૪૩૮ - ધનજીભાઈને મંદવાડમાં દર્શન
જન્મસ્થાન નિમિત્તે આવેલા સંતો વૃષપુરથી ગયા પછી વળી થોડા દિવસ બાપાશ્રી પોતાની વાડીએ જ રહ્યા, ત્યાંથી રોજ સવારે વહેલા સેવકો નવરાવી પૂજા કરાવી લે. પછી પોતે વડ, આંબા કે જાંબુડાના ઝાડ નીચે ખાટલો ઢળાવી સૂવે. તે વખતે બાપાશ્રીના પુત્રો અથવા હીરજીભાઈ, જાદવજીભાઈ જેવા સેવકો પાસે બેઠા હોય, તે વચનામૃત વાંચે. ક્યારેક પોતે તેમને સૂતા સૂતા ઘણી વાર વાતો કરે, જ્યારે એક ઠેકાણેથી બીજે ઠેકાણે આસન ફેરવવું હોય કે બીજી વાડીએ જવું હોય, ત્યારે માંચીમાં બેસારીને હરિભક્તો કે પુત્ર - પૌત્રાદિક ઉપાડીને લઈ જાય. આ રીતે થોડા દિવસ ચાલતું હતું.
એ વખતે વળી નારાયણપુરમાં ધનજીભાઈને શરીરે તાવ આવવા માંડ્યો. તેમના ઘરમાં સહુ બનતા ઉપાય કર્યા કરે, પણ કોઈ રીતે તાવ ઊતરે નહિ, એમ કરતાં થોડા દિવસ પછી તો જમવાનું પણ બંધ થયું. ઉકાળો કે રાબ, કાંજી આદિ જે કાંઈ કરે તે ભાવે નહિ ને પરાણે જમે તો પેટમાં રહે નહિ. સૂતાં સૂતાં ચેન ન પડે, તેમ બેઠું થવાની શરીરમાં પહોંચ ન રહી, તેમ કોઈ કાંઈ વાત કરે તે ગમે નહિ. ઘરનાં માણસો પાસે બેઠાં હોય તે પૂછે જે, ‘તમને કેમ છે?’ ત્યારે પોતે એમ કહે જે, ‘સહુ મહારાજને સંભાર્યા કરોને! ‘કેમ છે, કેમ છે’ એમ ઘડી ઘડી પૂછો છો તેમાં તમારું શું વળવાનું છે? મને હવે આ તાવ ઊતરે એવું જણાતું નથી,’ –એમ કહે ને પોતાના દીકરાઓને પાસે બેસારી વચનામૃત વંચાવે.
એ રીતે થોડો વખત ચાલતાં એક દિવસ રાત્રે સંધ્યાઆરતી પછી તેમણે શ્વાસ થયો એટલે પોતે જાણ્યું જે, ‘હવે તો નક્કી ધામમાં જવાનું થયું. પછી પોતાના દીકરા રામજી, લાલજી, હરજી વગેરેને કહ્યું કે, ‘તમે હવે વૃષપુરથી બાપાશ્રીને તથા રામપુરથી ધનબાફઈ અને દેવરાજભાઈને તથા દહીંસરેથી કેસરાબાપા, -એટલાને માણસ મોકલીને કે ગાડાં મોકલીને તેડાવી લ્યો એટલે મારે છેલ્લી વારનાં દર્શન થઈ જાય. જો બીજા કોઈને ખબર દેવા જેવું તમને લાગે તો તેને ય ખબર દઈ દેજો, મારો દેહ હવે રહેશે નહિ.’ આવાં વચન સાંભળી તેમના દીકરાઓએ મળી, રામપુર તથા દહીંસરાના વાહનની સગવડ કરી માણસ મોકલ્યાં ને વહેલાં દર્શન દેવા ભલામણ કરી. ત્યાર પછી રાતના બાર વાગ્યાને સુમારે બાપાશ્રીને તેડી લાવવા હરિભક્તો જતા હતા તેવા ખબર ધનજીભાઈને પડતાં પોતે તેમના દીકરા લાલજીભાઈને કહેવા લાગ્યા જે, ‘બાપાશ્રીને તેડવા પાંચછ હરિભક્તોને મૂકજો, એમને શરીરે હજી ગાડાનો ધધડાટ ખમી શકાય એવું નથી, તેથી હરિભક્તો તેમનો ખાટલો ઉપડાવી પોતે માંહી સૂતા હોય તેમ ને તેમ ધીરે ધીરે અહીં લાવે. બાપા હમણાં વાડીએ જ રહે છે.’ આ પ્રમાણે કહેવાથી છ હરિભક્તોને વૃષપુર મોકલ્યા. તે હરિભક્તોએ વાડીએ જઈ દર્શન કર્યા કે બાપાશ્રીએ પૂછ્યું, ‘આ ટાણે અર્ધી રાત્રે કોણ આવ્યું?’ ત્યારે પોતાના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈ પાસે હતા તે કહે, ‘બાપા! નારાયણપુરના હરિભક્તો છે.’ પછી પોતે તેમને પૂછ્યું જે, ‘આ ટાણે શું કરવા આવ્યા? ને ધનજીને શરીરે હવે કેમ છે?’ ત્યારે તેઓ કહે, ‘બાપા! ધનજીભાઈને મંદવાડ ઘણો છે ને શરીર નભે તેવું જણાતું નથી, તેથી ત્યાં દર્શન દઈ જવા તેમણે આપને પ્રાર્થના કરી છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘મારે શરીરે પણ ઠીક નથી એટલે આ ટાણે મારાથી નહિ અવાય. સવારે નાહી, પૂજા કરીને આવી જઈશ.’ તેડવા આવેલા હરિભક્તો આ સમાચાર લઈ રાતના બે વાગ્યે નારાયણપુર ગયા. ત્યાં તો ધનજીભાઈ બાપાશ્રીનાં દર્શનની વાટ જોઈ રહ્યા હતા, તે એમને ન જોઈને નિરાશ થઈ ગયા. પછી હરિભક્તોએ વાત કરી ત્યારે તો સાવ ઉદાસ થઈ ગયા ને બોલ્યા જે, ‘હવે મને એમના દર્શન ક્યાંથી થાય?’ વળી વિચાર કરતાં પોતાને એમ થયું જે, ‘ફરી વાર હરિભક્તોને તેડવા મોકલું ને કદાચ આવે તો છેલ્લાં દર્શન થઈ જાય.’ એમ જાણી તેમના દીકરાઓને કહ્યું, તેથી એ જ હરિભક્તોને ફરી વાર તેડવા મોકલ્યા. તેઓ પહોંચ્યા ત્યારે હજી બાપાશ્રી તો માથે ઓઢીને સૂતા જ હતા. તે જોઈ સહુ દંડવત્ કરવા લાગ્યા ત્યારે પોતાને હાથેથી માથે ઓઢેલું લૂગડું ઉતારી ‘જય સ્વામિનારાયણ’ કરીને કહ્યું કે, ‘તમે ફરી વાર કેમ આવ્યા?’ ત્યારે તેઓ કહે, ‘અમને ધનજીભાઈએ મોકલ્યા ને કીધું છે કે, બાપાશ્રીને મારી વતી ફરી વાર જઈને કહો કે, દયા કરીને મને છેલ્લી વારનાં દર્શન દઈ જાય.’ એમ કહેતાં તેઓ ગદગદ થઈ ગયા. એવું જોઈ બાપાશ્રી તેમને કહેવા લાગ્યા જે, ‘તમે કોઈ દિલગીર ન થાઓ. હું આજ બપોરે જરૂર આવીશ.’ ત્યારે હરિભક્તો કહે, ‘બાપા! બપોર સુધી તો ધનજીભાઈ નહિ હોય!’ આવાં વચન સાંભળી પોતે બોલ્યા જે, ‘ધનજીને મહારાજ તેડવા આવશે તેની શું અમને ખબર નહિ પડે જે આટલા ઉદાસ થાઓ છો? તમે ધનજીને તથા તેમના દીકરાઓને કહેજો કે, અમે નારાયણપુર આવ્યા પહેલા ધનજીને જવા નહિ દઈએ.’ એમ કહી સૌને રજા દીધી. આ હરિભક્તોએ તો ઉતાવળા નારાયણપુર આવી આ બધી હકીકત ધનજીભાઈ તથા તેમના દીકરાઓને કહી, તેથી ઘરમાં સૌને નિરાંત થઈ.