૩૯૭ - સંતો વૃષપુર આવતાં ગ્રહણ કરેલો મંદવાડ
બાપાશ્રી હવે વૃષપુરમાં રહ્યા થકા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોની વરસાદની પેઠે વાટ જોઈ રહ્યા હતા. અને સ્વામીશ્રી પણ વૃષપુર આવવા તલખી રહ્યા હતા તે ત્રીજો કાગળ મળતાં પાણી પીવા પણ ન રોકાયા હોય તેમ ઉતાવળા ભૂજ આવી ઠાકોરજીનાં દર્શન કર્યા, ત્યાં તો મૂળીના સંતો તથા હરિભક્તો ત્યાં રહી વાટ જોતા હતા, તેમણે સમાચાર આપ્યા જે, ‘બાપાશ્રીને શરીરે કસર જેવું જણાતું હતું, પણ અમને રજા આપી છે, તેથી અમો ગામડાંમાંથી અહીં આવી તમારી વાટ જોઈ રહ્યા છીએ. જો આજ્ઞા કરો તો ભેળા આવીએ; નહિ તો અહીં રહીએ ને કહો તો જઈએ.’ ત્યારે સ્વામીશ્રી કહે ‘ચાલો ભેળા. જો બાપાશ્રીને શરીરે ઠીક હોય તો દર્શન કરી વળી જજો, નહિ તો રોકાજો.’ આ રીતે આજ્ઞા મળવાથી સંત-હરિભક્તો સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સાથે અષાઢ સુદ એકમને દિવસે સંધ્યાઆરતી વખતે વૃષપુર આવ્યા. સંતો મંદિરમાં પહોંચ્યા ત્યાં તો બાપાશ્રી કૂવાના પરથાર પર ઊભેલા તે સંતોને જોઈ દંડવત્ કરવા લાગ્યા, એ જોઈ સ્વામીશ્રીએ ઉતાવળા તેમને ઝાલી લીધા ને બહુ હેત જણાવી પરસ્પર મળ્યા, તે વખતે બાપાશ્રી કહે, ‘તમારી એક મહિનાથી વાટ જોઈ પણ તમે તો આવ્યા જ નહિ. મંદવાડ ક્યારનોય તમારી વાટ જોઈ રહ્યો છે.’ –એમ કહ્યું, પણ સ્વામીશ્રી આ દ્વિઅર્થી શબ્દ સમજી શક્યા નહિ. પછી ઠાકોરજી પાસે આરતી થવા માંડી, તેથી સંતોએ મંદિરમાં જઈ મહારાજનાં દર્શન કરી આરતી-ધૂન્ય વગેરે કર્યા પછી આસન કર્યાં. બાપાશ્રી તો એ જ વખતે પોતાનું જ્યાં હમેશાં આસન રહેતું એ ઓરડીમાં જઈને માથે ઓઢીને સૂતા, પણ શરીર બધું તપી આવેલું. ખબર પડતાં સ્વામીશ્રીએ આવીને જોયું તો તાવ ઘણો હતો; પછી તો મંદવાડની રીત જ જણાવા માંડી. ઘડીક થાય ને પોતે ઊલટી કરે, ઓચિંતાનું નાહવાનું થઈ જાય. આ રીત જોઈ સંત-હરિભક્તો આવ્યા હતા, તે બધા સેવા કરવા મંડ્યાં, પણ બાપાશ્રીને તો કોઈ વાતની સ્મૃતિ જ ન હોય. એવું થઈ ગયું. પછી તો રાત આખી એ રીતે જ રહ્યું.