૬૩૬ - માંડવીમાં દર્શન તથા કંડેરાઈચોકીએ પૂજા

0:000:00

બાપાશ્રી કરાંચીના હરિભક્તોને સુખિયા કરી ચૈત્ર સુદ બીજને દિવસે માંડવી પધારશે એવા ખબર નારાયણપુરવાળા ધનજીભાઈએ આગળથી આપેલા હોવાથી કેટલાક હરિભક્તો માંડવીના સમુદ્રકિનારે સામા આવ્યા ને સોની મોતીભાઈના દીકરા તથા બીજા કેટલાક કણબી હરિભક્તો નાના હોડિયામાં બેસી આગબોટ સુધી ગયેલા તે સહુએ બાપાશ્રીને છેટેથી જોયા તો કઠોડા પાસે ઊભા રહેલા ને ધોતિયું તથા આંગડી પહેરેલ, માથે મોટી પાઘડી તથા ખંભે રાખવાના ધોતિયાની ભેઠ બાંધેલી, તેથી જાણે યુવાન અવસ્થા દેખાતી હોય તેવાં સહુને નવીન દર્શન થયાં; પછી એ સર્વે આગબોટ પર જઈ બાપાશ્રીને હાર પહેરાવી મળ્યા. પછી પાછા હોડિયામાં બેસી સહુ કાંઠે ઊતર્યા. ત્યાં પણ હરિભક્તો ઊભા હતા તે દર્શન કરી રાજી થયા. ત્યાંથી સૌ ગાડીમાં બેસી મંદિર જઈ, ઠાકોરજીનાં દર્શન કર્યા પછી ભૂતડાવાડીએ જઈ નાહ્યા ત્યાં પૂજા કરી ટીમણ કરવા માંડ્યું, ત્યારે નારાયણપુરવાળા ધનજીભાઈના દીકરા લાલજીભાઈ સામા આવેલા તે કહે, ‘બાપા! ઠાકોરજીને જમાડવા સારુ કંડેરાઈચોકીએ થાળ તૈયાર રાખ્યો છે, તે ત્યાં જઈને જમાડીએ તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ત્યાં વળી ફરી વાર જમાડશું; હમણાં તો અહીં જરા ટીમણ કરી લઈએ.’ એમ કહી સૌને થોડું થોડું ટીમણ કરાવ્યું, પછી ત્યાંથી માંડવીના હરિભક્તોને દર્શન દઈને ચાલ્યા તે સાંજના ચાર વાગ્યે કંડેરાઈચોકીએ પહોંચ્યા; ત્યાં તો પોણોસો જેટલા હરિભક્તો વાટ જોઈ રહ્યા હતા તે સહુએ ચંદન ચર્ચી, હજારી ફૂલના હાર પહેરાવવા માંડ્યા; તેમાં કોઈ ટોપરાં તથા મગફળીના હાર પણ પહેરાવતા હતા. પછી દંડવત્ કરી સહુ મળ્યા એટલે લાલજીભાઈએ પ્રાર્થના કરી, તેથી ત્યાં પણ ઠાકોરજીને જમાડ્યા; પછી તેમણે બાપાશ્રીને મોટી પાઘડી બંધાવી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘આ ચોકી તો ધામરૂપ બની ગઈ, આ પૂજા જે સંભારશે તેને અમે મૂર્તિના સુખમાં લઈ જશું.’ એમ કહી ગાડામાં બેસી રાત્રે સૌ ચાલ્યા તે સવારમાં વૃષપુર પહોંચ્યા.