? તમને લઈને તો બધાં નાનાંમોટાં બાઈઓ સુખિયાં છે.’ આવાં વચનો કહી તેમને રાજી કરતા ને હરિભક્તોને કથાવાર્તા તથા દર્શનદાને સુખિયા કરતા હતા. ત્યાં અમદાવાદથી આચાર્ય મહારાજનો સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી નારાયણસેવકદાસજી ઉપર તાર આવ્યો જે, ‘તમે તુરત આવો, અમારે દેશમાં ફરવા જવાનું છે, ત્યાં તમને સાથે તેડી જવા છે.’
આ વખતે બાપાશ્રી વેકરાના મંદિરમાં બારણા પાસે બેઠા હતા, ત્યાં આ તારની બન્ને સદ્ગુરુઓએ બાપાશ્રીને વાત કરી, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આચાર્ય મહારાજ તેડાવે છે, તેથી તુરત અહીંથી જ જવાનું કરો.’ પછી ગાડાં મગાવી તે જ દિવસે તેમના સંતોની સાથે એ બન્ને સદ્ગુરુઓને રજા આપી મળ્યા ને સૌ સંતોએ તથા બાપાશ્રીએ તેમની પૂજા કરી હાર પહેરાવ્યા ને ગાડાં ઊભાં હતાં ત્યાં સુધી વળાવવા ગયા; પછી બીજા સંતો રામપુરમાં બે દિવસ રહ્યા.