૧૨૩ - ‘ઈશ્વરલાલભાઈને ભાઈશ્રીની ઓળખાણ’
ત્યાર પછી સ્વામીશ્રીની આજ્ઞા થતાં થોડી વારે કથા વંચાવા માંડી. હરિભક્તો સભામાં દર્શને આવે ને બેસતા આવે પણ કોઈ ઊઠે નહિ, તેથી ભીડ ઘણી થઈ. એ વખતે ઈશ્વરલાલભાઈ દર્શને આવ્યા તે હરિભક્તોની વચમાં થઈને ચાલ્યા આવ્યા. જ્યારે સ્વામીશ્રીના પગે અડવા લાગ્યા, ત્યારે સ્વામીશ્રી રાજી ન થયા ને બોલ્યા જે, ‘આ મોટા મોટા હરિભક્તો બેઠા છે તેની મર્યાદા કેમ રાખતા નથી?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘સ્વામી, એમાં મોટા કોણ છે? આ તો સર્વે કચ્છના કણબી છે, એમને તો હું ભૂજમાં દીવાન હતો ત્યારથી ઓળખું છું.’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘સત્સંગ કરી કરીને જે વાત જાણવાની છે તે તો ન જાણી, પછી સુખ ક્યાંથી આવે? ચિંતામણી કાંઈ રૂપાળી હોય? સંત-હરિભક્ત બધાય બ્રહ્મની મૂર્તિઓ છે, એમ તો મહારાજે લખ્યું છે, તોય ટાણે એ વચન કામ ન આવે તો શું કામનું? ‘આ સભામાં કચ્છના કણબી છે, હું દીવાન હતો ત્યારથી ઓળખું છું,’ એવું કહેવાય ત્યાં સુધી આ વાત ક્યાંથી હાથ આવે?’ એમ કહીને પછી બોલ્યા જે, ‘ઈશ્વરલાલભાઈ! આ સભામાં વચ્ચે આંખો મીંચીને બેઠા છે તે અખંડ મૂર્તિ સામું જોઈ રહ્યા છે, ને હમણાં જ સમાધિમાં શ્રીજીમહારાજ પાસે જઈ આવ્યા; તેમનું નામ અબજીભાઈ છે, એમને મહારાજે પોતાની વતી મૂક્યા છે. તેમને તમારો પગ લાગ્યો, તેથી તમારે એમ જાણવું જોઈએ કે મારે શ્રીજીમહારાજનો અપરાધ થયો.’ આવા વચન સાંભળી ઈશ્વરલાલભાઈએ તુરત ઊઠીને ભાઈશ્રીને દંડ્વત કરવા માંડ્યા. એટલે આ મુક્તરાજે ઊભા થઈ તેમને ઝાલી લીધા ને કહ્યું જે, ‘કાંઈ નહિ, એ તો સભામાં માગ નહોતો તેથી એમ થઈ જાય,’ એમ કહી તેમને મળ્યા, પણ ઈશ્વરલાલભાઈને મનમાં એમ થઈ ગયું કે, ‘આ મુક્તરાજને હવે મારે ગમે તેમ કરીને રાજી કરી લેવા.’ પછી જ્યારે કથાની સમાપ્તિ થઈ ત્યારે વળી તેમણે સ્વામીશ્રીને દંડવત્ કરી પ્રાર્થના કરી કે, ‘સ્વામી! તમે મારા જીવના સાચા સગા ને પરમ હેતુ છો, તેથી આવી ભૂલ મને ઓળખાવી. એમની આવી મોટપ હું જાણતો નહોતો. તમે બહુ દયા કરીને આ વાત સમજાવી. હવે ભાઈશ્રીને મારે ઘેર પધારવાનું કહો, એટલે મને પૂર્ણ સંતોષ ને શાંતિ થાય. જ્યાં સુધી એમનાં પગલાં મારે ઘેર નહિ થાય ત્યાં સુધી એમને રાજી કરવાનો મારો સંકલ્પ ટળશે નહિ.’ એ વખતે ભાઈશ્રી કહે, ‘અમે તો સદાય રાજી છીએ, તમારે મનમાં એવું કાંઈ ન રાખવું,’ તોપણ તે તો સ્વામી પાસે પ્રાર્થના કરતા જ રહ્યા. સ્વામીશ્રીએ જાણ્યું જે, આમને તાણ થઈ છે તે ઠીક છે; તેથી ભાઈશ્રીને કહ્યું કે, ‘તેમની સાથે જરા જઈ આવો તો તેમને આનંદ થાય.’ આમ કહેવાથી ઈશ્વરલાલભાઈ આ મુક્તરાજને પોતાને ઘેર તેડી ગયા, ને ગાલીચો પાથરી વાંસે તકિયો મૂકી બેસાર્યા. પછી ભાલમાં કુંકુમનો ચાંદલો કરી ફૂલનો મોટો હાર પહેરાવી દંડવત્ કર્યા. ભાઈશ્રી ના પાડે ને ઝાલી રાખે પણ માને નહિ ને કહે કે, ‘બાપજી! મારા પર રાજી થાઓ, મારાથી એમ બોલી જવાયું કે આ બધા કચ્છના કણબી છે, પણ તમે તો શ્રીજીમહારાજના લાડીલા મુક્ત છો ને મારા જેવા અનેકને મહારાજ પાસે લઈ જવા આવ્યા છો, તેની મને ખબર નહિ, આ તો સ્વામીશ્રીની અપાર દયા! જેથી સભામાં વઢીને આ વાત સમજાવી. હવે આવા ને આવા સદાય મારા પર રાજી રહેજો.’ ત્યારે ભાઈશ્રીએ તેમના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે, ‘આપણે સદાય ભેગા છીએ ને ભેગા રહેશું.’ એમ કહીને ભલામણ કરી જે, ‘તમે સભામાં મોડા આવ્યા હતા ને વાત થઈ ગઈ તે તમને જાણવામાં નથી આવી; તેથી કહું છું કે, સ્વામીશ્રીને ખૂબ રાજી કરી લેજો, એ હવે આસો સુદ ૧ની રાત્રિના એક વાગ્યા સુધી દર્શન દેશે,’ એમ કહી મહારાજના પ્રતાપની ઘણી વાર વાત કરી, તેથી તેમને ઘણું હેત થઈ ગયું. પછી એ બન્ને મંદિરમાં સાથે આવ્યા ને ઈશ્વરલાલભાઈએ સ્વામીશ્રીનો બહુ ઉપકાર માન્યો.
