૨૫૦ - દર્શન આપીને રાખ્યા
આ રીતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી સંત-હરિભક્તોને કથાવાર્તા ને દર્શન-સમાગમે સુખિયા કરતા વચમાં ભૂંભલી ગામમાં એક સત્સંગી પાર્વતીબાઈને મંદવાડમાં દિવ્યરૂપે દર્શન આપીને જણાવ્યું જે, ‘તમે ધામમાં જવાની ઉતાવળ કરો છો, પણ તમારે હજી સાત વર્ષ રહેવાનું છે, માટે મહારાજને સંભાર્યા કરજો.’ આવી જ રીતે પાટડીના હરિભક્ત ત્રિભોવનભાઈનાં પત્નીને પણ મંદવાડમાં ત્રણ દિવસ સુધી એમ ને એમ ભૂરા હાથી પર મહારાજ ભેળાં દર્શન આપ્યાં. જ્યારે એ બાઈએ તેડી જવાનું કહ્યું ત્યારે એમ બોલ્યા જે, ‘હજી વાર છે. પછી તેડી જશું.’
આમ અલૌકિક ભાવ જણાવવાની સાથે પાછો મનુષ્યભાવ એવો જ બતાવતા કે, કોઈ સાધારણ જીવને તો ખબર જ ન પડે જે, ‘આ અનાદિ મુક્તરાજ કઈ કળામાં ખેલે છે!’