આવી રીતે અમદાવાદમાં ભાઈશ્રી અલૌકિક પ્રતાપ જણાવતા, તેથી સંત-હરિભક્તોમાં તેમનો મહિમા વધતો ગયો. પોતે સવારથી જાગે તે રાત્રે સૂવે ત્યાં સુધી સ્વામીશ્રી પાસે બેઠા હોય. ત્રણચાર વખત ઠાકોરજીનાં દર્શન કરવા જાય. બેત્રણ વખત સભામાં જઈને બેસે, તેથી ધર્મધુરંધર આચાર્યશ્રી તથા સંત, બ્રહ્મચારી, પાર્ષદ, હરિભક્તો વગેરે તેમને જોઈને અત્યંત રાજી થતા. પોતાને તો સત્સંગ બધો દિવ્ય જણાતો હોવાથી સર્વત્ર મહારાજનું જ દર્શન થતું. કેટલીક વાર સ્વામીશ્રી તેમને વાતો કરવાનું કહેતા ત્યારે પોતે એવાં વચન બોલતા જે, ‘આવા મહારાજ ને આવા સંત, અનંતકોટિ બ્રહ્માંડમાં ખોળતાં ન મળે, તે ઘેર બેઠાં મળ્યા છે, આ તો અનંત જીવને ઉદ્ધારવા આવ્યા છે. આ સભામાં સાક્ષાત્ શ્રીજીમહારાજ બિરાજે છે, ને અનંત મુક્ત ફરતા બેઠા છે, એમ જે સમજે છે તેને મહારાજ સદાય પ્રત્યક્ષ છે; આપણને તો મહાપ્રભુએ ન્યાલ કર્યા છે; તેમનાં પ્રતાપે સુખિયા છીએ, એમના મુક્ત પણ એવા જ કલ્યાણકારી ને અનંત બ્રહ્માંડનો એક સંકલ્પમાત્રમાં મોક્ષ કરે એવા બળવાન છે, તેને દેહાભિમાની જીવ જાણી ન શકે. આવા મહારાજ ને મહારાજના લાડીલા મુક્ત મળ્યા પછી જ્યાંત્યાં સાંધા ન રાખવા ને બીજે ક્યાંય હેત ન કરવું. બીજે હેત રહે તો જાણવું જે, જીવમાં રોગ છે. તે રોગ આ સભાના જોગથી ટળે છે. શ્રીજીમહારાજ ને તેમના મુક્ત બરાબર બીજું કોઈ છે જ નહી, એવી સમજણ દૃઢ કરવી. મુક્ત તો સર્વે મૂર્તિને આધારે છે. પછી કોણ રહ્યું? એક કારણમૂર્તિ જ રહી, માટે અખંડ એકતાર મૂર્તિમાં જોડાઈ રહેવું. કર્તા નિયંતા એ જ છે. ‘કર્તા થકા અકર્તા રે, જુગજુગમાં નરદેહ ધરે.’ મોટા મુક્તને જોગે જેને ખરો સત્સંગ થયો હોય તે તો એક મૂર્તિને દેખે. મૂર્તિ વિના સર્વત્ર દુઃખ જ છે. જુઓને! મૂર્તિ વિના બીજો ઘાટસંકલ્પ થાય એટલે જન્મમરણ આવે છે. એથી બીજું વધુ દુઃખ કયું? માટે એક શ્રીજીમહારાજને જ રાખવા. એ કારણમૂર્તિનું જ્ઞાન આપવા અને એ કારણમૂર્તિને પમાડવા આજ મોટા મુક્ત દયા કરીને પધાર્યા છે. શ્રીજીમહારાજ પણ ભેળા બિરાજે છે, તેથી મોટા મોટા અવતાર પણ પોતાના આત્યંતિક મોક્ષને અર્થે આ સત્સંગમાં આવે છે ને મહારાજના સ્વરૂપનું જ્ઞાન સમજીને સુખિયા થઈ જાય છે. એવો દિવ્ય સત્સંગ અને આવા દિવ્ય સંત મળ્યા છે, માટે આવા જોગમાં પોતાનું પૂરું કરી લેવું.’